
ખંભાળિયા
ભાણવડ તાલુકાના નવાગામ ખાતે રહેતા અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા ૪૦ વર્ષીય હરેશભાઈ ગોરધનભાઈ જાવીયા નામના યુવાનની ગત રાત્રીના સમયે અજાણ્યા શખ્સોએ લાકડી વડે બેફામ માર મારીને હત્યા કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
તાલુકાના નવાગામ ખાતે રહેતો હરેશ જાવિયા ગત રાત્રીના આશરે સાડા બારેક વાગ્યે પોતાના મકાનમાં સુતો હતો ત્યારેે મોઢે બુકાની બાંધીને ચાર અજાણ્યા શખ્સો લાકડી જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા. આ વાડીમાં જ રહેતા અને તલના ઢગલા પર સૂઈ રહેલા હરેશભાઈના ભાગીયા પરપ્રાંતીય યુવાન રાધુભાઈ શંભુભાઈના ગળા પર એક શખ્સે લાકડી દબાવી, તેને તથા તેના સંબંધીઓને મારી નાખવાની ધમકી આપી, નજીકમાં સૂતેલા હરેશભાઈ જાવિયા પાસે પહોંચી ગયા હતા અને હરેશભાઈ કાંઈ પણ પ્રતિકાર કરે તે પૂર્વે અન્ય ત્રણ શખ્સો તેમના પર તૂટી પડયા હતા.
આરોપી શખ્સોએ હરેશભાઈને માથાના ભાગે તથા હાથ અને પગ સહિતના શરીરના જુદા-જુદા ભાગો ઉપર ગંભીર ઈજાઓ પહોંચાડતા લોહીલુહાણ હાલતમાં તેઓ આ સ્થળે ફસડાઈ પડયા હતા અને ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ ખેંચ્યા હતા. આ કરપીણ હત્યા નિપજાવી હત્યારા અંધારામાં ઓગળી ગયા હતા.
આ બનાવ બનતા અહીંના ડીવાયએસપી તથા ભાણવડના પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી કાર્યવાહી કરી હતી. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ મહેશભાઈ (ઉ.વ. ૪૬) ની ફરિયાદ પરથી પોલીસે ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે.
મૃતક યુવાનને બે પુત્રીઓ છે. સંભવિત રીતે અગાઉ કોઈ શખ્સો સાથે થયેલા મનદુઃખના કારણે આ બનાવ બન્યાનું કહેવાય છે. આના અનુસંધાને પોલીસ દ્વારા કેટલાક શંકાસ્પદ શખ્સોની આકરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને આ હત્યાના આરોપીઓ નજીકના ભવિષ્યમાં ઝડપાઈ જાય તેવી પૂરી સંભાવના પણ વ્યકત કરવામાં આવી રહી છે. આ બનાવે મૃતકના પરિવારમાં ઘેરા શોક સાથે નાના એવા નવાગામમાં અરેરાટી પ્રસરાવી છે.
https://ift.tt/3yN82St
Comments
Post a Comment