Gujarat Unseasonal Rain Updates: રાજ્યમાં શિયાળાની શરૂઆતમાં જ ચોમાસા જેવો માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થયું છે. જેનાથી ખેડૂતોની ચિંતા વધી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માવઠું થયું છે. ધારી અને જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો છે. ધારીના સરસીયા સહિત આસપાસના તથા જાફરાબાદના નાગેશ્રી સહિત વિસ્તારમાં કમોસમી વરસાદ છે. ગાજવીજ સાથે વહેલી સવારથી અમરેલીના ગ્રામ્યમાં વરસાદી માવઠું થતાં ખેડૂતોની ચિંતા વધી છે. ધારી અને આજુબાજુના સરસીયા, ફાચરીયા, ગોવિંદપુર, ખીચા, વિસ્તારમાં સવારે 5 વાગ્યાથી ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે, જેનાથી તુવેર, ચણા, ધાણા અને એરંડાના પાકને નુકશાન થવાની ભીતિ છે. સાવરકુંડલાના ધજડી, લુવારા, અમૃતવેલ, ઓળિયા, ખડકાળા, નાના ભમોદ્રા અને આસપાસના ગામમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. જૂનાસાવર ગામમાં વહેલી સવારે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જોરદાર પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડતાં ગામની બજારોમાં નદી માફક વરસાદી પાણી વહેતા થયા હતા. લીલીયા તાલુકાના નાના લીલીયા ગામે વાવાઝોડા જેવો પવન ફૂંકાયો હતો.

જુનાગઢના વંથલી અને કેશોદમાં કમોસમી વરસાદ પડ્યો છે. જુનાગઢ જિલ્લાના કેટલાક ભાગમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો. ગડુ નજીક ખોરાસા ગામ અને આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જૂનાગઢ નજીકના વડાલ અને કાથરોટા ગામમાં પણ વરસાદ છે.

તાલાલા ગીર માં એક થી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. રાત્રે ત્રણ વાગ્યે ધોધમાર વરસાદ ખાબક્યા બાદ ફરી સવારે 6 કલાકે વરસાદ ખાબક્યો છે. ગીર સોમનાથના તાલાલાના ધાવા ગામે મકાન પર વીજળી પડી હતી. જોકે કોઈ જાનહાનિ થઈ નથી, મકાનનો થોડો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો. તાલાલા અને ગ્રામ્ય વિસ્તારો માં એક થી દોઢ ઇંચ વરસાદ પડ્યો છે.

રાજકોટ જીલ્લાના ધોરાજીમાં કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદને પગલે ધરતીપુત્રોમાં ચિંતા વધી છે. ધાણા, કપાસ, જેવા રવિ પાકોને નુકસાન થવાની ભીતિ છે. ધોરાજીમાં કમોસમી વરસાદને લઈને શહેરના માર્ગો ભીના થયા છે.

ભુજ-નખત્રાણા તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા છે. મોડી રાત્રે 3 વાગે વરસાદી ઝાપટા પડયા હતા. કમોસમી વરસાદના પગલે અનેક જગ્યાએ વીજપુરવઠો ખોરવાયો હતો. ગીર સોમનાથમાં પણ માવઠું થયું છે. ધોકડવા અને આસપાસના ગામમાં કમોસમી વરસાદ પડ્યો છે.

પાટણના રાધનપુરમાં કમોસમી વરસાદ છે. રાધનપુરમાં ભર શિયાળે વરસાદ છે. રાધનપુર - કમાલપુર - સાથલી - મહેમદાવાદ -અમીરપુરા -બાદર પૂર સહિતના ગામોમાં છે. સમગ્ર રાધનપુરમાં વહેલી સવારથી પવન સાથે વરસાદ છે. ભર શિયાળે વરસાદ વરસતા શિયાળુ વાવેતર પર સંકટ ઉભું થયું છે.

દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. દાહોદ શહેર સહિત જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ છે.
વરસાદની આગાહીને લઈ ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. વહીવટી તંત્ર જિલ્લામાં વરસાદની આગાહી અન્વયે તકેદારીના પગલાં લેવા જણાવ્યું છે, વરસાદથી લોકોના જાનમાલનું નુકશાન ન થાય તે તકેદારી ના પગલા લેવા જણાવવામાં આવ્યું છે.

ગીર સોમનાથમાં કમોસમી માવઠાથી ખેતરોમાં પાણી ભરાયા છે. શિયાળુ વાવેતરમાં ફાયદો, તો કઠોળ ધાણા ચણા જેવા પાકોમાં નુકશાનની ભીતી છે. વેરાવળમાં ખેતરોમાં પાણી ભરાયા છે.

Comments
Post a Comment