
આણંદ : કોરોના મહામારી પૂર્વે ઝાકમઝોળભર્યા માહોલ વચ્ચે યોજાતા લગ્ન સમારંભો કોરોના કાળમાં ફીક્કા પડયા હતા. જો કે છેલ્લા કેટલાક સમયથી કોરોનાનું સંક્રમણ મંદ પડતા હવે લગ્ન પ્રસંગોમાં ૧૦૦ જેટલા મહેમાનોની ઉપસ્થિતની છુટ મળતા હાલ લગ્ન પ્રસંગો યોજાઈ રહ્યા છે. બીજી તરફ લગ્નસરાની સિઝનમાં જુલાઈ માસ દરમિયાન ૪ મહુર્ત જ બાકી રહ્યા હોઈ બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. તા.૨૦મી જુલાઈને દેવપોઢી એકાદશી બાદ ચાર માસના વિરામ પછી તા.૧૪મી નવેમ્બરથી લગ્નસરાની સિઝન શરૂ થશે.
કોરોના મહામારીને પગલે કેટરીંગ, ઈવેન્ટ મેનેજમેન્ટ, સહિત બગી, બેન્ડવાજા, ફુલહાર સહિતના વ્યવસાય સાથે સંકળાયેલ લોકો છેલ્લા સવા વર્ષ ઉપરાંતથી આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. ગત નવેમ્બર માસમાં લગ્નના ૨ અને ડિસેમ્બર માસમાં લગ્નના ૩ મુહુર્ત હતા જ્યારે કમુરતા બાદ ફેબુ્રઆરી માસ દરમ્યાન લગ્નના બે મુહુર્ત હતા. ત્યારબાદ હોળાષ્ટક અને ગુરૂ-શુક્રનો અસ્ત હોઈ દોઢ મહિના જેટલો સમયના વિરામ બાદ એપ્રિલ માસ દરમ્યાન પુનઃ મુહુર્તની શરૂઆત થઈ હતી. જો કે આ સમયગાળા દરમિયાન કોરોનાના સંક્રમણની ગતિ વધતા નિયંત્રણોના કારણે લગ્ન પ્રસંગો કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે કરવામાં આવ્યા હતા. જેથી કોરોના નિયંત્રણો વચ્ચે યોજાતા લગ્નમાં માહોલ ફિક્કો જોવા મળ્યો હતો. આ સમયગાળા દરમિયાન કોરોનાની બીજી લહેર ઘાતક બનતા ગણતરીના મહેમાનોની ઉપસ્થિતિમાં સાદગીપૂર્ણ રીતે લગ્ન પ્રસંગો યોજાયા હતા.
છેલ્લા સવા વર્ષ ઉપરાંતથી કોરોના મહામારીને પગલે કેટરીંગ, બેન્ડવાજા, બગી, ફુલહાર સહિત ઈવેન્ટ મેનેજમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો ધંધામાં આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે. કોરોનાને પગલે લોકડાઉન તેમજ બાદમાં અમલી બનાવાયેલ મીની લોકડાઉનને કારણે મર્યાદિત મહેમાનોની ઉપસ્થિતિ વચ્ચે જ લગ્ન પ્રસંગો યોજાતા તેઓની સિઝન ફેઈલ થઈ હોવાનો રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારે આગામી જુલાઈ માસના ચાર લગ્ન મુહુર્ત બાદ તા.૨૦મી જુલાઈને દેવપોઢી એકાદશી સાથે લગ્નસરાની સિઝન પુરી થશે અને ચાર મહિના પછી એટલે કે તા.૧૪મી નવેમ્બરથી લગ્નસરાની સિઝનની શરૂઆત થશે.
જુલાઈ માસ દરમિયાન લગ્નના ફક્ત ચાર જ મુહુર્ત જ બાકી
આગામી જુલાઈ માસ દરમ્યાનના ફક્ત ચાર લગ્ન મુહુર્તો એટલે કે તા.૧, ૨, ૩ અને ૧૩ના મુહુર્તો જ બાકી છે. અને તા.૨૦મી જુલાઈના રોજ દેવપોઢી એકાદશી બાદ ચાર મહિના સુધી હિન્દુ સમુદાયમાં લગ્ન પ્રસંગો યોજાતા ન હોઈ વેપારીઓની ચિંતા વધવા પામી છે. એક તરફ કોરોના સંક્રમણ ઘટતા સરકાર દ્વારા છુટછાટો આપવામાં આવી છે ત્યારે લગ્નના જુલાઈ માસના ચાર મુહુર્તો બાદ ચાર મહિના સુધી વિરામ હોઈ વેપારીઓને આગામી નવેમ્બર માસ સુધી આર્થિક સંકળામણનો સમાનો કરવો પડશે તેવો મત જાગૃત વેપારીઓએ વ્યક્ત કર્યો છે.
https://ift.tt/3AfUU9o
Comments
Post a Comment