
વડોદરા: એમ.એસ.યુનિ.ની સાયન્સ ફેકલ્ટીના એન્વાયર્મેન્ટલ સાયન્સ વિભાગ દ્વારા વડોદરા સહિતના પાંચ જિલ્લા છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર અને ખેડા જિલ્લાની કપડવંજ, લુણાવાડા, દાહોદ, છોટાઉદેપુરની નર્સરીઓમાં જૈવિક ખાતરનો ઉપયોગ કરી રોપાના મૂળિયા મજબૂત કરવાની સાથે તેને જમીનમાં ઉગાડયા પછી વિકાસ જલદી થાય તે માટેનો પ્રોજેક્ટ માસ્ટરનો અભ્યાસ પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓ સાથે તા.૨ ઓગસ્ટથી શરુ કરાશે જે એક વર્ષ ચાલશે, તેમ પ્રો.તારિકા કુમારે કહ્યું છે.
એન્વાયર્મેન્ટલ સાયન્સ વિભાગના પ્રો.મંથન ટેલરે કહ્યું કે શહેરમાં ગ્રીન કવર વધ્યું છે પણ તેમાં રસ્તાની બંને તરફના, ડિવાઈડર અને બગીચાઓના વૃક્ષોનો સમાવેશ થાય છે, પરંતુ મોટા વૃક્ષોના વિસ્તારમાં કોઈ ફેરફાર થયો નથી. જેથી અમે સેટેલાઈટ ઈમેજની મદદથી છેલ્લા ૨૦ વર્ષમાં કેટલી જમીનનો ઉપયોગ રહેણાંકમાં પરિવર્તિત થયો છે અને શું બદલાવ આવ્યા છે તેની માહિતી મેળવવાની સાથે ક્યાં વિસ્તારોમાં વૃક્ષો વધારી શકાય તે પ્રોજેક્ટ અંતર્ગત છ મહિના દરમિયાન રિસર્ચ કરાશે આ પ્રોજેક્ટ અંતર્ગત ૯ વિદ્યાર્થીઓ કામ કરશે.
ડો.બબલુ પ્રસાદે કહ્યું કે, છેલ્લા ૩૦ વર્ષમાં છોટાઉદેપુરમાં વનીકરણ પ્રોગ્રામ અંતર્ગત વૃક્ષારોપણ થયેલું છે. તેના કારણે ત્યાંના વાતાવરણમાં તેમજ ભૂગર્ભ જળની ગુણવત્તામાં શું ફેરફાર થયો છે તેની ચકાસણી કરાશે. જો અહીંથી સ્થિતિ સુધરેલી જોવા મળશે તો ભવિષ્યની યોજનામાં આ પ્રોજેક્ટ લાભદાયી નીવડી શકશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા એમ.એસ.યુનિ.ના એન્વાયર્મેન્ટલ વિભાગ અને પાદરા કોલેજને ચાર પ્રોજેક્ટ માટે ગ્રાન્ટ મળી છે. જે લગભગ એક વર્ષ ચાલશે, સંશોધનના અંતે જે પરિણામ મળશે તેનો તુરંત ઉપયોગ કરાશે અને તેના આધારે સરકાર પર્યાવરણને લઈ નવી પોલિસી તૈયાર કરી શકશે.
શાકભાજીનો ટોપલો ગણાતા પાદરા વિસ્તારમાં ભૂગર્ભ જળનું પ્રદૂષણ વધ્યું
પાદરા કોલેજના અધ્યાપિકા ડો.ખુશાલી પંડયાએ કહ્યું કે પાદરાનો મોટાભાગનો વિસ્તાર શાકભાજીના ટોપલા તરીકે ઓળખાય છે. પાદરા અને મહીના કાંઠે પુષ્કળ પ્રમાણમાં સરગવો ઉગતો હતો પરંતુ છેલ્લા ૧૫ વર્ષમાં તેનું પ્રમાણ ઘટી ગયું છે જેનું મુખ્ય કારણ ભૂગર્ભ જળનું પ્રદૂષણ છે. પાદરાની આસપાસ ફેક્ટરીઓનું પ્રમાણ વધતા તેનું કેમિકલયુક્ત પાણી અહીંની જમીનમાં ભળતા ભૂગર્ભ જળ ખરાબ થયું છે. લુણા નજીક તો જમીન ખોદતા રંગીન પાણી જ બહાર આવે છે એટલે અમારા રિસર્ચ પ્રોજેક્ટ હેઠળ ભૂગર્ભ જળની વનસ્પતિ પર શું અસર થાય છે તેમજ પ્રદૂષણ ઘટાડવા શું કરી શકાય તે સંશોધન કરાશે.
https://ift.tt/3zUiG9W
Comments
Post a Comment