આ સરકારી વેબસાઇટ તમારો ફોન શોધી આપશે:અમદાવાદ પોલીસે 20 લાખના 95 ચોરાયેલા ફોન પરત સોંપ્યા, જાતે જ ઓનલાઇન આ બે સરળ કામ કરો

https://ift.tt/74XlrhD આજકાલ દર બીજા મહિને નવી ટેક્નોલોજી સાથે મોબાઇલ બજારમાં આવી જાય છે. લોકો પણ મોબાઇલ ફોન પાછળ હજારો રૂપિયા ખર્ચતા નથી અચકાતા, પરંતુ શું થાય, જ્યારે તમારો ફોન ખોવાઈ કે ચોરાઈ જાય? કારણ કે એક ધારણા એવી પણ છે કે જો તમારો મોંઘેરો મોબાઇલ ખોવાશે કે ચોરાઈ જશે તો પાછો મળવાના ચાન્સ નથી, પરંતુ આ ધારણા ખોટી પડશે અને તમારો મોબાઇલ ફોન પરત મળવાની સંભાવના ખૂબ વધી જશે! બસ, બે સ્ટેપ ફોલો કરો. આ માટે તમારે કોઈ પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી અને લાંબી કાયદાકીય ગૂંચવણમાં પણ નહીં પડવું પડે. તમારો ફોન મળી જશે તો પોલીસ જ તમને સામેથી ફોન કરશે. આ બધું શક્ય બનશે CEIR એટલે કે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર પોર્ટલના કારણે. આ પોર્ટલને કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવ્યું છે, જેના પર તમારે ખોવાયેલા ફોનની કેટલીક વિગતો ભરવાની રહેશે. થોડા દિવસ પહેલાંની વાત છે. અમદાવાદ ઝોન-2 પોલીસની ટીમે તેમનાં 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવેલા 95 ફોન તેના મૂળ માલિકોને બોલાવીને પરત કર્યા હતા. આ મોબાઇલની અંદાજિત કિંમત 19 લાખ 84 હજાર રૂપિયા જેટલી થાય છે. લોકો કેવી રીતે CEIR પોર્ટલ પર પોતાના ચોરાયેલા ફોનની માહિતી ભરી શકે અને શું-શું પ્રક્રિયા અનુસરવાની રહેશે? આ બાબતની સ્ટેપ બાય સ્ટેપ જાણકારી દિવ્ય ભાસ્કરે ઝોન-2 LCBના PSI એસ.આર. રાજપૂત અને કારંજ પોલીસ સ્ટેશનમાં ચોરાયેલા મોબાઇલ ફોન ટ્રેક કરવા સહિતની ટેક્નિકલ કામગીરી સંભાળતા પોલીસ કોન્સ્ટેબલ બિપિન ડાભી સાથે વાતચીત કરી હતી. તેમણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી સમજાવી હતી. ચોરાયેલો કે ખોવાયેલો ફોન પાછો મેળવવામાં CEIR પોર્ટલ કેવી રીતે કામ લાગી શકે? CEIR પોર્ટલ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં ફરિયાદી જાતે જ પોતાના મોબાઇલ કે કોમ્પ્યુટરના માધ્યમથી માહિતી ભરી શકે છે. પોલીસ કોન્સ્ટેબલ બિપિન ડાભીએ જણાવ્યું, સૌથી પહેલા ગૂગલ પર જઈને CEIR લખવાનું રહેશે. CEIR પોર્ટલના ફોર્મમાં કઈ-કઈ માહિતી ભરવાની રહેશે? ફોર્મના બીજા ભાગમાં માગેલી માહિતી ફોન ચોરાયા કે ખોવાયાની ઘટના સંદર્ભે છે, જેમાં ફોન કયા સ્થળેથી ખોવાયો, કયા સમયે ખોવાયો (તારીખ અને સમય), લાગુ પડતું રાજ્ય, જિલ્લો અને પોલીસ સ્ટેશન વિસ્તારની માહિતી આપવાની રહેશે. ખાસ નોંધવા જેવી વાત એ છે કે આ ફોર્મ ભરતા સમયે પોલીસ કમ્પ્લેન નંબર પર માગવામાં આવે છે. જો કોઈ વ્યક્તિએ આ બાબતની પોલીસ ફરિયાદ નોંધાવી હોય તો ત્યાંથી પોલીસ ફરિયાદની કોપી આપી હશે, એમાં FIR નંબર મળી જશે. જો FIR નહીં નોંધાવી હોય અને પોલીસને માત્ર અરજી જ આપી હશે તો પોલીસ સ્ટેશનથી અરજી નંબર પર મળી જશે, જે આ ખાનામાં ભરી દેવો. મહત્ત્વની અન્ય એક વાત... જો કોઈ વ્યક્તિ ચોરાયેલા કે ખોવાયેલા ફોનની FIR કરવા માગે તો એ માટે પણ પોલીસ સ્ટેશનનું પગથિયું ચડવાની જરૂર નથી, કારણ કે ગુજરાતમાં આવા કિસ્સામાં ઓનલાઇન પોલીસ ફરિયાદ કરી શકાય છે. https://ift.tt/VaAy3rP આ પોર્ટલ પર જઈને FIR નોંધાવી શકો છો. કોઈ તમારા ફોનમાં સીમકાર્ડ નાખશે તો બે મેસેજ ઓટોમેટીક જનરેટ થશે તમે એકવાર CEIR પર ફોર્મ ભરી દીધું પછી જ્યારે પણ તમારા ખોવાયેલા કે ચોરાયેલા ફોનમાં કોઈપણ વ્યક્તિ સિમકાર્ડ નાખવાનો પ્રયાસ કરશે તો મોબાઇલ બ્લોક થઈ જશે. આ ઉપરાંત નવું સિમકાર્ડ નાખવાનો પ્રયાસ થયો છે એવો બે જગ્યાએ મેસેજ પહોંચશે. એક મેસેજ તમને (મોબાઇલના માલિકને) મળશે અને બીજો મેસેજ તમે ફોર્મમાં જે પોલીસ સ્ટેશન સિલેક્ટ કર્યું છે ત્યાં સંબંધિત અધિકારીને મળશે. કયા IMEIવાળા ફોનમાં કયો સિમકાર્ડ નાખવાનો પ્રયાસ થયો છે એ માહિતી આ મેસેજમાં હશે. લોકોને આશા ન હતી એવા ફોન મળી આવ્યા અમદાવાદ ઝોન-2માં LCBમાં PSI તરીકે ફરજ બજાવતા એસ.આર.રાજપૂતે કહ્યું, પોલીસ 'તેરા તુઝકો અર્પણ' કાર્યક્રમ ચલાવી રહી છે, જેમાં ફરિયાદીનો જે મુદ્દામાલ હોય એ તેમને પરત આપવામાં આવે છે. અમદાવાદ શહેરના ઝોન-2માં સાત પોલીસ સ્ટેશન આવે છે. નાયબ પોલીસ કમિશનર શ્રીપાલ શેષમાની આગેવાનીમાં તાજેતરમાં થયેલા 'તેરા તુઝકો અર્પણ' કાર્યક્રમ ગોઠવાયો હતો, જેમાં અમે આ 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવેલા કુલ 95 મોબાઇલ ફોન લોકોને પરત આપ્યા હતા, જેની અંદાજિત કિંમત 19 લાખ 84 હજાર રૂપિયા થાય છે. ઘણા મોબાઇલ એવા પણ હતા, જે 2022માં ગુમ થયા હતા. આ ફોન અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોના હતા. તેમણે વધુમાં કહ્યું, અમે ચોરાયેલા કે ખોવાયેલા ફોન ટ્રેસ કરવા માટે ઘણી મહેનત કરી છે. સાયબર ક્રાઇમને લગતા ગુના અને એમાં પણ વિશેષ રૂપે મોબાઇલને ટ્રેસ કરવા માટે દરેક પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેઓ સરકારી પોર્ટલનો ઉપયોગ કરીને ગુમ થયેલા મોબાઇલ ટ્રેસ કરે છે અને અમે એને શોધીને ફરિયાદીને પરત કરીએ છીએ. સામાન્ય રીતે ફોર્મ ભર્યા પછી ફરિયાદીએ કોઈપણ પ્રકારે પોલીસને આ બાબતે જાણ કરવાની રહેતી નથી. ઓનલાઇન માહિતી પોલીસ સુધી પહોંચી જ જાય છે. તેમ છતાં પણ જ્યારે પોતાના ફોનમાં કોઈએ નવું સિમકાર્ડ નાખવાનો પ્રયાસ કર્યો છે એવો મેસેજ આવે તો પોલીસને જાણ કરી શકે છે. જો ફરિયાદી અમારી પાસે ન આવે તોપણ ફોન પરત લાવવાની કામગીરી પોલીસ શરૂ કરી દે છે. પોલીસ પોતાની ટેક્નિકલ ટીમ મારફત અને પોતાના કુનેહથી મોબાઇલને ટ્રેસ કરવાનો પ્રયાસ કરે છે. ત્યાર પછી કાયદાકીય પ્રક્રિયા અનુસરીને ફોનને પરત મેળવી આપે છે. PSI રાજપૂતે કહ્યું, અમારી પાસે ફરિયાદીનું નામ, સરનામું વગેરે માહિતી પોલીસ ફરિયાદ કે CEIR પોર્ટલ મારફત આવેલી જ હોય છે, એટલે જ્યારે અમને આ વખતે 95 મોબાઇલ ફોન મળી આવ્યા ત્યારે અમે ફરિયાદીને ફોનથી જાણ કરી હતી. કેટલાક લોકોનો ફોનથી સંપર્ક ન થયો એટલે રૂબરૂ જઈને પણ તેમનો ફોન મળી ગયો છે અને પોલીસ સ્ટેશન આવીને કાયદાકીય પ્રક્રિયા અનુસરી લઈ જવા કહ્યું હતું. જ્યારે લોકો 'તેરા તુઝકો અર્પણ' કાર્યક્રમ સમયે પોતાનો ફોન પરત લેવા આવ્યા ત્યારે આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના ઓળખના સરકારી પુરાવાથી તેમની ખરાઈ કરીને ફોન પરત કરવામાં આવ્યા હતા. ખાસ નોંધવા જેવી વાત એ પણ છે કે દાખલા તરીકે જો કોઈએ CEIR પોર્ટલ પર પોતાની ઓળખના પુરાવા રૂપે આધારકાર્ડની માહિતી આપી હોય અને મોબાઇલ પરત લેવા આવે ત્યારે ડ્રાઇવિંગ લાઇસન્સ બતાવે તોપણ વાંધો નથી, એટલે કે જરૂરી નથી કે ઓળખનો એક જ પુરાવો ચાલે.
Comments
Post a Comment