Congress MLA from Khambhat Chirag Patel: લોકસભાની ચૂંટણીનું વર્ષ શરૂ થાય તે પહેલા જ ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યો ભાજપના રડાર પર છે. ગયા અઠવાડિયે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું તો આજે મધ્ય ગુજરાતથી કોંગ્રેસના એક ધારાસભ્ય રાજીનામું આપે તેવા સંકેત મળી રહ્યા છે. ચર્ચા છે કે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ આજે રાજીનામું આપશે.

વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું સોંપાતું હોય છે ત્યારે ગયા અઠવાડિયાની જેમ અધ્યક્ષના કાર્યાલયની ગતિવિધી તેજ થાય તેવી જાણકારી મળી રહી છે. સૂત્રોનું માનીએ તો રાજીનામુંઆપનાર ધારાસભ્ય સવારે 11 વાગ્યે વિધાનસભા પરિસર પહોંચનાર છે.

182 સભ્યની વિધાનસભામાં આપના ભૂપત ભાયાણીના રાજીનામા બાદ સભ્ય સંખ્યા ઘટીને 181ની થઈ છે અને આજે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપે તો તે સંખ્યા ઘટીને આજે 180ની થઈ જશે. વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 17નું છે. જે આજે ધારાસભ્ય રાજીનામું આપે તો ઘટીને 16નું થઈ જશે.

જોકે ધારાસભ્યનાં રાજીનામાનો શરૂ થયેલો આ સિલસિલો સમગ્ર અઠવાડિયા દરમિયાન યથાવત રહેશે તેવા સંકેત મળી રહ્યા છે. ચિરાગ પટેલ તરફથી રાજીનામું આપવાની ચર્ચા મુદ્દે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા મળી નથી. પરંતું એ હક્કીત છે કે ચિરાગ પટેલ પ્રદેશ ભાજપના નેતાઓના સંપર્કમાં લાંબા સમયથી હતાં.

કોંગ્રેસના અને AAPના અન્ય ધારાસભ્યો પણ ભાજપના રડાર પર છે. ભૂપત ભાયાણીના રાજીનામા બાદ ભાજપમાં જોડાવવાની જાહેરાત કરી છે તો સ્વભાવિક છે કે જે પણ ધારાસભ્ય રાજીનામા આપશે તે ભાજપમાં જોડાશે. ભાજપે રાજીનામું આપનાર આપ અને કોંગ્રેસના નેતાઓ માટે વેલકમ પાર્ટીનું આયોજન નવા વર્ષની શરૂઆતમાં જ કરી હોવાની જાણકારી મળી રહી છે.

નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા જ વિસાવદરના AAPનાં ધારાસભ્ય ભૂપત ભાયાણીએ MLA પદેથી રાજીનામું આપ્યું હતું. ગુજરાતની આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ભાયાણીએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું આપ્યું હતું. વિધાનસભા અધ્યક્ષે ભૂપત ભાયાણીના રાજીનામાનો સ્વીકાર કર્યો હતો. ભાયાણીના રાજીનામાં બાદ વિધાનસભાનું સંખ્યાબળ ખંડીત થઈને 181 થયું છે. ભૂપત ભાયાણીએ રાજીનામા પર કહ્યું હતું કે, મેં મારા કાર્યકર્તા અને મતદારોને પૂછીને આ નિર્ણય કર્યો છે.

આ પણ વાંચોઃ

લોકસભા પહેલા રાજકીય ભૂકંપના એંધાણ, AAP બાદ કોંગ્રેસનાં ધારાસભ્ય આપી શકે છે રાજીનામું

Comments
Post a Comment