અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ક્યાંક હીટવેવ તો ક્યાંક કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. આજે પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

બીજી તરફ આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. ગાજવીજ સાથે છુટા છવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

અનેક જિલ્લામાં હિટવેવની આગાહી

આવતીકાલે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. બીજી તરફ પોરબંદર, જૂનાગઢ અને દીવમાં આવતીકાલે હિટવેવની આગાહી કરવામાં આવી છે.

2 એપ્રિલે રાજ્યમાં હળવા વરસાદની આગાહી

આવતીકાલે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 2 એપ્રિલના રોજ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.

અમદાવાદ શહેરમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ટ્રફ અને સાયકલનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી

હવામાન વિભાગના જુદા જુદા મોડલ રાજ્યમાં વાતાવરણમાં પલટાના સંકેત આપી રહ્યાં છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની આગાહી કરી છે. પરેશ ગોસ્વામીના આંકલન મુજબ આવનાર દિવસોમાં કમોસમી વરસાદ વરસશે. જે મુજબ 31 માર્ચ એટલે કે આજે દક્ષિણ ગુજરાતમાં તેની અસર જોવા મળી અહીં વાદળછાયું વાતાવરણ આજે સવારથી જોવા મળ્યું. મહારાષ્ટ્ર પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે અને કેટલાક જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે.

દક્ષિણ ગુજરાતના ડાંગ, આહવા, નવસારી, વાપીના વિસ્તારમાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે. માવઠા દરમિયાન થન્ડરસ્ટ્રોર્મ એક્ટિવિટી પણ જોવા મળશે. જેથી કેટલાક જિલ્લામાં ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટાનો અનુમાન છે. જો કે આવિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ રહેશે પરંતુ વરસાદની શક્યતા નહિવત છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના મત મુજબ કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ હાલ કોઇ કમોસમી વરસાદની શક્યતા નથી. જો કે એકાદ જગ્યાએ ઝાપટા પડે તો તે અપવાદરૂપ રહેશે, હવામાનના પલટાની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં 1 અને 2જી એપ્રિલ સુધી જ વાદળછાયું વાતાવરણ રહેશે. બાદ આકરા તાપનો અનુમાન છે.

Comments
Post a Comment