
આણંદ : આણંદ જિલ્લામાં ગઈકાલ રાત્રિના સુમારે વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. લગભગ એક કલાકના સમયગાળામાં જ આણંદ તાલુકામાં ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા. જ્યારે જિલ્લાના સોજિત્રા તાલુકામાં અઢી ઈંચ અને ઉમરેઠ તથા પેટલાદ તાલુકામાં એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાના અહેવાલ સાંપડયા છે.
ગત તા.૪ જૂનના રોજ રાત્રિના સુમારે મેઘરાજાએ આણંદ જિલ્લામાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને જિલ્લાના વિવિધ તાલુકા મથકોએ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસ્યા હતા. ચોમાસાના પ્રારંભે જ આણંદ તાલુકામાં લગભગ સાત ઈંચ વરસાદ ખાબકતા વિવિધ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ત્યારબાદ લગભગ પાંચ દિવસ સુધી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. પરંતુ ગત સપ્તાહે કેટલાક દિવસો દરમ્યાન મેઘરાજાએ વિરામ ફરમાવ્યો હતો. ત્યારબાદ છેલ્લા બે દિવસથી જિલ્લામાં વરસાદી માહોલ પુનઃ જામ્યો છે. દરમ્યાન સોમવારના રોજ દિવસ દરમ્યાન વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ રાત્રિના સુમારે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને આકાશમાં વીજળીના ચમકારા સાથે મેઘ ગર્જના વચ્ચે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. અચાનક જ જોરદાર વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી અને સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો.
ગઈકાલ રાત્રિના લગભગ ૧૧.૦૦ કલાકની આસપાસના સુમારે આણંદ શહેરમાં વરસાદની શરૂઆત થઈ હતી અને પ્રારંભથી જ વરસાદનું જોર ભારે રહ્યું હતું. જેના પગલે લગભગ પોણો કલાકમાં જ ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકતા જ નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. જો કે મોડી રાત્રિએ વરસેલ વરસાદના કારણે જાહેર માર્ગો ઉપર વાહનોની અવર-જવર ઓછી હોઈ ઝાઝી તકલીફ સર્જાઈ ન હતી અને સવાર સુધીમાં વિવિધ વિસ્તારોમાંથી વરસાદી પાણી ઓસરી ગયા હતા. જિલ્લાના સોજિત્રા તાલુકામાં પણ ગતરાત્રિના સુમારે લગભગ અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે પેટલાદ, ઉમરેઠ, બોરસદ અને આંકલાવ તાલુકામાં પોણાથી એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ સાંપડયા છે. આજે મંગળવારના રોજ પણ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.
પાણીની નિકાલ માટે મુકવામાં આવેલા સબમર્શીબલના વાયરોની ચોરી થતા ગરનાળામાં પાણી ભરાયા
તાજેતરમાં નવનિર્માણ પામેલ શહેરના તુલસી ગરનાળામાં વરસાદી પાણીના નિકાલ માટે તાજેતરમાં પાલિકા દ્વારા સબમર્શીબલ પંપની વ્યવસ્થા કરાઈ હતી. જો કે ગરનાળા ખાતે મુકવામાં આવેલ ઈલેક્ટ્રીક પેનલ તેમજ વાયરોની ચોરી થઈ જતા ગઈકાલ રાત્રિના સુમારે આણંદ શહેરમાં મુશળધાર વરસાદ વરસતા તુલસી ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને સબમર્શીબલ પંપ બિનઉપયોગી બન્યો હતો.
વરસાદને પગલે વીજળી ડુલ થતા ગ્રામ્ય વિસ્તારોમાં અંધારપટ છવાયો
ચોમાસા દરમ્યાન ભારે વરસાદ થતાં વીજળી ડુલ થવાની ફરિયાદોમાં વધારો થતો હોય છે. ગત રાત્રિના સુમારે આણંદ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. જિલ્લાના આંકલાવ તાલુકામાં પણ ગતરાત્રિના સુમારે લગભગ પોણા ઈંચ જેટલો વરસાદ વરસતા કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ડુલ થઈ જવાના બનાવો બન્યા હતા. મહીસાગર નદી કાંઠે આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સુમારે અંધારપટ છવાઈ જતા ગ્રામજનોને ભારે હાડમારીનો સામનો કરવો પડયો હતો. વરસાદ બંધ થઈ ગયા બાદ પણ કલાકો સુધી વીજ પુરવઠો ચાલુ ન થતા ગ્રામજનોને રાત્રિ અંધકારમાં વીતાવવી પડી હતી.
https://ift.tt/3y8XaNQ
Comments
Post a Comment