
આણંદ : આણંદ તાલુકાના વહેરાખાડી-સારસા માર્ગ ઉપર આવેલ ગરનાળા નજીક ગઈકાલ સમીસાંજના સુમારે પુરપાટ ઝડપે જઈ રહેલ એક મોટરસાયકલની આગળ કૂતરું આડુ આવતા ચાલકે મોટરસાયકલ ઉપરનો કાબુ ગુમાવી દેતા મોટરસાયકલ ગરનાળા સાથે અડથાડું હતું. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ ચાલકનું સારવાર દરમ્યાન કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલ શખ્શને વધતા-ઓછા પ્રમાણમાં ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયો હતો.
વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ જીઆઈડીસી ખાતે રહી એક કંપનીમાં નોકરી કરતા દિપકભાઈ કિશોરભાઈ ઠાકર (ઉં.વ.૧૯) ગતરોજ પોતાના મિત્ર દિપકભાઈ અંબાલાલ પવારની મોટરસાયકલ ઉપર સવાર થઈ વહેરાખાડી ખાતેની મહીસાગર નદીમાં ન્હાવા ગયા હતા. સાંજના સુમારે તેઓ વિદ્યાનગર ખાતે પરત આવવા નીકળ્યા હતા. દરમ્યાન સાંજના સુમારે તેઓની મોટરસાયકલ વહેરાખાડી-સારસા રોડ ઉપર આવેલ રજાનગર કોલોની નજીકના ગરનાળા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક કૂતરું રસ્તામાં આડુ આવતા મોટરસાયકલ ચલાવી રહેલ દિપકભાઈએ સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને મોટરસાયકલ ગરનાળા સાથે ધડાકાભેર રીતે અથડાયું હતું. આ અકસ્માતમાં દિપકભાઈ પવારને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે દિપકભાઈ ઠાકરને શરીરે વધતા-ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી. બંનેને સારવાર અર્થે વાસદની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં દિપકભાઈ પવારને વધુ ઈજાઓ પહોંચી હોઈ વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાતા તેઓનું કરૂણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ખંભોળજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Comments
Post a Comment