
- પાલમાં રહેતા હીરા દલાલે 90 હજાર 5 ટકાના વ્યાજે લીધા હતા
- હીરાના વેપારની સાથે ફાઇનાન્સનો ધંધો કરનારને રૂપિયા ચુકવી દીધા છતા ઉઘરાણી કરતો હતો
સુરત, તા. 31 મે 2021, સોમવાર
પાલના મણીધારી લક્ઝરીયા કોમ્પ્લેક્ષમાં રહેતા હીરા દલાલના ઘરમાં ઘુસી વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી દલાલ અને તેના પુત્રને માર મારનાર વિરૂધ્ધ અડાજણ પોલીસમાં ફરીયાદ નોંધાય છે.
મહિધરપુરા હીરાબજારમાં હીરા દલાલીનો વ્યવસાય કરતા પરેશ ડાહ્યાભાઇ શાહ (ઉ.વ. 45 હાલ રહે. બી/104, મણીધારી લક્ઝરીયા, નિશાલ સર્કલ નજીક, પાલ અને મૂળ રહે. સતલાસણા, તા. ખેરાલું, જિ. મહેસાણા) એ પાંચેક વર્ષ અગાઉ હીરાના વેપારની સાથે ફાઇનાન્સનું કામ કરતા સંદીપ શાહ (રહે. ચંદનવન એપાર્ટમેન્ટ, કૈલાશનગર, મજૂરા ગેટ) પાસેથી 5 ટકાના દરે 90 હજાર વ્યાજે લીધા હતા. પરેશે વ્યાજ સહિત 90 હજાર રૂપિયા બે વર્ષ અગાઉ ચુકવી દીધા હતા.
પરંતુ છેલ્લા એકાદ મહિનાથી સંદીપે વ્યાજ પેટે બાકી નીકળતા રૂપિયાની ઉઘરાણી શરૂ કરી હતી. દરમિયાનમાં ગત રાત્રે સંદીપે ફોન કરી તેના મિત્ર સાથે ઉઘરાણી માટે પરેશના ઘરે ગયો હતો. પરેશે દરવાજો ખોલતા વેંત સંદીપ અને તેના મિત્રએ પરેશને ઢીક-મુક્કીનો માર માર્યો હતો. જેથી પુત્ર પ્રિત બચાવવા વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો અને ધક્કો મારતા દરવાજો પ્રિતની આંખની ઉપરના ભાગે વાગતા લોહી નીકળવા લાગ્યું હતું અને પરેશની પત્ની જીજ્ઞાબેને બુમાબુમ કરતા પડોશીઓ દોડી આવ્યા હતા. જેથી સંદીપ અને તેનો મિત્ર ભાગી ગયા હતા. ઘટના અંગે પરેશ શાહે કંટ્રોલ રૂમમાં ફોન કરતા અડાજણ પોલીસ દોડી આવી હતી. પોલીસે ફાઇનાન્સર સંદીપ શાહ અને તેના મિત્ર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Comments
Post a Comment