
GST એટલે સાદી ભાષામાં ત્રીજો ભાગિયો
જનતા સરકારને પરસેવાની કમાણી સમાન ટેક્સ ચૂકવે છે,રસી આપો છો તો અભિનંદન શેના..?
વિધાનસભા જોયું જાણ્યું ને સાંભળ્યું
અમદાવાદ : વિધાનસભા સત્રનો બીજો અને આખરી દિવસ પણ હંગામેદાર રહયો હતો. જીએસટી સુધારા બિલ પરની ચર્ચા વખતે શાસક પક્ષના ધારાસભ્યએ એવી ટકોર કરીકે, હવે તો વિપક્ષના નેતા ય બદલાઇ જવાના છે.
આ સાંભળી કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમર વળતો પ્રહાર કર્યો હતોકે, અમારી ચિંતા કરશો મા, એ બધુ ચાલતુ રહેવાનું પણ આ જુઓ.આખીય સરકાર બદલાઇ ગઇ છે અને ચહેરા ય બદલાઇ ગયા છે. આખરે અધ્યક્ષે વિરજી ઠુમરને ઉશ્કેરાયા વિના મુદ્દા પર જ ચર્ચા કરવા ટકોર કરી હતી.
આટલા પુસ્તકો વાંચો તો જ નીતિનકાકા સામે લડી શકાય
ગૃહમાં સંસદીય પ્રણાલીને લગતા પુસ્તકનુ વિમોચન કરાયુ હતું. તે વખતે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પુસ્તકો જીવનના ઘડતરમાં ખાસ કરીને ધારાસભ્યોને કેટલી હદે મદદરૂપ થાય છે તેની વાત રજૂ કરી હતી. સાથે સાથે તેમણે એવી ય ટિખળ કરી કે, આટલા પુસ્તકો વાંચો તો નીતિનકાકા સામે લડી શકાય. ટૂંકમાં ધાનાણીએ ધારાસભ્યોએ સંસદીય ઇતિહાસથી જ નહી,નિયમો સહિતની માહિતીથી વાકેફ થવાની સલાહ આપી હતી.
કોંગ્રેસના ધારાસભ્યોએ પ્રદિપસિંહનું માન રાખ્યું
કોરોનાના મૃતકોના મૃત્યુઆંકને લઇને શાસકપક્ષ અને વિપક્ષ સામસામે આવ્યા હતાં. ગૃહમાં વિપક્ષે એટલી હદે દેકારો મચાવ્યો કે, ગૃહ મુલતવી રાખવુ પડયુ હતું. કોંગ્રેસના ધારાસભ્યોએ વેલમાં પોસ્ટરો દેખાડી સહાય આપો,ન્યાય આપોના સુત્રોચ્ચારથી ગૃહ હંગામો કર્યો હતો. અડધો કલાકથી વધુ સમય થયો ધારાસભ્યો વેલમાં અંડીગો જમાવીને બેસી ગયા હતા. આખરે પૂર્વ ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ધારાસભ્યોને કહ્યુંકે, ચલો હવે બહુ થયુ. આટલુ કહેતાં જ કોંગ્રેસના ધારાસભ્યોએ જાડેજાનું માન જાળવ્યુ હતું.
મંત્રી પ્રદિપ પરમાર જવાબ આપતા થોથવાતાં વિપક્ષી ધારાસભ્યોએ ફિરકી ઉતારી
પ્રશ્નોતરી કાળ વખતે સામાજીક ન્યાય મંત્રી પ્રદિપ પરમારને પહેલીવાર જવાબ આપતા થોથવાયા હતાં. મંત્રી પરમાર પ્રશ્નનો જવાબ આપવાને બદલે કેન્દ્ર સરકારની વાહવાહી કરવા જતાં વિપક્ષી ધારાસભ્યએ ટિખળ કરીને ફિરકી ઉતારી હતી. વિપક્ષના સવાલનો જવાબ આપતાં પ્રદિપ પરમાર એટલી હદે ગૂંચવાયા હતા કે,બિન અનામત આયોગમાં વિદ્યાર્થીઓને અપાતી સહાયની રકમ લાખને બદલે કરોડમાં બોલી ગયા હતાં.
