
- ક્રાઈમ બ્રાન્ચે 2009થી વોન્ટેડ મનીષસિંગને મુંબઈથી ઝડપ્યો
- ચાંદખેડામાં ફાઈનાન્સર શિવલાલ નામે 3 વર્ષ રહી ગયેલો ગેંગસ્ટર મનીષસિંગ 15થી વધુ ગુનામાં વોન્ટેડ, 50,000નું ઈનામ છે
અમદાવાદ : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે યુ.પી. અને મુંબઈ પોલીસ ૧૨ વર્ષથી શોધી રહી હતી તેવા ગેંગસ્ટરને સિક્યુરિટી ગાર્ડ અને સફાઈ કામદાર બનીને મુંબઈથી ઝડપી લીધો છે. યુ.પી.નો મનિષસિંગ સુભાષસિંગ ઠાકુરની ગેંગનો સભ્ય છે અને ૧૫થી વધુ ગુનામાં વોન્ટેડ છે. યુ.પી. પોલીસે ૫૦૦૦૦નું નામ જાહેર કર્યું છે તેવા ગેંગસ્ટરને ઝડપી લેવા માટે ક્રાઈમ બ્રાન્ચના બે કર્મચારી ૨૦ દિવસ સુધી મુંબઈના નાલાસોપારામાં તેના એપાર્ટમેન્ટમાં નોકરી પર રહ્યાં હતાં. પિતાનું શ્રાધ્ધ કરવા આવેલા મનિષસિંગને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચબરાકીપૂર્વક ઝડપી લીધો છે. મનિષ સિંગ સામે અમદાવાદ અને વડગામમાં હથિયાર વેચવા અને બોટાદમાં ડબલ મર્ડરના કેસ નોંધાયેલા છે.
રીઢા વોન્ટેડ મનીષસિંગને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચના બે કોન્સ્ટેબલે મુંબઈમાં નોકરી કરી હતી. આરોપી જ્યાં રહેતો હતો તે ફ્લેટમાં એક કોન્સ્ટેબલે સફાઈ કામદાર અને બીજા કોન્સ્ટેબલે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરી હતી. પીએસઆઈ જે.બી. બુધેલિયા, હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ અને કિશોર ગઢવી મુંબઈના નાલાસોપારા વિસ્તારમાં રોકાઈ ગયા હતા. સિક્યુરિટી ગાર્ડ અને સફાઈ કામદાર તરીકે વીસ દિવસથી વધુ નોકરી પછી પિતાનું શ્રાધ્ધ કરવા આવતાં જ મનીષસિંગને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધો હતો. યુ.પી.ની કુખ્યાત સુભાષસિંગ ઠાકુર ગેંગનો મનીષસિંગ એટલો શાતિર હતો કે તેને ઝડપવો આસાન નહોતો એટલે પોલીસે સ્વાંગ રચીને તેને ઝડપી લીધો હતો.
ક્રાઈમ બ્રાન્ચ મનીષસિંગને વર્ષ ૨૦૧૯થી શોધી રહી હતી. મનીષસિંગ અમદાવાદમાં વર્ષ ૨૦૧૬થી શિવલાલ યાદવના નામે રહેતો હતો. ફાઈનાન્સર તરીકે ધંધો કરતા શિવલાલ યાદવનું નામ વર્ષ ૨૦૧૯માં માણેક ચોકમાં સોનીની દુકાનમાં દિવાળીના દિવસે જ ૨૩ લાખની ચોરી થઈ તેમાં ખૂલ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે શિવલાલ યાદવનું પગેરું દબાવ્યું અને મુંબઈ સુધી તપાસ પહોંચી. તેની ભૂતપુર્વ પત્ની મળી તો એટલી ખબર પડી હતી કે, શિવલાલ ક્યારે આવે ને ક્યારે જાય તે ખબર ન જ પડે. એવામાં ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી માંડલિકને એક કોન્સ્ટેબલે માહિતી આપી કે, શિવલાલ યાદવ એ ખરેખર તો યુ.પી.ની ગેંગનો સભ્ય મનીષસિંગ છે.
મનિષસીંગ ઉર્ફે રાજુ ઉર્ફે છોટુ જગતનારાયણ ગૌરીશંકર સિંગે વર્ષ ૨૦૦૭માં બનારસમાં બે શખ્સો ઉપર ૧૦-૧૨ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ પછી વર્ષ ૨૦૦૭માં હિોટલના ડાયરેક્ટરની ફાયરિંગ કરી હત્યાના કેસમાં પકડાયો હતો. યુ.પી. પોલીસના જાપ્તામાંથી વર્ષ ૨૦૦૯માં ભાગ્યા પછી મુંબઈમાં સ્થાન જમાવ્યું હતું અને સુભાષસિંગના કહેવાથી બારના માલિક ઉપર ખંડણી માટે ફાયરિંગ કર્યું હતું. આ પછી યુ.પી.ના ખંડણી માટે હત્યા, ડોક્ટર પાસે ૫૦ લાખની ખંડણી માગી ફાયરિંગના ગુના નોંધાયા હતા. વર્ષ ૨૦૧૪માં કમલસિંગ ઉર્ફે સોનુ નામનો શખ્સ શખ્સ પિસ્ટલ સાથે પકડાયો તેમાં મુંબઈના મનીષસિંગ ઉર્ફે રાજુનું નામ ખુલ્યું હતું.
વડગામમાં પિસ્ટલ અને ૧૦ કારતુસ વેચ્યા હતા. વર્ષ ૨૦૧૪માં બોટાદમાં અમરદિપ પેટ્રોલ પમ્પની ઓફિસમાં ભરતસિંહ વાળા અને રણછોડભાઈ કેવડિયાની ફાયરિંગ કરી હત્યાના કેસમાં પણ મનીષસિંગનું નામ ખૂલ્યું હતું. યુ.પી.માં ૧૫, મુંબઈમાં એક અને ગુજરાતમાં ત્રણ ગુનામાં વર્ષ ૨૦૦૯થી વોન્ટેડ મનીષસિંગને ક્રાઈમ બ્રાન્ચની ટીમ મુંબઈથી કૂનેહપૂર્વક ઝડપી લઈ અમદાવાદ લાવી છે. અદાલતે મનીષસિંગને ક્રાઈમ બ્રાન્ચના હથિયાર કેસમાં છ દિવસના રિમાન્ડ પર સોંપ્યો છે.
https://ift.tt/3uphj19
Comments
Post a Comment