
- મંડળીમાં કેનેડિયન ફાઇનાન્સ કંપનીનું 49 ટકા રોકાણની લાલચ આપી હતીઃ કોરોનાને લીધે ફાઇલ સ્થગિત થઇ છે કહી ફોન બંધ કરી દીધો હતો
સુરત
બમરોલી વિસ્તારમાં રહેતા ડાઇંગ મિલના સુપરવાઇઝર સહિત ત્રણ મિત્રોને કેનેડાના એગ્રીકલ્ચર વિઝા અને સહકારી મંડળીની સ્થાપના કરી કેનેડિયન ફાઇનાન્સ કંપનીનું 49 ટકા રોકાણ કરાવી આપવાની લાલચ આપી રૂ. 39.28 લાખ પડાવી લઇ વિશ્વાસઘાત કરનાર બેંગ્લોરના બે ઠગ એજન્ટ પૈકી એકની ધરપકડ કરી છે.
બમરોલીની આસ્થા રેસીડન્સીમાં રહેતા ડાઇંગ મિલના સુપરવાઇઝર હરેશકુમાર શંકરલાલ પટેલ (ઉ.વ. 40) એ 2017 માં કેનેડા જવા ઓનલાઇન સર્ચ કરી બેંગ્લોરની પેન્ટન કન્સલ્ટીંગ પ્રા. લિ નામની એજન્સીના નિથીન ચંદ્રાનો સંર્પક કર્યો હતો. નિથીને હરેશને કેનેડા બોલાવી કંપનીના એમડી સુરેશ મેનન સાથે મુલાકાત કરાવી હતી. સુરેશે કેનેડાના એગ્રીકલ્ચર વિઝા અને ત્યાંની ફેરફેક્સ ફાઇનાન્સ હોલ્ડીંગ લિ. નામની કંપનીના 49 રોકાણ થકી સહકારી મંડળીનું કેનેડિયન ગર્વમેન્ટમાં રજીસ્ટ્રેશન કરાવી આપવાની લાલચ આપી રૂ. 13.53 લાખ પડાવ્યા હતા. નિથીને હરેશ ઉપરાંત દિપેશ પટેલ પાસેથી રૂ. 2.75 લાખ, રાજેશ પટેલ પાસેથી રૂ. 17 લાખ લઇ લીધા હતા. ત્યાર બાદ માર્ચ 2020માં કોરોના મહામારીના કારણે ફાઇલ સ્થગિત થઇ ગઇ છે એમ કહી ફોન બંધ કરી દીધા હતા.
આ પ્રકરણમાં પાંડેસરાના પીએસઆઇ મનોરમા મૌર્યાએ નિથીન ચંદ્રન નાયર (ઉ.વ. 33 રહે. 152, સેક્ટર-3, એચએસઆર લે આઉટ, બેંગ્લોર અને મૂળ. રામપુરમ, કોકાડ, જિ. પાલા, કેરલા) ની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સુરેશ અને નિથીને ભારતના વિદેશ મંત્રાલયનો જે લેટર બતાવ્યો હતો તે કઇ રીતે મેળવ્યો તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.
Comments
Post a Comment