
અમદાવાદ,તા.28 નવેમ્બર 2021,રવિવાર
અમદાવાદ જિલ્લામાં કોરોના રસીકરણની કામગીરી હવે 'હર ઘર દસ્તક' અભિયાન સુધી પહોંચી ગઇ છે. જેમાં આરોગ્ય વિભાગના બે હજારથી વધુ કર્મચારીઓ દરેક તાલુકામાં લોકોના ઘરે ઘરે જઇને પ્રથમ-બીજો ડોઝ આપી રહ્યા છે. જિલ્લાના ૪૬૭ માંથી ૪૬૫ ગામોમાં પ્રથમ ડોઝ રસીકરણની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. જ્યારે બીજા ડોઝમાં ૮૧ ટકા જેટલી કામગીરી પુરી થઇ ગઇ છે.
જિલ્લામાં કોરોના રસીકરણના પ્રથમ ડોઝમાં જિલ્લાના ૯ તાલુકા , મ્યુનિ.હદ વિસ્તારના , બીજા જિલ્લાના, ઔદ્યોગિક એમકોના કુલ ૧૮ પ્લસ ઉંમરવાળા લોકોનને અને ખાનગી સીવીસી મળીને કુલ ૧૩,૦૬,૦૭૭ લોકોને રસી મૂકી દેવામાં આવી છે. આમ જોતા પ્રથમ ડોઝમાં રસીને પાત્ર ગણાય તેવા ૧૧૦.૪ ટકા લોકોને રસી મૂકી દેવામાં આવી છે. બીજા ડોઝમાં ૧૧,૫૩,૨૮૧લોકોને રસી મૂકી દેવાઇ છે.
જિલ્લાના ૯ તાલુકાની વાત કરીએ તો બાવળા અને સાણંદમાં ૧૦૫ ટકા રસીકરણ થયું છે. સાણંદમાં બીજા ડોઝનુ રસીકરણ સૌથી વધુ ૯૯.૮૧ ટકા પૂર્ણ થયું છે. દસક્રોઇમાં ૯૨.૮૧ ટકા, દેત્રોજમાં ૯૫.૧૪ ટકા, ધંધૂકામાં ૮૭.૧૨ ટકા, ધોલેરામાં ૯૪.૧૨ ટકા, ધોળકામાં ૭૮.૮૯ ટકા, માંડલમાં ૮૨.૮૫ ટકા અને વિરમગામમાં ૮૧.૮૨ ટકા રસીકરણ બીજા ડોઝનું પુરૂ થયું છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ લોકો હવે સામેથી રસી મૂકાવવા આવે છે, રસી માટે પડાપડી કરી રહ્યા છે. શરૂઆતના તબક્કામાં લોકોમાં જે ડર હતો તે હવે રહ્યો નથી, લોકો જાગૃત બન્યા છે અને રસી મૂકાવવા માટે સામેથી આવી રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં બંને ડોઝ મળીને કુલ ૨૪,૫૯,૩૫૮ લોકોને રસી મૂકવામાં આવી ચૂકી છે. ૩૮ પીએચસી અને ૫ યુએચસી વિસ્તારમાં રસીકરણ સંપન્ન થયું છે.
https://ift.tt/32wmvqc
Comments
Post a Comment