
ધન્યવાદ મોદીજી થીમ : ગરીબોને અનાજ વિતરણ માટે નેતાઓની સ્વપ્રશસ્તિ જેવી 'સૌને અન્ન, સૌને પોષણ, : શાળા, પંચાયત ગૃહને બદલે હવે રાશનની દુકાને - દુકાને પ્રવચનનું પ્રસારણ, નગરો અને શહેરોમાં મંડપો નખાશે
રાજકોટ : ઓગષ્ટની ત્રીજી તારીખે રાજય સરકાર અન્નોત્સવ ઉજવવા જઈ રહી છે. નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ (એન.એફ.એસ.એ.) અંતર્ગત ગુજરાતના 71.88 લાખ રાશનકાર્ડ ધારકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે થતા ઘઉં- ચોખાના વિતરણમાં આ મહિને વડાપ્રધાન અને મુખ્યમંત્રી આમાંના ૧૨૮૦૦ ગરીબ પરિવારોને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરશે, જે માટે રાજય સરકાર કમ સે કમ રૂ. 24 કરોડનું આંધણ કરવાની છે. કોરોના કાળમાં બેરોજગારી અને મોંઘવારીએ માઝા મૂકી છે એવા સમયે શાસકોની પ્રચારભૂખ પાછળ ગુજરાતની પ્રજાએ આ રીતે કરોડો રૂપિયાનો બોજ ઉઠાવવાનો વારો આવ્યો છે.
આ કાર્યક્રમની મુખ્ય થીમ ''સૌને અન્ન, સૌને પોષણ, ધન્યવાદ મોદીજી'' એવી સ્વપ્રશસ્તિરૂપ રાખવામાં આવી છે. ગત મંગળવારે પુરવઠા વિભાગે જિલ્લા મથકોને સૂચના આપી હતી કે, વ્યાજબી ભાવની દુકાન નજીક શાળાઓ અને પંચાયત ગૃહોમાં 25-25 લાભાર્થી તથા 25-25સ્થાનિક આગેવાનોની બેઠક વ્યવસ્થા ગોઠવવી. આના બદલે, હવે આજે પુરવઠા સચિવે તમામ કલેકટરોને સૂચના મોકલી છે કે અન્નોત્સવ વ્યાજબી ભાવની દુકાનો પર જ કરવાનો છે, જયાં જીવંત પ્રસારણની એ રીતે વ્યવસ્થા રાખવી કે ત્યાં ઉપસ્થિત લાભાર્થીઓ, મહાનુભાવો અને પ્રજાજનો તે નિહાળી શકે. આ માટે દુકાનદીઠ રૂ 5,000 જિલ્લાતંત્રને અપાશે.
આ કાર્યક્રમ માટે વડાપ્રધાન દિલ્હીથી તેમજ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પુરવઠા મંત્રી દાહોદથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉદ્બોધન કરશે જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્બોધન ઉપરાંત પસંદગીના સ્થળો પર હાજર કેટલાંક લાભાર્થીઓ સાથે દ્વિ-પક્ષી સંવાદ પણ કરશે. સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ દૂરદર્શન અને બાયસેગની વંદે ગુજરાત ચેનલ સહિત ત્રણ ચેનલ પરથી થશે, ઉપરાંત યુ-ટયુબ પર લાઈવે સ્ટ્રીમિંગ થશે.
રાશન શોપ્સ ઉપરાંત પણ અનેક સ્થળે કાર્યક્રમ માટે જે વ્યવસ્થા થવાની છે એ વધુ ખર્ચાળ
રાશન શોપ્સ ઉપરાંત પણ અનેક સ્થળે કાર્યક્રમ માટે જે વ્યવસ્થા થવાની છે એ વધુ ખર્ચાળ છે. દરેક મહાપાલિકાના પ્રત્યેક વોર્ડમાં એક સ્થળે, 'અ' વર્ગની પાલિકાવાળા નગરોમાં પાંચ - પાંચ સ્થળે, 'બ' વર્ગમાં ત્રણ - ત્રણ, 'ક' વર્ગમાં બે-બે અને 'ડ' વર્ગની પાલિકાવાળા નગરોમાં એક-એક સ્થળે 200-200માણસો બેસી શકે તે રીતે મંડપ, સ્ટેજ, બેઠક વ્યવસ્થા, માઈક- સાઉન્ડ અને જીવંત પ્રસારણને લગતી વ્યવસ્થા સ્થાનિક તંત્રએ ગોઠવવાની રહેશે. પ્રતિ કાર્યક્રમ રૂ 75,000ખર્ચપેટે અપાશે, અને રાજય સરકારનું પુરવઠા નિગમ (પ્રજા જનોના ખિસ્સામાંથી!) આ ગ્રાન્ટ જે - તે જિલ્લાને ફાળવશે! પાલિકા વિસ્તારોના 342 સ્થળે 8550 લોકો અને મહાનગરોના 170 સ્થળે 4250 માણસો આ રીતે શાસકોનો ''શો'' નિહાળશે.
https://ift.tt/3xfIJqi
Comments
Post a Comment