
આણંદ : વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિ. સંલગ્ન લો કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી એમસીક્યુ બેઈઝ પરીક્ષા મુદ્દે ચલાવવામાં આવી રહેલ આંદોલનમાં આજે વિદ્યાર્થીઓ દ્વારા યુનિ. ખાતે ઉપવાસ આંદોલન શરૂ કરાયું હતું. જો કે યુનિ.ના કુલપતિએ આંદોલન કરતાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કર્યા બાદ પણ વિદ્યાર્થીઓનો પ્રશ્ન યથાવત રહેતા આખરે વિદ્યાનગર પોલીસે સૂત્રોચ્ચાર કરી રહેલ સિન્ડીકેટ સભ્ય સહિતના વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.
વધુમાં મળતી માહિતી મુજબ લો ફેકલ્ટીમાં એમસીક્યુ બેઈઝ પરીક્ષા લેવાના મુદ્દાને લઈ વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ છે ત્યારે કેટલીક કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી યુનિ. સત્તાધીશો સામે આંદોલનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. બે દિવસ પૂર્વે યુનિ. ખાતે સૂત્રોચ્ચાર કર્યા બાદ બીજા દિવસે વિદ્યાર્થીઓએ રામધૂન બોલાવી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા રજૂઆત કરાઈ હતી. જો કે યુનિ. સત્તાધીશો પોતાના નિર્ણય ઉપર અડગ રહેતા આજથી ત્રણ દિવસ માટે વિદ્યાર્થીઓ દ્વારા ઉપવાસ આંદોલનની જાહેરાત કરાઈ હતી. જે મુજબ બપોરના સુમારે લો ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ યુનિ. પરિસર ખાતે ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. તેઓના સમર્થનમાં અન્ય ૭૦ જેટલા વિદ્યાર્થીઓ અને સિન્ડીકેટ સભ્ય પણ ધરણાં ઉપર બેઠા હતા. ઉપવાસ આંદોલન શરૂ થયાના થોડા સમય બાદ યુનિ.ના કુલપતિ પ્રો.શિરીષ કુલકર્ણી ઘટના સ્થળે આવ્યા હતા અને વિદ્યાર્થીઓના પ્રશ્ન અંગે પુછતાં વિદ્યાર્થીઓએ એમસીક્યુ બેઈઝ પરીક્ષા નહી લઈ ઓફલાઈન પરીક્ષા લેવા રજૂઆત કરી હતી.
જો કે યુનિ.ના કુલપતિએ અગાઉ ચાર વખત મોક ટેસ્ટ થઈ ગયા હોઈ અને મોટાભાગના વિદ્યાર્થીઓએ મોક ટેસ્ટ આપ્યો હોઈ તથા પરીક્ષાની તારીખ ખૂબ નજીક હોઈ હવે કંઈ શકે તેમ ન હોવાનું જણાવ્યું હતું અને મોક ટેસ્ટ ન આપવા ઈચ્છતા વિદ્યાર્થીઓને ફરી વખત પરીક્ષા ફી આપ્યા વિના એક તક આપવામાં આવશે તેવી મૌખિક બાંહેધરી પણ આપી હતી. જો કે વિદ્યાર્થીઓ પોતાની માંગ ઉપર અડગ રહ્યા હતા અને યુનિ.ના કુલપતિ ઘટના સ્થળેથી રવાના થતાં જ સિન્ડીકેટ સભ્ય સહિતના વિદ્યાર્થીઓએ ભારે સૂત્રોચ્ચાર કરતા સ્થળ ઉપર હાજર વિદ્યાનગર પોલીસની ટીમે જાહેરનામા ભંગ બદલ સિન્ડીકેટ સભ્ય સહિતના તમામની અટકાયત કરી હતી.
https://ift.tt/3hhfehI
Comments
Post a Comment