ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ

Gujarat accident: રાજ્યમાં આજે અનેક સ્થળોએ અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે, જેમાં અનેક લોકો ઘાયલ થયા છે અને કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે. સુરેન્દ્રનગર, અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા અને સાણંદમાં થયેલા જુદા જુદા અકસ્માતોએ ચિંતાજનક સ્થિતિ ઊભી કરી છે.

સૌથી પહેલા સુરેન્દ્રનગરના સાયલા પાળિયાદ હાઈવે પર એક ડમ્પર ચાલકે સ્કૂલ વાનને ટક્કર મારી હતી, જેમાં ૧૦થી વધુ બાળકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ખાનગી શાળાના બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રેક્ટિસ પૂરી કરીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે વાંટાવચ્છ ગામના બોર્ડ પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી વધુ ઈજાઓ જણાતા ૬ બાળકોને સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં હરદાસ ચોકી પાસે એક કાર ચાલક યુવકે પૂર ઝડપે ગાડી ચલાવીને ત્રણ લોકોને અડફેટે લીધા હતા. મિત્રો સાથે ઝઘડો કરીને ભાગી રહેલા કરણ નામના આ યુવકે અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં એક વ્યક્તિને ગંભીર અને અન્ય બે લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગરના જોરાવરનગર અંડરબ્રીજ પાસે એક બેફામ કાર ચાલકે રાહદારીને ટક્કર મારતાં વિજય પાટડિયા નામના યુવકનું મોત નીપજ્યું હતું. સીસીટીવી ફૂટેજમાં આ ઘટના કેદ થઈ હતી. પોલીસે કાર ચાલકની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.

અમરેલીના વડીયા જેતપુર રોડ પર ચારણીયા નજીક એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવી રહેલા કપચી ભરેલા ડમ્પરે એક બાઇકને ટક્કર મારી હતી. ટક્કર બાદ ડમ્પર પુલ પરથી નીચે ઉતરીને પલટી ખાઈ ગયું હતું અને બાઇકમાં આગ લાગી ગઈ હતી. બાઇક પર સવાર ત્રણ મજૂરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમને સારવાર માટે જૂનાગઢ રીફર કરવામાં આવ્યા છે. ડમ્પર ચાલકનો આબાદ બચાવ થયો હતો.

બનાસકાંઠામાં અંબાજી આબુરોડ વચ્ચે સુરપગલા પાસે એક ટાટા નેક્સોન કાર ડિવાઈડર પર ચઢી જતાં અકસ્માત થયો હતો. આ કારમાં સવાર ત્રણ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેઓ ચૈત્રી નવરાત્રીમાં અંબાજી દર્શન કરીને આબુરોડ તરફ જઈ રહ્યા હતા. અકસ્માતગ્રસ્ત મુસાફરો અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે.

સૌથી દુઃખદ ઘટના સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે બની હતી, જ્યાં મેલડી માતાજીના દર્શન કરીને પરત ફરતી એક ક્રેટા કાર કેનાલમાં ખાબકી હતી. ડ્રાઈવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં આ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ગાંધીનગર વિસ્તારના રબારી સમાજના ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Post a Comment