DySPથી ઉપરના મોટા સાહેબોની હવે ખેર નહીં! અધિકારીઓએ આપવું પડશે રિપોર્ટ કાર્ડ, ક્રાઈમ રેટની માહિતી પણ ફરજિયાત

Gujarat police report card: રાજ્યમાં કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં DySPથી લઈને ઉચ્ચ કક્ષાના તમામ પોલીસ અધિકારીઓએ હવે પોતાનું રિપોર્ટ કાર્ડ રજૂ કરવાનું રહેશે. આ રિપોર્ટ કાર્ડમાં અધિકારીઓએ નોકરી પર હાજર થયા ત્યારથી લઈને દર વર્ષની કામગીરીની સરખામણી અને તેમના વિસ્તારમાં ક્રાઈમ રેટ ઘટ્યો છે કે વધ્યો છે તેની માહિતી DGPને આપવાની રહેશે.

આ નવા નિયમ મુજબ, તમામ એસપી, ડીસીપી અને તેનાથી ઉપરના રેન્કના અધિકારીઓએ પણ પોતાનું રિપોર્ટ કાર્ડ આપવું પડશે. આઇપીએસ અધિકારીઓના રિપોર્ટ કાર્ડની સમીક્ષા ખુદ ગૃહ મંત્રી અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ દ્વારા કરવામાં આવશે. બેઠકમાં અરજદારોને અધિકારીઓ રૂબરૂ મળે અને તેમની સમસ્યાઓ સાંભળે તેના પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. અસામાજિક તત્વોમાં પોલીસનો ડર ન હોય તેમ બેફામ બનીને ગુનાઓ આચરી રહ્યા હોવાના કિસ્સાઓ વધી રહ્યા છે. આ પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે રાજ્ય સરકારે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. થોડા દિવસ પહેલાં જ રાજ્યના પોલીસ વડાએ 100 કલાકમાં રાજ્યભરના અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો.

ગૃહ મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા અને કામગીરીમાં સુધારો લાવવા માટે ટકોર પણ કરવામાં આવી હતી. DySPથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધીના તમામ લોકોએ પોતાના વિસ્તારના ક્રાઈમ રેટની વિગતવાર માહિતી સાથે રિપોર્ટ કાર્ડ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે જ 100 કલાકમાં તૈયાર કરાયેલી અસામાજિક તત્ત્વોની યાદી પર તાત્કાલિક અને યોગ્ય કાર્યવાહી કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે.

IPS અધિકારીઓના રિપોર્ટ કાર્ડની સીધી સમીક્ષા ગૃહ મંત્રી અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ કરશે, જેનાથી અધિકારીઓની કામગીરીનું મૂલ્યાંકન થઈ શકશે. આ ઉપરાંત, બેઠકમાં એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે અધિકારીઓએ અરજદારોને રૂબરૂ મળીને તેમની ફરિયાદો સાંભળવી જોઈએ અને તેનું નિવારણ લાવવું જોઈએ. આ નવા નિયમો અને સૂચનોથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

Comments
Post a Comment