
1995માં જમીન વેચનાર ખેડૂતના મૃત્યુ પછી વિવાદ
ગોતા દેવનગર પાસે 13958 ચો.મી. જમીનમાં વારસાઈના નામો ખોટી રીતે દાખલ કરાયાનું જણાતાં પોલીસ ફરિયાદ
અમદાવાદ : જુના જમીન વિવાદોની અનેક અરજીઓ પડતર હતી તેનો નિકાલ થવાનું શરૂ થયું છે. આવા જ એક કિસ્સામાં શહેરના વાડીલાલ આઈસ્ક્રીમ પરિવારને વેચવામાં આવેલી જમીનનું ખોટું વીલ બનાવીને વારસાઈમાં નામો ખોટી રીતે દાખલ કરાયાની ફરિયાદ સોલા પોલીસમાં નોંધાવાઈ છે.
1995માં જમીન વેચનાર ખેડૂતનું વર્ષ 2010માં અવસાન થયું હતું. આ પછી જમીનને બીનખેતી કરાવી દસ્તાવેજ કરાવવાની પ્રક્રિયા વખતે વારસાઈના નામો ખોટી રીતે સરકારી રેકર્ડમાં ચડાવાયાનું જણાતાં ફરિયાદ નોંધી સોલા પોલીસે તપાસ શરૂ કરાઈ છે.
નવરંગપુરામાં રહેતા દેવાંશુભાઈ લક્ષ્મણભાઈ ગાંધી વાડીલાલ હાઉસ ખાતે ફૂડ પ્રોસેસિંગનો લગતો વ્યવસાય કરે છે. દેવાશુંભાઈએ સોલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ગોતા ગામના જુના સર્વે નંબર 124-2-1ની 2327 ચો.મી. તેમજ 124-1ની 11631 ચો.મી. જમીન ખેડૂત સોમાભાઈ હાથીભાઈ પટેલ પાસેથી વર્ષ 1995માં ખરીદ કરી હતી અને નાણાં ચૂકવ્યા હતા.
જમીન લેનાર તરીકે દેવાંશુભાઈ, તેમના કાકાના દિકરાઓ વિરેન્દ્રભાઈ રાજચંદ્રભાઈ ગાંધી, રાજેશ રામચંદ્ર ગાંધીના નામ હતા. જ્યારે, વેચનાર તરીકે સોમાભાઈ હાથીભાઈ પટેલ તથા તેમની દિકરીઓ તથા સાક્ષી તરીકે તેમના સગાભાઈના પુત્રની સહિઓ કરવામાં આવી હતી.
કુલ 13958 ચો.મી.ની આ જમીનોનો કબજો પાવર ઓફ એટર્ની પછી ગાંધી પરિવારે મેળવ્યો હતો. વર્ષ 2010માં સોમાભાઈ હાથીભાઈ પટેલનું અવસાન થયું હતું. આ જમીન નવી શરતની હોવાથી આ જમીન બીનખેતી કરાવ્યા પછી જ રજીસ્ટર દસ્તાવેજ થઈ શકે તેમ હતો.
સોમાભાઈ હાથીભાઈ પટેલના વારસદારોએ જમીન અંગે વર્ષ 2011માં જનરલ પાવર ઓફ એટર્ની દેવલબહેન દેવાંશુભાઈ ગાંધી, ઈલાબહેન વિરેન્દ્રભાઈ ગાંધી અને મમતાબહેન રાજેશભાઈ ગાંધીની તરફેણમાં કરી અપાયું હતું. સર્વે નંબરમાં ભૂલ રહી જતાં સુધારાનો નજરલ પાવર ઓફ એટર્ની 2012માં કરાયો હતો.
આ જમીનને નવી શરતમાંથી જુની શરતમાં ફેરવવાની કાર્યવાહી ચાલુ હતી તે દરમિયાન સોમાભાઈ હાથીભાઈ પટેલના દિકરીઓએ જમીનમાં ખોટી રીતે વારસાઈની નોંધ રેવન્યુ રેકર્ડમાં વર્ષ 2019માં પડાવી દીધી હતી. આ બાબતે સિવિલ કોર્ટમાં દાવા કરવામાં આવેલા છે.
સોમાભાઈ હાથીભાઈ પટેલે વેચેલી જમીન અંગે વર્ષ 2010નું ખોટું નોટરાઈઝ વીલ, ખોટો મિલકત વહેંચણીનો કરાર તેમજ સોમાભાઈની ખોટી સહીઓ કરાયાનો પ્રાઈવેટ હસ્તાક્ષર અભિપ્રાય આવ્યો હતો. આ રીતે ખોટું વહીલ અને વહેંચણી કરાર અપજાવી કાઢવા અંગે પોલીસમાં અરજી કરવામાં આવી હતી.
વાડીલાલ પરિવારની અરજી ફરિયાદ યોગ્ય છે તેવો અભિપ્રાય પોલીસ કમિશનર કચેરી તરફથી આવતાં સોલા પોલીસે જમીન વેચનાર સોમાભાઈ પટેલના પરિવારના 10 લોકો સામે વિશ્વાસઘાત, છેતરપિંડી, બનાવટી દસ્તાવેજો બનાવવા અંગે ગુનો નોંધ્યો છે. પી.આઈ. જે.પી. જાડેજાએ જણાવ્યું કે, આ ફરિયાદ અંગે સરકારી રેકર્ડના પુરાવાઓ એકત્ર કરી તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે.
https://ift.tt/3iekBQ2
Comments
Post a Comment