
વડોદરાઃ શહેરના છાણી વિસ્તારના એક ગેરેજમાં આજે સાંજે એક રિક્ષામાં વેલ્ડિંગ દરમિયાન અચાનક લાગેલી આગમાં વેલ્ડિંગ કામ કરતા ગેરેજના સંચાલકનું મોત નીપજ્યું હતું.
છાણી ગુરૃદ્વારા સામે આવેલા મોહન ગેરેજમાં આજે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં બનેલા બનાવને પગલે આસપાસના લોકો અને વાહનચાલકો હેતબાઇ ગયા હતા.આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ પ્રાથમિક તબક્કે વેલ્ડિંગ કરતી વખતે કોઇ કારણસર આગ લાગી હોવાનું મનાય છે.
ફાયર બ્રિગેડના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ,ગેરેજ ચલાવતા હુસૈનખાન પઠાણ રિક્ષાની નીચે વેલ્ડિંગ કરતા હશે અને તે દરમિયાન આગ લાગી હોવી જોઇએ.રીપેરિંગ માટે આવેલી રિક્ષામાં કાપડ જેવો માલ ભરેલ હોવાનું પણ જણાઇ આવતાં પોલીસે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
ફાયર બ્રિગેડના અધિકારીનું માનવું છે કે,આગ લાગવાને કારણે મિકેનિકને બહાર નીકળવાની તક નહીં મળી હોય અને તેને કારણે તેઓ રિક્ષાની નીચે દબાયા હોવા જોઇએ તેમજ બીજીતરફ આગમાં લપેટાતાં શરીરના કેટલાક ભાગોએ ઇજા થઇ હતી.જેથી મોતનું ચોક્કસ કારણ જાણવા છાણી પોલીસે મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટર્મ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
ફાયર બ્રિગેડ પહોંચી ત્યારે લોકો ઘટનાનું રેકોર્ડિંગ કરી રહ્યા હતા
કોઇએ ફાયર બ્રિગેડને કોલ ના કર્યો, મેયરના ડ્રાઇવરે કોલ કર્યો
છાણીના ગેરેજમાં લાગેલી આગના બનાવમાં જો કોઇએ હિંમતભેર પ્રયાસ કર્યો હોત તો મિકેનિક હુસૈનખાન બચી જાય તેવી શક્યતા હતી.
ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર હર્ષવર્ધન પુવારે કહ્યું હતું કે,બનાવના સ્થળે મોટો બ્લાસ્ટ થયો હોય તેમ જાણવા મળ્યું નથી.ઉપરોક્ત સ્થળે અમે પહોંચ્યા ત્યારે લોકોનું ટોળું જામેલું હતું અને બચાવવાને બદલે અનેક લોકો વીડિયો શૂટિંગ કરી રહ્યા હતા.
નોંધપાત્ર વાત એ છે કે,આગનો બનાવ બન્યો ત્યારે એકઠા થયેલા લોકોમાંથી ફાયર બ્રિગેડને કોઇએ કોલ પણ કર્યો નહતો.નોકરી પરથી ઘેર જતા મેયરના ડ્રાઇવર પંકજ ગોહિલે ટોળું જોતાં બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
https://ift.tt/3mv8Rv4
Comments
Post a Comment