
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવાર
ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેજ એગ્રીમેન્ટની ફોર્મ્યુલા હેઠળ વીજળીના યુનિટદીઠ દરમાં જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં ૫૦ પૈસાનો વધારો કરવામાં આવતા ગુજરાતના ૧.૩૦ કરોડ વીજ જોડાણધારકોને માથે રૃા. ૧૩૧૮ કરોડનો વધારાનો ખર્ચબોજ આવશે. વીજળી પેદા કરવા માટે કરવા પડતા ઇંધણ ખર્ચ ઉપરાંત પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ ખરીદવામાં આવતી વીજળીના ખર્ચના ઉમેરાની સરેરાશ સાથે એફપીપીપીએનો ત્રિમાસિક ગાળાનો સરેરાશ દર યુનિટદીઠ રૃા. ૨.૪૦ આવ્યો છે. અગાઉના ત્રિમાસિક ગાળામાં આ દર યુનિટે રૃા. ૧.૯૦નો હતો. ગુજરાતની સરકારી કંપનીઓએ ખાનગી કંપનીઓ પાસેથી યુનિટદીઠ ઊંચા ભાવે વીજળી ખરીદી હોવાથી સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ૫૦ પૈસાનો વધારો આવ્યો છે. તેમાંથી ૧૦ પૈસાનો વધારો કંપનીઓએ પોતે જ કરી દીધો છે. બાકીના ૪૦ પૈસાનો વધારો જર્કની મંજૂરી માટે મૂક્યો છે.
ઓક્ટોબર, નવેમ્બર અનેડિસેમ્બરની બિલિંગ સાઈકલમાં વીજ કંપનીઓ ગ્રાહકો પાસેથી યુનિટે દસ પૈસા વધારે વસૂલશે. જર્ક મંજૂૂરી આપે તે પછી વધારા ૪૦ પૈસાની વસૂલીનું આયોજન કરવામાં આવશે. જોકે જર્કે એફપીપીપીએના મહત્તમ દર યુનિટે રૃા. ૨.૧૦ના ફિક્સ કરેલા છે. તેથી ગ્રાહકોએ યુનિટે વધુમાં વધુ રૃા. ૨.૧૦ એફપીપીપીએ તરીક ેચૂકવવા પડશે. આગામી ત્રિમાસિક ગાળાને અંતે એટલે કે ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બરના ત્રિમાસિક ગાળાને અંતે એફપીપીપીએના દરમાં હજીય મોટો વધારો જોવા મળી શકે છે. કોલસાની અછતે ગુજરાતની સરકારી કંપનીઓએ યુનિટે રૃા.૧૫ કે તેનાથી વધુ રકમ ચૂકવીના ખાનગી વીજ ઉત્પાદકો પાસેથી ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ મારફતે વીજળી ખરીદી છે.
પહેલા ત્રિમાસિક ગાળામાં એટલે કે એપ્રિલ, મે અને જૂનમાં પાવર પરચેઝ કોસ્ટ યુનિટે રૃ. ૪.૫૬ હતી. તે બીજી ત્રિમાસિક ગાળામાં (જુલાઈ-સપ્ટેમ્બરમાં) ૪૩ પૈસા વધીને રૃા. ૪.૯૯ થઈ છે. તેમાં ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લૉસના યુનિટે સાત પૈસા ઉમેરાયા છે. ૨૦૨૧-૨૨ના વર્ષમાં ટીએન્ડ ડી લૉસ જર્કે આશરે ૧૪.૭૭ ટકા માન્ય કર્યો છે. તેથી એફપીપીપીએમાં યુનિટે ૫૦ પૈસાનો વધારો આવ્યો છે. તેથી યુનિટદીઠ એપીપીપીએ રૃા.૧.૯૦થી વધીને રૃ. ૨.૪૦ થઈ ગયો છે.
ખાનગી વીજ ઉત્પાદકો પાસેથી મોંઘાભાવે વીજળીની કરેલી ખરીદી આ ભાવ વધારા માટે જવાબદાર છે. અદાણી પાવર પાસે યુનિટદીઠ રૃા. ૩.૪૪ના ભાવે ૧૦૩.૯ કરોડ યુનિટ વીજળીની ખરીદી કરવામાં આવી હતી. તેમ જ ટાટા -સીજીપીએલ પાસે યુનિટદીઠ રૃા.૨.૦૭ના ભાવે ૧૦૧.૩ કરોડ યુનિટ વીજળીને ખરીદી કરવામાં આવી હતી. તેમ જ ઇન્ડિયન એનર્જી એક્સચેન્જમાંથી ૫૮૦.૩ કરોડ યુનિટ વીજળી યુનિટદીઠ રૃા. ૪.૭ના ભાવે ખરીદવામાં આવી હતી. આમ સૌથી સસ્તા ભાવે વીજળી આપતા ટાટા પાવર પાસે ઓછામાં ઓછી વીજળી ખરીદવામાં આવી હતી. ત્યારબાદના ક્રમે અદાણી પાવર પાસે યુનિટે રૃા. ૩.૪૪ના ભાવે વીજળી ખરીદાય હતી. તેમ જ ઇન્ડિયન એનર્જી એક્સચેન્જમાંથી યુનિટે રૃા. ૪.૭૫ના ભાવે વીજળી ખરીદવામાં આવી હતી. આ ઊંચા ભાવની ખરીદીને પરિણામે ગ્રાહકોને માથે વીજ ખર્ચનો બોજ આવ્યો છે.
બીજીતરફ ગુજરાત સરકારની કોલસાથી ચાલતી વીજ ઉત્પાદન કંપનીઓ તેમની કુલ ક્ષમતાના ૧૮થી ૩૦ ટકાની ક્ષમતાએ જ ચાલ્યા હતા. ગુજરાત સરકાર તેના પ્લાન્ટ પૂર્ણ ક્ષમતાએ ચલાવે તો બહારની વીજળી ઓછી ખરીદવી પડે તેમ છે. પરંતુ તેમના કયા સ્થાપિત હિતોને કારણે તેઓ ગુજરાતમાં સ્થાપેલા પાવર પ્લાન્ટની વીજળી પર ઓછામાં ઓછો મદાર બાંધી રહ્યા છે. તેમાંથી સાત જેટલા પાવર પ્લાન્ટ તો ચોક્કસ સમયમગાળામાં બંધ રહ્યો છે. વીજળીની ડિમાન્ડ વધતા તેમણે ઊંચા ભાવે વીજળી બહારથી ખરીદી હતી.
Comments
Post a Comment