
સરકારી-ગ્રાન્ટેડ મા.-ઉ.મા.સ્કૂલોના શિક્ષકો પડતર પ્રશ્નો મુદ્દે 1થી7 ઓગસ્ટ સુધી સોશિયલ મિડિયા પર ઉગ્ર વિરોધ કરશે
અમદાવાદ : મુખ્યમંત્રીના પાંચ વર્ષ પુરા થતા 1લી ઓગસ્ટથી સરકાર દ્વારા ઉજવણી કાર્યક્રમો શરૂ થનાર છે ત્યારે પાંચ વર્ષની ઉજવણી ટાણે જ રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના શિક્ષકો 1લી ઓગસ્ટથી પડતર પ્રશ્નો મુદ્દે આંદોનલ શરૂ કરશે.
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકોના પડતર પ્રશ્નો મુદ્દે 1લી ઓગસ્ટથી સરકાર સામે સોશિયલ મીડિયા આંદોલન શરૂ કરવાની જાહેરાત કરવામા આવી છે.
શિક્ષણ સહાયકોની પાંચ વર્ષની નોકરી, સાતમા પગાર પંચના બાકી હપ્તા, ફાજલના કાયમી રક્ષણનો સુધારા ઠરાવ ( પુન: નિયુક્તિ સહિત) તેમજ નીતિ વિષયક નિર્ણયોમાં શિક્ષણ સહાયકોની બદલી, સહાયકોને ફિક્સ પગારના વધારાનો તફાવત અને અન્ય કેટલાક પ્રશ્નો મુદ્દે ઘણા સમયથી સરકારને રજૂઆતો કરવામા આવી રહી છે.
આ ઉપરાંત શિક્ષક સંઘની ફરિયાદ છે કે હાઈકોર્ટના ચુકાદા બાદ પણ જુના શિક્ષકની ભરતી પ્રક્રિયા લંબાઈ છે .ઉપરાંત આચાર્યોની નિમણૂંક વખતે 5-1-65ના ઠરાવ મુજબ તમામને ઈજાફાનો લાભ મળવો જોઈએ અને જુની પેન્શન યોજનાનો અમલ થવો જોઈએ.
આ પ્રશ્નો-માંગણીઓ મુદ્દે અગાઉ શિક્ષણમંત્રી સાથે સંઘના હોદ્દેદારોની મીટિંગ મળી હતી પરંતુ ત્યારબાદ હજુ સુધી સરકાર તરફથી નક્કર કાર્યવાહી ન થતા શૈક્ષિક મહાસંઘ-ગુજરાતના સરકારી-ગ્રાન્ટેડ સંવર્ગના તમામ ઘટક સંઘ તથા રાજય કારોબારી દ્વારા 1લી ઓગસ્ટથી આંદોલન શરૂ કરવા નિર્ણય કરાયો છે.
જેમાં 7મી ઓગસ્ટ સુધી રાજ્યભરની સ્કૂલોમાં શિક્ષકો દ્વારા માંગણીઓ સાથેના ફોટો તથા સેલ્ફી અને પોતાની શાળાના બેનર સાથે સોશિયલ મીડિયા પર મુકશે ા ઉપરાંત સ્કૂલના બ્લેક બોર્ડ પર માંગણીઓ મુદ્દે સત્રો લખી વોટસએપ -ટવીટર સહિતના સોશિયલ મીડિયા પર શેર કરવામા આવશે.
https://ift.tt/3faLvqJ
Comments
Post a Comment