
- જામનગરના રાધાકૃષ્ણ મંદિર- દ્વારકાપુરીની હવેલી સહિતના જુદા-જુદા કૃષ્ણ મંદિરોમાં મહાઆરતી કરાઇ
- ગિરધારી મંદિર ચોક વિસ્તારમાં સ્થાનિક રહેવાસીઓ દ્વારા મર્યાદિત સંખ્યાના મટકીફોડનો કાર્યક્રમ યોજાયો
જામનગર,તા.31 ઓગષ્ટ 2021 મંગળવાર
છોટી કાશીના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં અનેક કૃષ્ણ મંદિરો પણ આવેલા છે, જ્યાં જન્માષ્ટમીના પર્વને લઇને રાત્રીના 12 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવની ભારે ધામધુમપુર્વક ઉજવણી થઇ હતી, અને રાજ્ય સરકાર દ્વારા મોડી રાત્રી સુધી દર્શન માટેની છૂટ આપવામાં આવી હોવાથી અનેક ભાવિકો કૃષ્ણ ભગવાનના દર્શનાર્થે ઉમટ્યા હતા.
જામનગરના ટાઉન હોલ નજીક આવેલા પુરાતન રાધાકૃષ્ણ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મના વધામણા કરવામાં આવ્યા હતા અને રાત્રીના 12 વાગ્યે અનેક દર્શનાર્થીઓ જોડાયા હતા. જ્યાં મહાઆરતી સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઇ હતી. મંદિર પરિસરની બાજુમા જ વિશાળ મેદાન આવેલું છે, જેમાં વિશાળ કદનો સ્ક્રીન ગોઠવવામાં આવ્યો હતો. જેમાં મંદિર પરિસરની અંદર ની મહાઆરતી સાથેના લાઈવ દર્શન રાખવામાં આવ્યા હતા. જેનો પણ અનેક ભાવિકોએ લાભ લીધો હતો.
દ્વારકાપુરીની હવેલી, સત્યનારાયણ મંદિર, ગિરધારી મંદિર, સહિતના અનેક નાના-મોટા કૃષ્ણ મંદિરોમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મની ઉજવણી થઈ હતી, અને પ્રત્યેક મંદિરમાં દર્શનાર્થીઓએ કૃષ્ણ જન્મોત્સવ મનાવ્યો હતો.
જામનગરના ગિરધારી મંદિરના પટાંગણમાં ચારણ ફળી મિત્ર મંડળ દ્વારા કૃષ્ણ જન્મોત્સવ પછી છેલ્લા 40 વર્ષથી મટકીફોડનો કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં પ્રતિવર્ષ ત્રણ હજારથી વધુ નાગરિકો જોડાય છે.
પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને ફક્ત આસપાસના રહેવાસીઓ દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કોરોનાની ગાઈડલાઈન તેમજ સોશિયલ ડિસ્ટન્સની જાળવણી કરીને ચારણ ફળી મિત્ર મંડળ દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો. ત્યાર પછી મંદિરમાં દર્શનાર્થી બહેનો દ્વારા રાસ લેવામાં આવ્યા હતા, અને કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઇ હતી.
Comments
Post a Comment