
- વરસાદી કાંસ ખુલ્લો હોવાથી મચ્છરો અને જીવજંતુઓનો ત્રાસ
- ચોમાસામાં પાણી છલોછલ ભરેલું હોવાથી જોખમી બને છે
વડોદરા,તા,29 મે 2021,શનિવાર
વડોદરા શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે મહત્ત્વના ત્રણ વરસાદી કાંસમાંથી રૂપારેલ વરસાદી કાંસ ઓપન હોવાથી જીવ જંતુ અને મચ્છરોનો ત્રાસ ફેલાવે છે, તેમજ ચોમાસામાં લોકો માટે જોખમી બની જતો હોવાથી તેના પર સિમેન્ટનો પાકો સ્લેબ બાંધવાની રજૂઆત કરવામાં આવી છે.
વડોદરા શહેરમાં વરસાદી કાંસ આવેલા છે, એ ખરેખર ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલ માટેના છે. વડોદરાના દક્ષિણ અને પૂર્વ વિસ્તારના મહત્ત્વના વરસાદી કાંસ રૂપારેલમાં 30 વર્ષ અગાઉ ગટર લાઈન જોડી દેવામાં આવી છે. ગાજરાવાડી વિસ્તારમાં આવેલા સુએજ પંપિંગ સ્ટેશનનું પાણી પણ આ વરસાદી કાંસમાં છોડવામાં આવે છે. જેના લીધે ગાજરાવાડી થી તરસાલી બાયપાસ સુધીના સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાય છે. કોર્પોરેશનમાં બજેટ ની મિટિંગ હતી ત્યારે એક દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેમાં રૂપારેલ વરસાદી કાંસ સિમેન્ટના સ્લેબથી બંધ કરી દેવાની માગણી હતી. ગાજરાવાડી સુએઝ પંપિંગ સ્ટેશનથી શરૂ કરીને પસાર થતાં આ વરસાદી કાંસમાં ગટરનું પાણી છોડવાના કારણે આસપાસની સંખ્યાબંધ સોસાયટીઓમાં જીવ જંતુ અને મચ્છરોનો ત્રાસ વર્તાવ્યો છે. રાત્રે સોસાયટી અને વસાહતના લોકો મચ્છરોના ત્રાસથી ઘર પણ બંધ કરીને રાખે છે. લોકોને આ ત્રાસમાંથી કાયમી છુટકારો મળે તે માટે વરસાદી કાંસ ઉપર સિમેન્ટનો સ્લેબ બાંધીને બંધ કરવો જરૂરી છે.
જ્યારે આ દરખાસ્ત મૂકવામાં આવી હતી ત્યારે નાગરિકોને પડતી તકલીફો ધ્યાનમાં લીધા વિના દરખાસ્તના વિરોધમાં મતદાન કરી દક્ષિણ અને પૂર્વ વિસ્તારના લોકોને અન્યાય કર્યો હતો તે આક્ષેપ વિરોધ પક્ષ કોંગ્રેસના પૂર્વ નેતા એ કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે દક્ષિણ અને પૂર્વ વિસ્તારમાં ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓએ આ વિસ્તારના નાગરિકોને પડતી તકલીફો માટે વિચાર કરવો જોઈએ અને વરસાદી કાંસ ઉપર સ્લેબ બાંધવાનો નિર્ણય લેવો જોઈએ.
https://ift.tt/3uwr5gz
Comments
Post a Comment