
- શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાયના રૂપિયા અંગત ઉપયોગમાં વાપર્યાં
- સને ૨૦૧૪-૧૫માં લાભાર્થી વિદ્યાર્થીઓ સાથે વિશ્વાસઘાત અને ઠગાઇ કરતા ઇન્ચાર્જ તાલુકા પ્રા.શિક્ષણાધિકારીએ નોંધાવી ફરિયાદ
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ગઢડાના ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ગોપાલભાઇ રમેશભાઇ મકવાણા (રે.ઘોઘા)એ ઢસા પોલીસ મથકમાં વિકળીયા પ્રા.શાળાના તત્કાલીન આચાર્ય જુજારસંગ સુરાજી પરમાર (રે.ઢસા જંક્શન, તા.ગઢડા) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ગઢડા તાલુકાના વિકળીયા ગામે આવેલ પ્રા.શાળામાં સને ૨૦૧૪-૧૫ની સાલ દરમિયાન આચાર્ય તરીકે ફરજ પર રહેલ જુજારસંગે શાળામાં આવેલ શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાયની રકમ ૩,૧૨,૪૦૦ની સરકારના નિયમ વિરૂદ્ધ એટીએમ તેમજ ચેકથી નાણાં ઉપાડી લઇ નાણાંની ચુકવણી અંગેના કોઇ આધાર-પુરાવા રજૂ ન કરી સરકારના નાણાંનો પોતાના અંગત લાભ માટે ઉપયોગ કરી સરકાર તેમજ લાભાર્થી વિદ્યાર્થીઓ સાથે ગુનાહિત વિશ્વાસઘાત અને ઠગાઇ કરી શિષ્યવૃત્તિ-ગણવેશ સહાયની રકમની ઉચાપત કરી હતી. સરકારી કચેરીમાં ઉપવબ્ધ રેકોર્ડ ચકાસણી કરતા આચાર્યના ઢસા બ્રાન્ચમાં આવેલ બેન્ક એકાઉન્ટની તપાસ કરતા ખાતામાંથી ઇશ્યુ કરાયેલ ચેક દ્વારા નાણાં ઉપાડેલ હોવાનું જણાતા સમગ્ર વિગતો સામે આવી હતી. ઉક્ત ફરિયાદ અનુસંધાને ઢસા પોલીસે તત્કાલીન આચાર્ય વિરૂદ્ધ આઇપીસી ૪૦૯, ૪૨૦ મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
Comments
Post a Comment