
- ભીડવાળા વિસ્તારોમાં હાટડીઓથી જાહેર સલામતી સામે જોખમ
- ફાયર વિભાગ દ્વારા ફક્ત ૬૪ને એનઓસી અપાઈ અનેક વેપારીઓએ મસમોટો જથ્થો સંગ્રહ કર્યો
દિવાળી પર્વને લઈ આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાલ દારૂખાનાના વેપારીઓને વેપાર કરવા માટે હંગામી પરવાનો આપવામાં આવી રહ્યો છે. દિવાળી પર્વ નિમિત્તે ૧૦ દિવસ માટે ફટાકડાનો વેપાર કરવા માટે આણંદ ફાયર વિભાગ દ્વારા ૬૪ વેપારીઓને એનઓસી આપવામાં આવી છે. જો કે તંત્ર દ્વારા દુકાનોમાં માત્ર ૪૦૦ કિલોનો જ જથ્થો સંગ્રહ કરવાની પરવાનગી હોવા છતાં કેટલાક વેપારીઓ દ્વારા મોટી માત્રામાં દુકાનોમાં દારૂખાનાનો જથ્થો સંગ્રહ કરાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સાથે સાથે રહેણાંક તેમજ ભીડભાડવાળા વિસ્તારમાં દારૂખાનાની દુકાનને લઈ સ્થાનિકોના જીવ સામે જોખમ હોવા છતાં કેટલાક વેપારીઓ દ્વારા રહેણાંક વિસ્તાર તેમજ ભીડભાડવાળા વિસ્તારમાં દારૂખાનાની હાટડીઓ શરૂ કરી દેવામાં આવી છે. પુરતી ફાયર સુવિધા સાથે વેપાર કરવા માટે પરવાનગી આપવામાં આવતી હોવા છતાં કેટલાંક વેપારીઓ ફાયર સુવિધાના નિયમો નેવે મુકી ગ્રાહકોના જીવ જોખમમાં મુકતા હોવાનો રોષ જાગૃતોએ ઠાલવ્યો છે.
આણંદ શહેરના જુના બસ મથક, સ્ટેશન રોડ, ગંજ બજાર, વિદ્યાનગર રોડ, જુના રસ્તા, સી.પી. કોલેજ વિસ્તાર સહિતના વિવિધ સ્થળોએ દારૂખાનાની હાટડીઓ મંડાઈ ચુકી છે. જે પૈકી કેટલીક હાટડીઓ ખાતે ફાયર સુવિધાનો અભાવ હોવાનું જોવા મળી રહ્યું છે. સાથે સાથે રહેણાંક વિસ્તારમાં દારૂખાનાનો વેપલો શરૂ થતાં સ્થાનિકોમાં તંત્રની નીતિ સામે અનેક સવાલો ઉઠયા છે. સંબંધિત તંત્ર દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરી કાયદાનું ઉલ્લંઘન કરતા વેપારીઓને પાઠ ભણાવવામાં આવશે કે પછી પત્રમ્ પુષ્પમ્ના વ્યવહારથી તેરી ભી ચુપ મેરી ભી ચુપની નીતિ અપનાવાશે તે તો સમય જ બતાવશે.
https://ift.tt/3EmQyym
Comments
Post a Comment