
- ટૌટે વાવાઝોડાના નુકશાન પેટે કેન્દ્રએ ગુજરાતને મદદ ન કરી
- અગાઉ અતિવૃષ્ટિ થતાં રૂા.7239 કરોડની માંગ કરી પણ કેન્દ્રએ જવાબ આપ્યો નથી, નવી સરકારે જ કબૂલ્યું
અમદાવાદ : ટૌટે વાવાઝોડાએ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તારાજી સર્જી હતી. જાનહાની તો સર્જાઇ ન હતી પણ મકાનોથી માંડી માછીમારોની બોટોને ખૂબ નુકશાન પહોચ્યુ હતુ. તે વખતે નાણાંકીય સહાય આપવા માંગ ઉઠી હતી. તે વખતે ગુજરાત સરકારે ટૌટે વાવાઝોડામાં લોકોને સહાય આપવા કેન્દ્ર સરકાર પાસે હાથ લંબાવ્યો હતો અને રૂા.૯૧૦૨ કરોડની માંગ કરી હતી પણ કેન્દ્ર સરકારે કાણી પાઇ આપી ન હતી. વિધાનસભા સત્રમાં ખુદ નવી સરકારે આ વાતની કબૂલાત કરી હતી.
ટૌટે વાવાઝોડાના નુકશાન પેટે સહાય કરવા ગુજરાત સરકારે તા.૨૮મી ઓગષ્ટ,૨૦૨૧ના રોજ પત્ર લખી ખાસ કિસ્સામાં રૂા.૯૧૦૨ કરોડની માંગણી કરી હતી. એટલુ જ નહીં, એસડીઆરએફના ધારાધોરણો મુજબ અન્ય રૂા.૨૪૪૮ કરોડની ય માંગ કરી હતી. ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને ટૌટે વાવાઝોડામાં નુકશાન થયેલા લોકોને સહાય આપવા કુલ મળીને રૂા.૧૧,૫૫૦ કરોડની માંગણી કરી હતી.
વિપક્ષે પૂછેલાં સવાલના જવાબમાં ખુદ સરકારે જ કબૂલ્યુ હતુકે, રૂા.૯૧૦૨ કરોડની માંગણી કરી પણ કેન્દ્ર સરકારે માત્ર રૂા.૧ હજાર કરોડ જ આપ્યા હતાં. રૂા.૨૪૪૮ કરોડની માંગણી તો ધ્યાને જ લેવાઇ નથી. આ ઉપરાંત ગુજરાત સરકારે વિધાનસભા ગૃહમાં એવી ય માહિતી રજૂ કરી કે, આ અગાઉ ગુજરાતમાં ભારે વરસાદને કારણે અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતી સર્જાઇ હતી જેના કારણે ખેડૂતોને ભારે નુકશાન વ્હોરવુ પડયુ હતું. તે વખતે પણ ગુજરાત સરકારે તા.૧૫મી ઓક્ટોબર,૨૦૨૦ના રોજ કેન્દ્ર સરકારને પત્ર લખી રૂા.૭૨૩૯ કરોડની સહાય આપવા રજૂઆત કરવામાં આવી હતી.નવાઇની વાત તો એ છેકે, અતિવૃષ્ટિની સહાય માટેના પત્રનો કેન્દ્ર સરકારે જવાબ સુધ્ધાં આપ્યો નથી. આ પરથી એવુ સ્પષ્ટ થયુ છેકે, ગુજરાતની કેન્દ્રમાં પિપૂડી જ વાગતી નથી.
નોંધનીય છેકે, ટૌટે વાવાઝોડામાં રાહત સહાય પેકેજ અપુરતુ છે તે મુદ્દે ખુદ ભાજપના જ ધારાસભ્યો સરકારને રજૂઆત કરી ચૂક્યા છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમા ય લોકો સહાય ન મળતા ભાજપથી ભારોભાર નારાજ છે. આ તરફ, ગુજરાત સરકારે હાથ લંબાવ્યો પણ કેન્દ્ર સરકારે નજર જ ફેરવી લીધી છે.
https://ift.tt/3ATMap3
Comments
Post a Comment