65 દિવસથી પો. કમિશનર વિનાના સુરતમાં ગુનેગારો બેફામ:5 દિવસમાં 6 હત્યા, અલથાણમાં બે શખસે બૂટલેગરને ચપ્પુના ઘા ઝીંકી પતાવી દીધો, ઘટના CCTVમાં કેદ

https://ift.tt/x6KZdn4 65 દિવસથી પોલીસ કમિશનર વિનાના સુરત શહેરમાં ગુનેગારો ફાટીને ધુમાડે ગયા છે. છેલ્લા પાંચ દિવસથી સરેરાશ રોજ એક હત્યાનો બનાવ સુરત શહેરમાં બની રહ્યો છે. પોલીસનો કોઈ ડર જ ના હોય તેમ હત્યારાઓ જાહેરમાં હત્યાઓ કરી રહ્યાં છે. આવો જ એક બનાવ આજે સવારે શહેરના અલથાણ વિસ્તારમાં બન્યો હતો. આજે 5 એપ્રિલને શુક્રવારે વહેલી સવારે અલથાણના આગમ શોપિંગની સામે બૂટલેગર નાનુ પટેલ ઉર્ફે નાનીયાની ચપ્પુના ઘા ઝીંકી જાહેરમાં હત્યા કરવામાં આવી છે. રેન્જ આઈ.જી, પોલીસ કમિશનર અને જોઇન્ટ પોલીસ કમિશનર એક જ વ્યક્તિ સુરત શહેર 1 ફેબ્રુઆરી બાદથી પોલીસ કમિશનર વગર જ ચાલી રહ્યું છે. જોઇન્ટ પોલીસ કમિશનર વાબાંગ ઝમીર હાલ સુરત શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર છે. વાબાંગ ઝમીર ઇન્ચાર્જ સુરત શહેર પોલીસ કમિશનર હોવાની સાથે સાથે છેલ્લા છ મહિનાથી સુરત રેન્જ આઈ.જી.ના પણ ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સંભાળે છે. પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો મળતી માહિતી મુજબ અલથાણ વિસ્તારમાં આવેલા આગમ શોપિંગ વર્લ્ડ ખાતે બૂટલેગરની બે ઈસમો દ્વારા ચપ્પુના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવી છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. બનાવને પગલે ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવીને તપાસ હાથ ધરી છે. જોકે સમગ્ર શહેરમાં છેલ્લા પાંચ દિવસમાં 6 હત્યાની ઘટના સામે આવી છે. તેમાં પણ ઝોન ફોર વિસ્તારમાં બે દિવસમાં ત્રણ હત્યાની ઘટના બની છે. ઘટનાસ્થળે જ તરફડીયા મારી મોતને ભેટ્યો બોથડ પદાર્થ અને તિક્ષ્ણ હથિયારોથી બે ઈસમોએ નાનીયાને જાહેરમાં રહેંસી નાખ્યો હતો. ત્યાર બાદ હત્યા કરી બંને હત્યારાઓ ભાગી છૂટ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે હત્યારાઓને કોઈનો ડર નથી. બે પૈકી એક હત્યારાએ ચહેરા પર રૂમાલ બાંધ્યો છે, પરંતુ બીજો હત્યારો કોઈનાથી ડરતો ન હોય તેમ મોંઢું ઢાંકતો નથી. આ બંને ઈસમો મળી બૂટલેગર નાનીયાને જાહેરમાં બેફામ રીતે માર મારી ચપ્પુના ઘા ઝીંકી રહ્યા હતા. ઘટનાસ્થળે જ તરફડીયા મારી નાનીયો મોતને ભેટ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો બનાવ અંગેની જાણ પોલીસને થતા અલથાણ પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતક બૂટલેગર નાનિયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી અત્યારે તેને પકડવા માટે જુદી જુદી ટીમ કામે લગાવી છે. ત્રણ પૈકી એકની ઓળખ થઈ બનાવ અંગે ઘટનાસ્થળે પહોંચી આવેલા ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે અલથાણ વિસ્તારમાં આવેલા આગમ શોપિંગ કોમ્પ્લેક્સ પાસે બાઈક પર આવેલા ત્રણ ઇસમો દ્વારા નાનુ ડાયાભાઈ પટેલની ચાકુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. હત્યા કરવા આવનાર ત્રણ પૈકી એકની ઓળખ થઈ છે. જેનું નામ પ્રદીપ શુક્લા છે અને તે ડીંડોલીમાં રહે છે. જ્યારે એની સાથે બીજા બે ઈસમો હતા તેને શોધવા પોલીસની ટીમ કામે લાગી છે. તપાસનો ધમધમાટ શરૂ વિજયસિંહ ગુર્જરે વધુમાં જણાવ્યું હતું કે, મૃતક નાનુ પટેલ સામે ભૂતકાળમાં પ્રોહિબિશનના ઉમરા પોલીસ મથકમાં ગુના નોંધાઈ ચૂક્યા છે. બાકી ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે. મરનાર પર કેટલા કેસો ચાલી રહ્યા છે. હાલમાં બૂટલેગર હતો કે નહીં અને કેટલો જૂનો બૂટલેગર છે, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. તેને મારવા પાછળનું કારણ શું છે તે બાબતે હાલ પોલીસ તપાસ કરી રહી છે. ઓળખ થયેલ પ્રદીપ શુક્લા અને તેની સાથે આવેલ અન્ય બે મળી ત્રણે હત્યારાઓના ગુનાહિત ઇતિહાસ શું છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. ત્રણ પૈકી એક કેસ ડિટેક્ટ થઈ ગયો આ સાથે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઝોન ફોરમાં છેલ્લા બે દિવસમાં ત્રણ હત્યાની ઘટના સામે આવી છે. બે ખટોદરા પોલીસ મથકમાંથી અને એક અલથાણમાંથી સામે આવી છે. ત્રણ પૈકી એક કેસ ડિટેક્ટ થઈ ગયો છે. બીજામાં પણ હત્યારાઓ ઝડપથી પકડાઈ જશે. શહેરના કાયદો વ્યવસ્થા સામે અનેક સવાલો ઉલ્લેખનીય છે કે, નાનીયો દેશી દારૂનો ધંધો કરતો હતો. આ દેશી દારૂના ધંધાની અંગત અદાવતમાં સમગ્ર હત્યા કરવામાં આવી હોવાની આશંકા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જોકે સુરતમાં હત્યાના સિલસીલા અંગે વાત કરવામાં આવે તો પહેલી એપ્રિલથી લઇ પાંચ એપ્રિલ સુધીમાં જુદા જુદા વિસ્તારમાંથી કુલ 6 જેટલી હત્યાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. જે રીતે ઉપરા છાપરી હત્યાના બનાવો સામે આવી રહ્યા છે તેને લઇ શહેરના કાયદો વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. વધુ વાંચવા માટે આ લિંક પર ક્લિક કરો...https://ift.tt/aNmvlBi
Comments
Post a Comment