
- 20 ડેમમાં અડધાથી લઈ સવા 5 ઇંચ વરસાદ વરસ્યો \
- કાળુભાર, રોજકી, રજાવળ, હણોલ અને બગડ ડેમ છલકાતા દરવાજા ખોલાયા, અસરગ્રસ્ત ગામોને એલર્ટ કરાયા
આજે બુધવારે ભાવનગર અને બોટાદ જિલ્લાના ૧૧ ડેમમાં પાણીની આવક શરૂ હતી. ધોધમાર વરસાદ અને પાણીની ધસમસતી આવકના પગલે પ ડેમ છલકાયા હતા, જેમાં કાળુભાર, રોજકી, રજાવળ, હણોલ અને બગડ ડેમનો સમાવેશ થાય છે. આ પાંચ ડેમ ઓવરફલો થતા ડેમના કેટલાક દરવાજા ખોલવામાં આવ્યા હતા અને અસરગ્રસ્ત ૩૦ વધુ ગામને એલર્ટ કરવામાં આવ્યા હતાં. ઉતાવળી ડેમ અને હમીરપરા ડેમ ૯૦ ટકા ભરાયા હતા તેથી અસરગ્રસ્ત ગામને સાવચેત કરવામાં આવ્યા હતાં. શેત્રુંજી ડેમમાં આજે ર૯ર૦પ કયુસેક પાણીની ધસમસતી આવક હોવાના પગલે ડેમના પ૯ દરવાજા ૬૦ મીટર ખોલવામાં આવ્યા હતા અને રાત્રીના ૯ કલાકે પણ તમામ દરવાજા ખુલ્લા હતાં. ખારો ડેમમાં પણ પાણીની સારી આવક હોવાથી ૧૩ દરવાજા ખોલવામાં આવ્યા હતાં. પીંગળી, માલણ ડેમમાં પણ પાણીની આવક શરૂ હતી.
ભાવનગર અને બોટાદ જિલ્લાના ર૦ ડેમ વિસ્તારમાં અડધાથી સવા પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો, જેમાં શેત્રુંજી ડેમમાં ૮૦ મીલીમીટર, રજાવળમાં ૮૦, ખારોમાં ૯૦, માલણમાં ૬પ, રંઘોળામાં ૩૦, લાખણકામાં ૩૩, હમીરપરામાં ૮૭, હણોલમાં ૧૧૮, પીંગળીમાં ૧ર૭, બગડમાં ૧૩૦, રોજકીમાં ૧૧પ, જસપરામાં ૧૦પ, કાળુભારમાં ૩૦, ખાંભડામાં ૩૦, ઉતાવળીમાં ૧પ, માલપરામાં ૩૦, લીંબાળીમાં ર૦, કાનીયાડમાં ૪પ, ગોમામાં ર૦, ભીમડાદમાં રપ અને સુખભાદર ડેમમાં ૩૦ મીલીમીટર વરસાદ નોંધાયો હતો તેમ સિંચાઈ વિભાગના સુત્રોએ જણાવેલ છે. રપ મીલીમીટરે ૧ ઇંચ ગણવામાં આવતો હોય છે. સારો વરસાદ થતા મોટાભાગના ડેમમાં પાણીની આવક જોવા મળી હતી. ધોધમાર વરસાદ પડતા અને ડેમોમાં સારી પાણીની આવક થતા ખેડૂતો ગેલમાં જોવા મળ્યા હતાં. હવે મેઘરાજા ખમૈયા કરે તો સારૂ તેમ ખેડૂતોમાં ચર્ચાય રહ્યુ છે.
Comments
Post a Comment