
- ખીજડા મંદિર ટ્રસ્ટના આચાર્ય શ્રી કૃષ્ણમણિજી મહારાજની અધ્યક્ષતામાં યોજાયેલી શોભાયાત્રામાં જામનગર શહેરના ધર્મપ્રેમી નાગરિકો જોડાયા
જામનગર,તા.31 ઓગષ્ટ 2021 મંગળવાર
છોટી કાશીના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં કૃષ્ણ જન્મની પણ ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ખીજડા મંદિર ટ્રસ્ટના આચાર્ય 108 શ્રીકૃષ્ણમણીજી મહારાજની નિશ્રામાં શોભાયાત્રા યોજાઇ હતી. જેમાં શહેરના અનેક કૃષ્ણ ભક્તો જોડાયા હતા, અને હવાઈચોકમાં ધર્મધ્વજ વડે ધ્વજારોહણ કર્યા પછી નગર ભ્રમણ કર્યું હતું, અને ફરીથી શોભાયાત્રા હવાઈ ચોકમાં પૂર્ણ થઈ હતી.
સૌરાષ્ટ્ર શ્રીકૃષ્ણની કર્મભૂમિ છે. અહીં નજીકમાં દ્વારકાધીશ શ્રીકૃષ્ણ બિરાજમાન છે. સમગ્ર ગુજરાતી પ્રજા ઉત્સવપ્રિય છે. શ્રીકૃષ્ણ પરમાત્માના પ્રાકટ્યની ઉપલક્ષ્યમાં જન્માષ્ટમીની ઉજવણીના ભાગ રૂપે તા. 30-08-2021ના રોજ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિ દ્વારા વર્તમાન પરિસ્થિતિ મુજબ સાદાઈ થી 14 મી વખત કૃષ્ણ શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યુ હતું.
તા. 30-08-2021ને શ્રાવણી સોમવારને જન્માષ્ટમીના તહેવારના દિવસે સવારે 9 કલાકે સૌપ્રથમ ખીજડા મંદિરમાં ભગવાન કૃષ્ણની પૂજા વિધિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, અને જિલ્લા મંદિર ટ્રસ્ટના આચાર્ય શ્રી 108 કૃષ્ણમણિજી મહારાજ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમાને ફૂલહાર અને આરતી કરીને પૂજા વિધિ કરવામાં આવી હતી. જે વેળાએ સંતો પણ જોડાયા હતા. ત્યાર પછી આચાર્યશ્રી ની નિશ્રામાં શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો જે હવાઈ ચોક વિસ્તારમાં પહોંચ્યા પછી ધર્મધ્વજ ફરકાવાયો હતો, ત્યાર પછી શોભાયાત્રા પંચેશ્વર ટાવર તરફ આગળ વધી હતી. જેમાં જામનગર શહેરના પ્રથમ નાગરિક બીનાબેન કોઠારી તેમજ શહેરના અન્ય આગેવાનો જોડાયા હતા.
શોભાયાત્રામાં ભગવાન શ્રી કૃષ્ણનો રથ જોડવામાં આવ્યો હતો. જેમાં બિરાજ કૃષ્ણ ભગવાન ની પ્રતિમાનું શોભાયાત્રા દરમિયાન દર્શનાર્થીઓએ પૂજન કર્યું હતું. શોભાયાત્રા હવાઈ ચોથી નીલકંઠ મહાદેવ, પંચેશ્વર ટાવર, રણજીત રોડ દિપક ટોકીઝ, ચાંદી બજાર, સેન્ટ્રલ બેન્ક રોડ થઈ ફરીથી હવાઈ ચોકમાં પૂર્ણ થઈ હતી.
સમગ્ર શોભાયાત્રા દરમિયાન અનેક ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો, કોરોનાની ગાઈડલાઈન ને ધ્યાનમાં રાખીને મર્યાદિત સંખ્યામાં શોભાયાત્રામાં નગરજનો જોડાયા હતા. અને ઉત્સાહ ભર્યા વાતાવરણમાં શોભાયાત્રા પૂર્ણ થઈ હતી.
Comments
Post a Comment