
70-20-10ની સ્કીમ અંગે સ્ટેન્ડિંગ કમિટીએ કરેલો મહત્ત્વનો ઠરાવ
આ જ ધોરણે બજેટ વાપરવા કરેલો નિર્ણય સરકારને મોકલાશે : શારદાબહેન હોસ્પિટલનું નવિનીકરણ થશે
અમદાવાદ : અમદાવાદની ખાનગી સોસાયટીઓમાં આરસીસી રોડ બનાવવા, બ્લોક્સ નાખવા અને લાઈટીંગની વ્યવસ્થા ઉભી કરવા માટે મ્યુનિ. કોર્પોરેશને અમલમાં મુકેલી 70-20-10ની સ્કીમ લોકપ્રિય નિવડી છે.
આ યોજનામાં જે તે સુવિધા પાછળ થનારા કુલ ખર્ચની 20 ટકા રકમ સોસાયટીના સભ્યોએ કાઢવાની હોય છે, તેમાં 10 ટકા રકમ ધારાસભ્ય તેના બજેટમાંથી આપી શકે છે. એ જ ધોરણે કોર્પોરેટર પણ 10 ટકા રકમ આપી શકે તેવી જોગવાઈ કરવા આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તાકીદની દરખાસ્ત પસાર કરવામાં આવી છે.
આ અંગેની વિગતો એવી છે કે આ પ્રકારના કામો માટે સરકાર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના હેઠળ દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે. રોડ, બ્લોક્સ, લાઈટના થાંભલા પાછળ થનારા કુલ ખર્ચમાંથી 70 ટકા રકમ સરકારની ગ્રાન્ટમાંથી, 20 ટકા રકમ સોસાયટીના ફાળાની અને 10 ટકા રકમ મ્યુનિ. કોર્પોરેશન આપતું હોય છે.
સોસાયટીએ કાઢવાના 20 ટકા રકમમાં જે તે વિસ્તારના ધારાસભ્ય પોતાના બજેટમાંથી 10 ટકા રકમ આપી શકે છે, જેથી સોસાયટીએ 10 ટકા રકમ જ કાઢવાની રહે. આ જ ધોરણે હવે કોર્પોરેટર પણ તેમના બજેટમાંથી 10 ટકા આપ શકે તે માટે ઠરાવ કરી કઢાયો છે. જે મંજુરી માટે સરકારને મોકલવામાં આવશે. તેમ ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે 70-20-10ની કામગીરી ખાનગી કોન્ટ્રાકટરને સૌથી દેવાતી હોય છે. ઉપરાંત મ્યુનિ.ના જે તે વિસ્તારના એન્જિનિયરો કામ ચાલુ હોય ત્યારે સુપરવિઝન કરતાં જ નથી. જેના કારણે કેટલિક સોસાયટીઓમાંથી કામગીરી હલકાં પ્રકારની થયાની ફરિયાદો પાછળથી ઉભી થાય છે. આરસીસી રોડ કરે ત્યારે ખાનગી કોન્ટ્રાક્ટરનો સ્ટાફ લેવલીંગની કામગીરી યોગ્ય રીતે કરતો ના હોવાથી ચોમાસામાં પાણી ભરાવા માંડે છે. સરકાર નાણાં ખર્ચે છે, એનું પુરેપુરૂં વળતર ત્યારે જ મળે, જ્યારે કામગીરી ઉપર ચુસ્ત સુપરવિઝન ગોઠવવામાં આવે.
આ ઉપરાંત ઝીરો અવર્સમાં ગઇ મીટીંગમાં વી.એસ.હોસ્પિટલના નવિનીકરણનો મુદ્દો ઉભો થયો હતો, એવી જ રીતે આ સપ્તાહે પૂર્વની જાણીતી શારદાબહેન હોસ્પિટલના નવા બિલ્ડિંગનો પ્રશ્ન ઉભો થયો હતો. જેના ડ્રોઇંગ અને પ્લાન તૈયાર થઇ રહ્યાં હોવાની વહિવટી તંત્રને વિગતો આપી હતી. જ્યારે ચેરમેને અમદાવાદમાં એન્ટ્રીના તમામ પ્રવેશ દ્વારોને હેરિટેજ લૂક આપીને રોડ સારા કરવા જણાવ્યું હતું. ચોમાસાના ભરાઈ રહેતા ખાબોચિયા અંગે પણ રજૂઆત થઇ હતી.
https://ift.tt/3BV5JOR
Comments
Post a Comment