નીતિન પટેલ બોલ્યા,અધ્યક્ષ, તમે માતા છો તે હવે સાબિત થયું
કોરોના મુદ્દે ગૃહમાં હંગામો મચ્યો હતો. એક તબક્કે કોંગ્રેસના સભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવા નક્કી કરાયુ હતુ પણ બંને પક્ષોના પ્રતિનીધીઓ વચ્ચે વાટાઘાટો કરી મામલો થાળે પાડી દેવાયો હતો. આ જોઇ નીતિન પટેલ ગૃહમાં બોલ્યા, અધ્યક્ષ, તમે તો ખરેખર માતા છો તેવુ સાબિત કરી દેખાડયુ. ઉલ્લેખનીયછેકે, ગઇકાલે વિપક્ષે અધ્યક્ષને ગૃહમાં માતા તરીકે ભૂમિકા ભજવવા વિનંતી કરી હતી.
જીએસટી એટલે સાદી ભાષામાં ત્રીજો ભાગિયો
બિલની ચર્ચા વખતે ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ જીએસટીની કઇંક અલગ રીતે વ્યાખ્યા રજૂ કરી હતી. તેમણે કહ્યું કે, ખેતરમાં પાકની વાવણીમાં મજૂરી કરે તેને ત્રીજો ભાગ અપાય જેને ભાગીયો કહે છે. જીએસટી એટલે સાદી ભાષામાં ત્રીજો ભાગીયો. પણ આમાં તો સરકાર કઇંપણ કર્યા વિના જ વેપારી પાસેથી ત્રીજો ભાગ લઇ જાય છે. આ દાખલો ટાંકતાં ધારાસભ્યો હસી પડયા હતાં.
જનતા ટેક્સ ચૂકવે છે,મફત રસી આપો છો તો નવાઇ શું છે ?
ગૃહમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ રસીકરણની આંકડા ટાંકી સરકારની વાહવાહી કરી રહ્યાં હતાં ત્યારે કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે આૃધવચ્ચે કહ્યું કે, જનતા સરકારને પરસેવાની કમાણી સમાન ટેક્સ ચૂકવે છે. સરકાર કોરોનાની મફત રસી આપે છે એમાં નવાઇ શું છે. અભિનંદન શેના પાઠવો છો..આટલુ કહેતાં જ આરોગ્ય મંત્રીએ તો ચૂપચાપ વિપક્ષનો ટોણો સાંભળવો પડયો હતો .
જેટલા વર્ષ થયાં એટલા જ વર્ષ હજુ રાહ જોવી પડશે
ગૃહમાં બીજા દિવસે શાસક પક્ષ અને વિપક્ષના ધારાસભ્યો વચ્ચે શાબ્દિક ટપાટપી પણ થઇ હતી. બિનઅનામત આયોગ મુદ્દે ચર્ચા થઇ રહી હતી ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે ગેલેરીમાં બેઠા બેઠા એવી કોમેન્ટ કરી કે, આ તો આનંદીબેન ગયા એમા તો.. આટલુ બોલતાં જ ભાજપના ધારાસભ્ય રાકેશ શાહ ઉશ્કેરાઇ ગયા હતાં.
તેમણે દુધાતને સુણાવી દીધુ કે, હજુ તમારે ત્યાં જ બેસવાનુ છે. જેટલાં વર્ષ થયા એટલી હજુ તમારે રાહ જોવાની છે.કેટલાં એ તો ત્યારે જ ખબર પડશે. આખરે અધ્યક્ષે બંનેને ટકોર કરી મામલો શાંત પાડયો હતો. અને છેલ્લે... સત્રના અંતિમ દિવસે વિધાનસભામાં લાઇટ ડુલ થઇ હતી જેના કારણે એક તબક્કે ગૃહમાં અંઘારપટ છવાયો હતો.
https://ift.tt/3kVFykN
Comments
Post a Comment