
અમદાવાદ,તા.28 ઓક્ટોબર 2021, ગુરૂવાર
અમદાવાદમાં આનંદનગર ખાતે ગઇકાલે માલધારી સમાજની બેઠક યોજાઇ હતી. જેમાં ગાય, ગૌચર અને માલધારી વસાહતના મામલે સરકારના બેવડા ધોરણો અને નિષ્ફળ રણનીતિ અંગે ચર્ચા થવા પામી હતી. માલધારીઓના અસ્તિત્વના પ્રશ્નને લઇને લડી લેવા માટે આંદોલનની રૂપરેખા ઘડાઇ રહી છે. જેના અનુસંધાનમાં માલધારી આગેવાનોએ શહેરભરમાં અને આજુબાજુના ગામડાઓમાં બેઠકોનો દોર આરંભી દીધો છે. આગામી દિવસોમાં આ આંદોલનને ઉગ્ર બનાવવાની નેમ રખાઇ છે.
સ્માર્ટસિટીમાં માલધારીઓ રોજી રોટી વગરના અને મકાન વગરના થઇ જશે તેવા ભયના કારણે માલધારી પરિવારો ચિંતામાં મુકાઇ ગયા છે. સરકાર કોઇ ઠોસ પગલા લેતી નથી, મધ્મમ માર્ગ કાઢતી નથી. જેના કારણે અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે.
આ અંગે માલધારી એકતા સમિતીના પ્રમુખ નાગજીભાઇ દેસાઇના જણાવ્યા મુજબ સરકારની નીતિ ખોટી છે. અમદાવાદને સ્માર્ટસિટી બનાવવી છે પરંતુ તેના માટે જે યોગ્ય વ્યવસ્થા ગોઠવવી પડે, માળખું તૈયાર કરવું પડે તે સરકારે કર્યું નથી. માલધારીઓને અને ગાયોને શહેરમાંથી ખદેડી દેવાથી સ્માર્ટસિટી નહીં બની જાય.
શહેરની બહાર માલધારી વસાહતો બનાવો, ગાયોના નિભાવ માટે ગૌચરની જગ્યા ખાલી કરાવો, શહેરની બહાર વાડા અને વસાહતો તાત્કાલિક ધોરણે ઉભી કરો. શહેરની આજુબાજુના ૩૮ જેટલા ગામડાઓ શહેરમાં ભેળવી દીધા છે ત્યાંના પશુઓ ક્યાં જશે, ત્યાંના માલધારીઓ, ખેડૂતો ક્યાં જશે તેનો વિચાર સુદ્ધા સરકારે કર્યો નથી. ગામડાઓને શહેરમાં ભેળવી દઇને શહેરીકરણ કરી દેવું છે પરંતુ ત્યાં વર્ષોથી, પેઢીઓથી રહેતા પશુપાલકોના ભવિષ્યની ચિંતા કરવી નથી.
શહેરન'ે કેટલ ફ્રી ઝોન ' બનાવવાની વાતને માલધારીઓ પણ આવકારે છે પરંતુ સરકારે પહેલા વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવી જોઇએ. માલધારીઓ સાથે આ અંગે ચર્ચા કરવી જોઇએ. તેમના વાધાં-સુચનો લેવા જોઇએ. ફક્ત એકતરફી નિર્ણય લઇને એક સમાજને અંધકારમાં ધકેલી દેવો ન જોઇએ.
માલધારી આગેવાનોએ શહેરભરમાં બેઠક યોજી માલધારીઓને લડત માટે તૈયાર કરવાની રણનીતિ અપનાવી છે. સરકારના અત્યાચાર, ભેદભાદ, પક્ષપાતપણાનો વિરોધ કરવા રોડ પર ઉતરી આવવા, આંદોલનો ચલાવવાની તૈયારીઓ હાથ ધરાઇ છે. આગામી સમયમાં સરકાર દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલન કરવામાં આવશે.
https://ift.tt/2XThRk7
Comments
Post a Comment