
રસી માટે લાઇનો લાગે છે ત્યારે આરોગ્ય વિભાગની બેદરકારી
આરોગ્ય વિભાગે રસીની પુરતી કાળજી ન લેતાં કોવિશિલ્ડના 5.13 લાખ, કોવેક્સિનના 3.19 લાખ ડોઝ બગડી ગયા
અમદાવાદ : એક બાજુ, રાજ્ય આરોગ્ય વિભાગ રસીકરણના આંકડા આપી દેશમાં પ્રથમ નંબરની સિધૃધી મેળવી હોવાના ગાણાં ગાય છે. બીજી તરફ, આરોગ્ય વિભાગ જ કોરોનાની રસીની જાળવણી કરવામાં નિષ્ફળ રહ્યુ છે જેના કારણે કોરોનાની રસીનો ભારે બગાડ થયો છે. ખુદ રાજ્ય આરોગ્ય વિભાગે વિધાનસભામાં કબૂલ્યુ છેકે, 8.33 લાખ કોરોનાના ડોઝ બગડી ગયા છે.
ગુજરાતને કોરોનામુક્ત બનાવવા સરકારે રસીકરણ પર ભાર મૂકયો છે. શરૂઆતના તબક્કામાં તો કોરોનાની રસીની એટલી તંગી વર્તાઇ કે, લોકોએ નાણાં ખર્ચીને રસી લેવા મજબૂર બન્યા હતાં. ખાનગી હોસ્પિટલોમાં રસી લેવા લાઇનો લાગતી હતી. રસી કેન્દ્રો પર મફત રસી લેવા લોકો કલાકો સુધી ઉભા રહેતાં હતાં.
હવે જયારે સરકાર રસીકરણના મુદ્દે વાહવાહી મેળવી રહી છે ત્યારે વિધાનસભા ગૃહમાં આરોગ્ય વિભાગની પોલ ઉઘાડી પડી છે કેમકે, વિપક્ષે પૂછેલા એક સવાલના જવાબમાં સરકારે જ કબૂલ્યુ છેકે, છેલ્લા સાત મહિનામાં 8.33 લાખ કોરોનાની રસી બગડી ગઇ છે.5,13,761 કોવિશિલ્ડ અને 3,19.705 કોવેકસીન રસીનો ડોઝ બગડી જતાં કચરા ટોપલીમાં ફેકી દેવાયા હતાં.
સરકારે એવો ય ખુલાસો કર્યો છેકે, એક લાભાર્થીને એક ડોઝ રસી અપાય છે.એક વાયલમાં દસ લાભાર્થીને રસી અપાય છે. રસીનો એક વાયલ ખોલ્યા બાદ ચાર કલાક સુધી જ રસીનો ઉપયોગ કરી શકાય છે.
ટૂંકમાં સરકારે એવો બચાવ રજૂ કર્યો છેકે, રસી કેન્દ્રો પર રજીસ્ટ્રેશન કરાયા બાદ લોકો રસી લેવા આવતાં જ નથી જેના કારણે રસી બગડી જાય છે. જો કે, આરોગ્ય વિભાગે રસીની જાળવણી માટે પુરતા પગલાં લીધા હોત તો લાખો લોકોને રસીથી સુરક્ષિત કરી શકાયા હોત. આરોગ્ય વિભાગના ઘોર બેદરકારીને લીધે રસીના લાખો ડોઝ કચરા ટોપલીમાં ફેકવા પડયા છે.
https://ift.tt/39I0hSC
Comments
Post a Comment