
લ્યો કરો વાત, સરકાર કે નાણા મંત્રીનો પરિપત્ર નથી છતાં
માસિક થ્રી બી રિટર્ન સાથે મિસમેચ ન થાય તે રીતે એન્યુઅલ એગ્રીગેટ ટર્નઓવરની વિગતો આપતા આંકડા મૂકવા જણાવ્યું
અમદાવાદ : છેલ્લા નાણાંકીય વર્ષ દરમિયાન વેપારીઓએ ફાઈલ કરેલા માસિક થ્રી બી રિટર્ન સાથે મિસમેચ ન થાય તેવું એટલે કે એન્યુઅલ એગ્રીગેટ ટર્નઓવર (એએટીઓ) અંગેની વિગતો પૂરી પાડવાનો આદેશ જીએસટીનું વેબ પોર્ટલ બનાવતી કંપની ઇન્ફોસીસે વેપારીઓને કર્યો છે.
31મી ઓગસ્ટ પહેલા વેપારીઓએ તેમના ટર્નઓવર અંગેના આંકડાઓનું ડિસ્ક્લોઝર આપી દેવું તેમ ડેશબોર્ડ પર જણાવવામાં આવ્યું છે. ઇન્ફોસિસે ટ્વિટ કરીને વિગતો અપલોડ કરી દેવા વેપારીઓને જણાવ્યું છે.
વાસ્તવમાં કેન્દ્ર સરકાર કે કેન્દ્રના નાણાં મંત્રાલયે આ જાહેરાત કરવી જોઈએ અથવા તો તેને લગતો પરિપત્ર કરવો જોઈએ. પરંતુ તેવું થયું નથી. માત્ર જીએસટીએન પોર્ટલના ડેશબોર્ડ પર આ વિગતો મૂકવામાં આવી છે અને વેબપોર્ટલ બનાવનાર ઇન્ફોસિસે ટ્વિટ કરીને વેપારી આલમને તેની જાણ કરી છે.
જીએસટીના રિટર્નમાં 30મી સપ્ટેમ્બર સુધી કરેક્શન કરી શકાય છે. પરંતુ આવકવેરાના ઓડિટ રિપોર્ટ આ વર્ષે 31 ડિસેમ્બર પહેલા પહેલા રજૂ કરી દેવાનો છે. જ્યારે આવકવેરાના ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની છેલ્લી તારીખ 30મી સપ્ટેમ્બર છે. તેના એક મહિના જ પહેલા જ ટર્નઓવરની પૂરી વિગતો જીએસટી પોર્ટલ પર માગવામાં આવી છે.
વાસ્તવમાં રિટર્નમાં કંઈક ભૂલ રહી ગઈ હોય તો તેની જાણકારી આ વર્ષે ત્યારબાદ થનારા ઓડિટ રિપોર્ટની વિગતો પરથી મળી શકે છે. પરંતુ જીએસટી પોર્ટલે આ વિગતો 31મી ઓગસ્ટ પહેલા રજૂ કરી દેવાનો આગ્રહ રાખ્યો છે. સામાન્ય રીતે જીએસટીનું વાર્ષિક રિટર્ન અને ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની છેલ્લી તારીખ 30મી સપ્ટેમ્બર છે.
જીએસટીના પોર્ટલ પર પહેલા માત્ર રૂ. 5 કરોડથી વધુ કે પાંચ કરોડથી ઓછું ટર્નઓવર છે તેની જ વિગતો આપવાની થતી હતી. હવે તેને બદલે તેમના જીએસટીઆર-3બી અને તેમના વાર્ષિક રિટર્નના આંકડાઓ મિસમેચ ન થાય તે રીતે રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. કેટલીકવાર વેપારીઓથી 10 લાખને બદલે 10 કરોડ પણ લખાઈ જતું હોવાના કિસ્સાઓ બને છે.
જીએસટીઆર-1 અને જીએસટીઆર 3-બીને આધારે જ જીએસટીએનના પોર્ટલ પર જ વેપારીઓના ટર્નઓવરના આંકડા તૈયાર થઈ જાય છે. જીએસટીઆર-1 અને જીએસટીઆર-3બીના આંકડાઓને આધારે આ વિગતો તૈયાર થાય છે અને તેમાં કોઈ તફાવત હોય તો તેની વિગતો કારણો સાથે વેપારીઓને આપવાની રહેશે.
તેમાં પોર્ટલની પણ ભૂલ થયેલી હોઈ શકે છે. આંકડાં પ્રમાણે રૂ. 100 કરોડનું ટર્નઓવર દેખાતું હોય પણ વાસ્તવમાં થતું ટર્નઓવર 95 કરોડ હોય તો તેના પણ વિવાદ જીએસટી કચેરીના અધિકારીઓ ઊભા કરી શકે છે. અધિકારી રૂા. 100 કરોડના ટર્નઓવરને પકડી રાખે તો તેના પણ વિવાદ થઈ શકે છે.
જીએસટીના કાયદા મુજબ આગળના વર્ષના આંકડામાં કોઈ ભૂલ થયેલી હોય તો વેપારી સપ્ટેમ્બર 30મી સુધી તેમાં કરેક્શન કરી શકે છે. આ પહેલા 31મી ઓગસ્ટે જ વિગતો આપી દેવાની વાત ઉચિત નથી. સરકાર પણ આ વિગતો પહેલાથી કેવી રીતે દર્શાવી શકે તેવો સવાલ પણ વેપારી આલમ કરી રહી છે.
આ ડેટાઓ વેપારીઓ દ્વારા ચેક કરવામાં આવતા ધ્યાનમાં આવ્યું છે કે ઓગસ્ટ 2020નું ટર્નઓવર તે આ એગ્રીગેટ ટર્નઓવરમાં ગણવામાં જ આવ્યું નથી. સરકારની વેબસાઈટના આંકડાઓમાં જ ભૂલ દેખાય છે, તો વેપારીઓની ભૂલ થઈ જાય તો સરકાર તેને ચોર ગણીને દંડ કરે છે તે ઉચિત છે ખરૂં તેવો સવાલ વેપારી આલમ કરી રહી છે.
https://ift.tt/3iZKwKR
Comments
Post a Comment