
નડિયાદ : નડિયાદ શહેરમાં આશરે છવ્વીસ દિવસ પહેલા તળાવની માટી કાઢવા અંગે લોહીયાળ જંગ ખેલાયો હતો. બે જૂથો વચ્ચે પથ્થરમારા બાદ તોફાની ટોળાઓએ ત્રણથી વધુ વાહનોને ટાર્ગેટ બનાવી તોડફોડ કરી હતી અને ચારથી પાંચ વ્યક્તિઓને શરીરે ઇજાઓ પહોચાડી હતી. આ બનાવ અંગે અત્યાર સુધી ફક્ત દસ વ્યક્તિઓની અટકાયત કરાતા પોલીસની કાર્યદક્ષતા સામે સવાલો ઊભા થયા છે.
નડિયાદ શહેરના વોર્ડ નં-૧ માં આવેલ પીજ રોડ પરના ટેલિફોન એકસચેન્જ સામે આવેલ તળાવની માટી કાઢવા એક જ સમાજના બે જૂથો લોહીયાળ બન્યા હતા. આ બનાવ અંગે નોધાયેલ ફરિયાદ પ્રમાણે નગર પાલિકા સભ્ય રમેશભાઇએ નવઘણભાઇ ભરવાડને તળાવની માટી કાઢવાના કામની સોપણી કરી હતી. જે અંગે નવઘણભાઇ અને સંગ્રામભાઇ સાથે માટી કાઢવા અંગે મનદુખ થયુ હતુ. જેની જાણ પાલિકા સભ્ય રમેશભાઇને થતા તેમને આ કામ બંધ કરાવ્યુ હતુ. જે અંગે ગત તા.૩ જૂનના રોજ નવ વાગ્યાની અરસામાં સંગ્રામભાઇ ભરવાડ અને અન્ય વ્યક્તિઓ નવઘણભાઇ ભરવાડના ઘરે લાકડીઓ,ફરસી,પાઇપો લઇને પહોચી ગાળો બોલી લાકડી અને પાઇપો વડે હુમલો કર્યો હતો.
આ બનાવ સંદર્ભે લીલુબેન જાગાભાઇ ભરવાડે સાત વ્યક્તિઓ અને બીજા ત્રણ ચાર વ્યક્તિઓ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામાપક્ષે નવઘણભાઇ કાળાભાઇ ભરવાડે સોળ વ્યક્તિઓ વિરુધ્ધ ફરિયાદ નોંઘાવી હતી. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને અત્યાર સુધી લીલુબેન ભરવાડે નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ આરોપીઓમાંથી છ વ્યક્તિઓની અટકાયત કરી છે. જ્યારે સામાપક્ષે નવઘણભાઇ ભરવાડે નોંધાવેલ ફરિયાદમાં સોળ વ્યક્તિઓમાંથી ફક્ત ચાર વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. આશરે સત્યાવીશ વ્યક્તિઓમાંથી દસ જેટલા જ વ્યક્તિઓની અટકાયત કરાતા આ બનાવમાં ભીનુ સંકેલાયુ હોવાના અથવા સહેતુક ગોકળગાયની ગતિએ તપાસ ચલાવવામાં આવતી હોવાના આક્ષેપો થયા છે.
એક ફરિયાદના 11 આરોપી હજી નાસતા ફરે છે
આશરે ૨૬દિવસ અગાઉ નડિયાદ પશ્ચિમ વિસ્તારના ટેલીફોન એક્ચેન્જ સામે આવેલા રાજીવનગરમાં પથ્થરમારા સાથે હુમલો કરાયો હતો.જે બનાવમાં પોલીસ ટીમે વહાલાદવલાની નીતિ અખત્યાર કરતી હોવાના આક્ષેપો થયા છે. નવઘણભાઇ ભરવાડે નોંધાવેલ ફરિયાદના ફક્ત ચાર આરોપીની અટકાયત કરાઇ છે, જેમાં અગિયાર જેટલા વ્યક્તિઓ હાલ નાસતા-ફરતા હોવાનુ પોલીસનુ રટણ છે.જેથી પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે.
પીઆઈ કહે છે, અન્યની અટકાયત કરવાના છીએ
આ બનાવ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકના પી.આઇ ભરતભાઇ પટેલનો ટેલિફોનિક સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે આ બનાવ અંગે અત્યાર સુધીમાં બાર જેટલા વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. જ્યારે અન્ય વ્યક્તિઓની અટકાયત કરવા તજવીજ હાથ ધરી હોવાનુ ઉમેર્યુ હતુ.
https://ift.tt/3A9HpI1
Comments
Post a Comment