
ભાવનગર : શહેરનાં અટલ બિહારી વાજપાઇ ઓપન એર થિએટર ખાતે મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભાવનગર શહેર સહિત રાજ્યભરની આંગણવાડીઓમાં અભ્યાસ કરતાં બાળકો માટે ગણવેશ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર હેઠળની ૩૧૬ આંગણવાડીઓના ૧૧,૭૭૧ બાળકોને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય મંત્રી ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી વિશેષરૂપે ઉપસ્થિતિ રહ્યાં હતાં અને મુખ્યમંત્રી પાસેથી મહિલા અને બાળ વિકાસ વિભાગને મળેલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનના પ્રમાણપત્ર સ્વીકાર્યા હતાં.
મુખ્યમંત્રીએ વર્ચુઅલ માધ્યમથી જણાવ્યું હતું કે, રાજ્યની ૫૩,૦૨૯ આંગણવાડીઓના નાના ભૂલકાઓને આ ગણવેશથી આગવી ઓળખ મળશે. મુખ્યમંત્રીએ ૩૬ કરોડ ૨૮ લાખના ખર્ચે આકાર પામેલી આ ગણવેશ વિતરણ યોજનાનો ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ ગરીબ મધ્યમ વર્ગીય પરિવારોના બાળકો -ભૂલકાઓ માટેનો આ સંવેદના સ્પર્શી નવતર અભિગમ ગણાવી જણાવ્યું કે, રાજ્યભરની આંગણવાડીઓના ૧૪ લાખ બાળકોને વિના મૂલ્યે ગણવેશ વિતરણની આગવી પહેલ કરતું એક માત્ર ગુજરાત રાજ્ય છે. ગુજરાતે કોરોનાકાળ દરમ્યાન રાજ્યના ૩ થી ૬ વર્ષના ૧૬ લાખ જેટલા ભૂલકાઓને પોષણક્ષમ આહાર માટે દર અઠવાડિયે ૧ કિલો ગ્રામ સુખડી આપવાની પહેલ પણ ગુજરાતે કરી છે.
કોરોના સંક્રમણકાળમાં મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજીત હેન્ડ વોશ કેમ્પઇનમાં એક સાથે પાંચ લાખ બહેનોએ પાંચ હજાર સ્થળોએ જોડાઇને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ ગૌરવ સિદ્ધિ માટે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનનું પ્રમાણ પત્ર તેમના પ્રતિનિધિએ મુખ્યમંત્રીને અર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ આ ગૌરવ સિધ્ધિ માટે મહિલા અને બાળ કલ્યાણ વિભાગને અભિનંદન આપતાં આ પ્રમાણપત્ર વિભાગને એનાયત કર્યું હતું.
ભાવનગરના મેયરએ આ પ્રસંગે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા આંગણવાડીઓને નંદ ઘર તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે, તેમાં આનંદ સાથે અભ્યાસની દરેક પ્રકારની સગવડ ઉપલબ્ધ છે. ખાનગી પ્લે શાળા કે આંગણવાડી કરતાં ઉચ્ચ સ્તરના અને લાયકાત ધરાવતા શિક્ષકોની આંગણવાડીમાં ભરતી કરવામાં આવી છે. આંગણવાડીમાં પ્લે એરિયાસાથે મોટા રમકડાં, મોટી કીટ તો હોય જ છે પરંતુ હવે તેમાં ગણવેશ પણ સામેલ કરવામાં આવવાથી બાળકો કિલ્લોલથી રમશે, આનંદ કરશે અને તેની સાથે-સાથે ભણશે.
આંગણવાડીનાં બાળકોને ગણવેશ શા માટે ?
વર્તમાન સમયમાં ખાનગી શાળા અને પ્લે હાઉસ પ્રત્યે વાલીઓને વિશેષ લગાવ અને ઝૂકાવ રહેલો છે, એવાં સમયે આંગણવાડીમાં આવતાં બાળકો ગણવેશમાં આવે તો તેમનામાં આત્મવિશ્વાસનો સંચાર થાય છે. આવા બાળકોમાં શિસ્તબદ્ધતા આવે છે તથા સમાનતાના ગુણોનું સિંચન થાય છે. શિક્ષણ વિભાગ દ્વારા આંગણવાડીમાં સુંદર પ્રિ-સ્કૂલ કીટ પણ આપવામાં આવી છે એટલે ખાનગી પ્લે હાઉસ જેવા જ પ્રિ-સ્કૂલ કિટના રમકડાથી આંગણવાડીના બાળકો રમે અને આનંદ- કિલ્લોલ સાથે પૂર્વ પ્રાથમિક શિક્ષણ મેળવે છે. આવા ઉમદા હેતુથી ગુજરાતની તમામ આંગણવાડીનાં બાળકોને ગણવેશનું આજે વિતરણ કરવામાં આવ્યું છે. આજની આંગણવાડીઓએ આંગણવાડી નહીં પરંતુ નંદ ઘર બની છે અને આંગણવાડીમાં શિક્ષણ આપતી શિક્ષિકાઓ પણ માતા યશોદા તરીકે બાળકોની કાળજી, દરકાર અને સંભાળ રાખે છે.
બોટાદમાં જિલ્લાકક્ષાનો ગણવેશ વિતરણ કાર્યક્રમ સંપન્ન
આજ રોજ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આંગણવાડીના ૩ થી ૬ વર્ષના બાળકોનો ગણવેશ વિતરણનો રાજય સ્તરીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સથી યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે આંગણવાડી કેન્દ્રોના ૩ થી ૬ વર્ષના બાળકોને યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું. આંગણવાડીના ૩ થી ૬ વર્ષના બાળકોને યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ દરમ્યાન ધંધુકાના ધારાસભ્ય તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા પ્રસંગોપાત ઉદબોધન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લા કલેક્ટરએ આંગણવાડીમાં આવતા બાળકો, સગર્ભા, ધાત્રી માતાઓ અને કિશોરીઓને સરકાર દ્વારા પોષણ યુક્ત આહાર પૂરો પાડવામાં આવે છે તે તમામ લાભાર્થીઓ સુધી મળી રહે અને સરકારનો કુપોષણ દુર કરવાનો હેતુ સાચા અર્થમાં સિદ્ધ થાય તેવા પ્રયાસો કરવા જણાવ્યું હતું
https://ift.tt/3AaVMfk
Comments
Post a Comment