
આણંદ : આણંદ શહેરના અમૂલ ડેરી રોડ ઉપર જાહેરાતના મોટા હોર્ડિંગ્સની આડે આવતા આશરે ૮ થી ૧૦ જેટલા વૃક્ષો કાપી નાખવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે. આ અંગે ગામડી ગામના એક અરજદાર દ્વારા આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી વૃક્ષ કાપનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.
વધુમાં મળતી માહિતી મુજબ આણંદ શહેરના અમૂલ ડેરી રોડ ઉપર ડેરીથી રેલ્વે ફાટક સુધી મોટા મોટા જાહેરાતના હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. સાથે સાથે રોડની બંને સાઈડોમાં તેમજ રોડની મધ્યે ડીવાઈડર વચ્ચે લીલાછમ વૃક્ષોની હારમાળા પથરાયેલી જોવા મળે છે. જો કે ઘટાદાર વૃક્ષોના કારણે કેટલીક જાહેરાતના હોર્ડિંગ્સ ઢંકાઈ જવાના કારણે આજે કેટલાક શખ્શો દ્વારા અમૂલ ડેરીથી રેલ્વે ફાટક વચ્ચે આવેલ ૮ થી ૧૦ વૃક્ષો કાપી હોર્ડિંગ્સ ખુલ્લા કરવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. એક તરફ સરકાર દ્વારા પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત વધુ વૃક્ષો વાવોની પહેલ કરવામાં આવી છે ત્યારે કેટલાક શખ્શો દ્વારા પોતાના અંગત સ્વાર્થ માટે લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢી પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. લીલા વૃક્ષો કાપવા માટે તંત્રની પરવાનગી લેવાઈ કે કેમ ? તે અંગે પણ ચર્ચાઓ ઉઠવા પામી છે ત્યારે ગામડી ગામના ત્રિકમનગર ખાતે રહેતા નરસિંહભાઈ ગોહેલ દ્વારા લીલા વૃક્ષોનું નિકંદન કાઢનાર શખ્શો વિરૃધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરાઈ છે.
Comments
Post a Comment