GUJARAT : રાજ્યમાં આકાશ જાણે કે આગ ઓકી રહ્યું હોય એમ અંગ દઝાડતી ગરમી પડી રહી છે. આજે 29 એપ્રિલે રાજ્યના 11 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પર પહોંચી ગયું છે. રાજ્યમાં 44.2 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું તો 44 ડિગ્રી સાથે કંડલા બીજા ક્રમે રહ્યું. આ સાથે સુરેન્દ્રનગરમાં 43.1, ડીસામાં 42.7 ડિગ્રી તાપમાન, રાજકોટ અને અમરેલી અને ગાંધીનગરમાં 43.2 ડિગ્રી તાપમાન, વડોદરામાં 41.8, આણંદમાં 41.5 અને ભૂજમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આગામી 2 દિવસ હિટ વેવની આગાહી
રાજ્યમાં હવામાન વિભાગે હિટવેવ (Heatwave in Gujarat)ની આગાહી કરી છે. રાજ્યમાં આગામી બે દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 45 ડિગ્રી પાર જશે. પવનોની દિશા બદલાતા ગરમીનો પ્રકોપ વધશે. સૂકા પવનો ફૂંકાતા અને સીધા તાપના કારણે તાપમાનમાં વધારો થશે. મે મહિનામાં શરૂ થતી ગરમી પવનોની દિશા બદલાતા એપ્રિલ મહિનામાં શરૂ થઈ છે.

સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાતમાં હિટવેવ (Heatwave in Gujarat) ની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ગાંધીનગર યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં અમરેલી કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં હિટવેવની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 45 પારો જશે એવી પણ શક્યતા છે. 1 મે બાદ ગરમીથી રાહત મળવાની સંભાવના છે. જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે તો રાજ્યમાં ગરમી ઘટશે.

બનાસકાંઠામાં વાતાવરણમાં આવ્યો પલ્ટો
રાજ્યમાં એક બાજુ કાળઝાળ ગરમી પડી રહી છે, તો બીજી બાજુ આજે 29 એપ્રિલે બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં થરા, શિહોરી, દીઓદર,ભાભર ખિમાણા સહીતના તાલુકામાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા ગરમીથી આંશિક રાહત મળી છે, તો બીજી બાજુ હવામાનમાં પલ્ટો આવતા ધરતીપુત્રોમાં ચિંતાના વાદળ ઘેરાયા છે.

Comments
Post a Comment