
- અગાઉના ઝઘડાનું રૂપિયા લઈ સમાધાન કરી દેવાયું હતું
- ભાર્ગવ મારુ અને સાગરીતોએ યુવાનને છરાના ઉપરાછાપરી ઘા ઝીંક્યા : છોડાવવા આવેલા મિત્રને પણ પેટમાં છરો માર્યો : પાંચની અટકાયત
સુરત, : સુરતના કતારગામ લેક ગાર્ડન નજીક ખુલ્લા મેદાનમાં ગતસાંજે મિત્ર સાથે બેસેલા સૈયદપુરાના યુવાનને અગાઉ તેના ઘરની સામે જ રહેતા યુવાન અને છ સાગરીતોએ જુના ઝઘડાની અદાવતમાં છરાના પાંચ થી છ ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. યુવાનને છોડાવવા આવેલા મિત્રને પણ તેમણે પેટમાં છરો મારતા તેની પણ હાલત ગંભીર છે. કતારગામ પોલીસે હત્યા અને હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી મુખ્ય સૂત્રધાર ભાર્ગવ મારુ સહિત પાંચની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની અને સુરતમાં સૈયદપુરા રામપુરા પેટ્રોલ પંપ પાસે નાગોરીવાડ ઘર નં.101 માં રહેતા સુનીતાબેન રામનરેશ ગુપ્તાનો પુત્ર મંદિપ તેના મિત્ર અનિકેત ઉર્ફે બાબુ રાકેશભાઇ રાઠોડ સાથે ગતસાંજે ચાર વાગ્યે કતારગામ લેક ગાર્ડન પાસે ખુલ્લા મેદાનમાં બેસેલો હતો ત્યારે અગાઉ તેના જ મહોલ્લામાં રહેતો અને હાલ કતારગામ બહુચરનગરમાં રહેતો ભાર્ગવ મારુ તેના સાગરીતો વિરેન રાઠોડ, મિત હેડન, તરુણ ઉર્ફે પેન્ડો, આદિત્ય ઉર્ફે આદી, પ્રથમ ઉર્ફે ચડ્ડી અને એક અઅજાણ્યા સાથે છરા અને લોખંડના પાઈપ સાથે ત્યાં આવ્યો હતો. તમામે મંદિપ પર હુમલો કરી તેને પાંચ થી છ ઘા ઝીંકી દીધા હતા. મંદિપને બચાવવા અનિકેત વચ્ચે પડતા તેને પણ પેટમા છરો મારી તમામ ભાગી છૂટ્યા હતા.બંનેને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા.બનાવની જાણ થતા દોડી ગયેલી કતારગામ પોલીસે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
તપાસમાં જાણવા મળ્યું હતું કે ગત માર્ચ અને એપ્રિલ માસમાં મંદિપ અને તેના ભાઈ સંદિપનો ભાર્ગવ સાથે ઝઘડો થતા મંદિપે ભાર્ગવ પર હુમલો કરતા તેને ગંભીર ઇજા થઈ હતી. તે સમયે પોલીસે મંદિપ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ પણ કરી હતી.આ ઝઘડામાં ભાર્ગવે પૈસા લઈ સમાધાન પણ કર્યું હતું. છતાં તે જુના ઝઘડાની અદાવત રાખી હુમલો કરવાની તક શોધતો હતો અને ગતરોજ તક મળતા હુમલો કર્યો હતો. સારવાર દરમિયાન રાત્રે મંદિપનું મોત નીપજતાં કતારગામ પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી ભાર્ગવ મારુ સહિત પાંચની ધરપકડ કરી હતી. સારવાર માટે દાખલ અનિકેતની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. વધુ તપાસ પીઆઈ બી.ડી.ગોહિલ કરી રહ્યા છે.
Comments
Post a Comment