
દાહોદ: ભલે બાળકો શાળાએ ન આવી શક્તા હોય પણ અમે તો તેના ઘરે જઈને ભણાવી જ શકીએ છીએ આવી વિચારસરણી સાથે ગુજરાતના સૌથી છેલ્લા ખંગેલા ગામની પ્રાથમિક શાળાના અંધ શિક્ષક હેતલભાઈ કોઠારી અને તેમના સાથી શિક્ષકોએ બાળકો માટે કોરોના કાળમાં 'ફળિયા શિક્ષણ' શરુ કર્યું છે.
ગુજરાતનો આદિવાસી વિસ્તાર એવો છે કે જ્યાં મા-બાપને બાળકોને ભણાવવા કરતા મજૂરી કામ કરાવવામાં વધારે રસ હોય છે. રાજ્યનું છેવાડાનું ખંગેલા ગામ પણ કંઈક આવું જ છે જેના વિશે હેતલભાઈએ કહ્યું કે દિવાળી પછી આદિવાસીઓ શહેરમાં મજૂરી કરવા નીકળી પડે એટલે તેમના બાળકોને પણ મજૂરી અર્થે જોડે લઈ જાય છે જેથી તેમના શિક્ષણ ઉપર ખૂબ અસર પડે છે અધૂરામાં પૂરુ આ કોરોના આવી જતા શાળાઓ બંધ થઈ ગઈ છે.
સરકારે ટીવી અને મોબાઈલના માધ્યમથી ઓનલાઈન શિક્ષણ આપવાનું તો શરુ કર્યું પણ આ અતિપછાત વિસ્તારના આદિવાસીઓ ખૂબ જ ગરીબ હોવાથી ના તો તેમની પાસે ટીવી છે કે ના સ્માર્ટ ફોન. આવા સમયમાં બાળકોનું ભણતર ન બગડે તેથી અમે ફળિયા શિક્ષણ શરુ કર્યું હતું. ખંગાલ ગામમાં કુલ ૧૨ ફળિયા આવેલા છે, અમુક ડુંગરાઓ પર છે તો કેટલાક ખેતરોની વચ્ચે છૂટાછવાયા છે.
એટલે ખંગેલા પ્રાથમિક શાળાના શિક્ષકોએ ફળિયાઓ વહેંચી લીધા છે. એટલે રોજે એક-એક ફળિયામાં શિક્ષકો ભણાવવા જાય છે. હું વિવિધ ફળિયાના ધો.૯ના ૯૫ વિદ્યાર્થીઓને ભણાવી રહ્યો છું. મારુ ઘર ખંગેલાથી ૨૫ કિમી દૂર આવેલું છે એટલે સાથી મિત્ર સાથે બાઈક પર સવારે ૭ વાગે ખંગેલા આવું છું ત્યાંથી ડુંગર ચઢીને અથવા ખેતરોમાંથી ચાલીને બાળકોને ભણાવવા જઉં છું. ખંગેલા પછી મધ્યપ્રદેશની હદ શરુ થઈ જાય છે.
શરુઆતના સમયમાં અહીં માંડ ૧૦૦ વિદ્યાર્થીઓ ભણવા આવતા હતા
૫૦ વર્ષીય હેતલભાઈએ કહ્યું કે આજથી ૨૨ વર્ષ પહેલા જ્યારે હું આ પ્રાથમિક શાળામાં જોડાયો હતો ત્યારે ધો.૧થી ૭માં માંડ ૧૦૦ વિદ્યાર્થીઓ આવતા હતા પરંતુ અત્યારે આદિવાસીઓમાં થોડી જાગૃતિ આવતા હાલ ૭૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
અકસ્માતે બંને આંખનો ભોગ લીધો, છતાં ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો
અમદાવાદની સ્કૂલ ઓફ સાયન્સમાંથી એમએસસી અને ત્યારબાદ બીએડનો અભ્યાસ કર્યા પછી શિક્ષક બનવાની જ મારી ઈચ્છા હતી. જો કે માતાના કહેવાથી મેં અંકલેશ્વર ખાતે એક કેમિકલ કંપનીમાં કામ કરવાનું શરુ કર્યું હતું. જ્યાં હજુ માંડ છ મહિના થયા હતા ત્યાં એક અકસ્માતમાં બંને આંખ ગુમાવવાનો વારો આવ્યો હતો. જો કે હિંમત હાર્યા વગર આંખો ગુમાવી હોવા છતાં અમદાવાદથી ફિઝિયોથેરાપીનો અભ્યાસ શરુ કર્યો જેમાં મને ગોલ્ડ મેડલ મળ્યો હતો. ત્યારબાદ ગોધરા આવીને ફિઝિયોથેરાપીની પ્રેક્ટિસ કરી પણ મારુ મન તો બાળકોને ભણાવવા જ ઈચ્છતુ હતું એટલે ખંગેલા ખાતે શિક્ષક તરીકે સરકારી નોકરી મેળવી હતી.
https://ift.tt/3hmodOC
Comments
Post a Comment