
ભાવનગર : ભાવનગર સહિત રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વિરોધી વેકિસનની અછત છે ત્યારે લોકોની મૂશ્કેલી વધી ગઈ છે અને લોકોને આરોગ્ય સેન્ટરના ધક્કા થઈ રહ્યા છે. બંને વેકિસનની અછત હોવાથી લોકો પરેશાન છે અને બીજા ડોઝવાળાને તો વધુ તકલીફ પડતી હોવાનુ જાણવા મળેલ છે. સરકારમાંથી જ ઓછો જથ્થો ભાવનગરમાં આવી રહ્યો છે તેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સરકાર એકબાજુ લોકોને કોરોના વિરોધી રસી લેવા જાગૃત કરે છે અને બીજીબાજુ રસીની જ અછત છે ત્યારે લોકો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે. ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વિરોધી રસીની અછત જોવા મળી રહી છે તેથી લોકોને આરોગ્ય સેન્ટર સુધી ધક્કા થઈ રહ્યા છે. ભાવનગર શહેરમાં રોજ આશરે ૩ હજાર વેકિસન આવે છે તેથી વહેલા તે પહેલા ધોરણે રસી આપવામાં આવે છે અને જે લોકો આરોગ્ય સેન્ટરે મોડા પહોંચે છે તેને રસી મળતી નથી. કેટલાક લોકોને રસી મળી જાય છે, જયારે ઘણા લોકોને રસી નથી મળતી નથી તેથી લોકો રોષ ઠાલવતા નજરે પડી રહ્યા છે.
બંને રસીની અછત હોવાથી કયારેક કોવિશીલ્ડ વેકિસન આવે છે તો કયારેક કોવેકિશનનો જથ્થો આવે છે તેથી પ્રથમ ડોઝવાળાને તો ગમે તે રસી ચાલે છે પરંતુ બીજા ડોઝવાળાને પ્રથમ રસી લીધી હોય તે જ રસી લેવાની હોવાથી વધુ મૂશ્કેલી પડી રહી છે. આજે મંગળવારે કોવિશિલ્ડ રસીનો જથ્થો આવ્યો હતો અને આવતીકાલે બુધવારે કોવેકિશન રસીનો જથ્થો આવવાનો છે તેમ આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવેલ છે. સરકારમાંથી વેકિસન ઓછી આવે છે તેથી દરેક લોકોને વેકિસન મળી શકતી નથી. સરકારના નવા જાહેરનામા મુજબ વેપારી સહિતના લોકોને આગામી તા. ૧૦ જુલાઈ સુધીમાં વેકિસનનો પ્રથમ ડોઝ લેવો ફરજીયાત છે પરંતુ હાલ લોકો વેકિસન લેવા જાય તો પણ વેકિસન મળતી નથી અને લોકોને ધક્કા થઈ રહ્યા છે ત્યારે વેપારીઓ કચવાટ કરતા નજરે પડી રહ્યા છે. વેકિસનની અછત હોવાથી સરકારે વેપારી સહિતનાને છુટછાટ આપવી પડશે અને વેકિસન માટેની મુદ્દત વધુ આપવી પડશે તેમ જણાય રહ્યુ છે. ઓનલાઈન રજીસ્ટ્રેશનની સીસ્ટમ હતી ત્યારે રજીસ્ટ્રેશનની સમસ્યા હતા અને હવે ઓનલાઈન રજીસ્ટ્રેશન બંધ થયુ તો વેકિસનની સમસ્યા જોવા મળી રહી છે.
અગાઉ પણ વેકિસનની અછત જોવા મળી હતી અને હાલ રજીસ્ટ્રેશન સ્થળ પર શરૂ કરવામાં આવતા વેકિસનની અછત જણાય રહી છે ત્યારે લોકોને આસાનીથી રસી મળી તે માટે સરકારે તત્કાલ વ્યવસ્થા કરવી જરૂરી છે તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે. હાલ વેકિસન માટે ધક્કા થતા લોકો સરકારીની ટીકા કરતા નજરે પડી રહ્યા છે.
https://ift.tt/3A8Nd4C
Comments
Post a Comment