Anklav BJP: આંકલાવ આંકલાવ શહેર ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં આજે મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. એક સાથે 22 મહત્વપૂર્ણ હોદ્દેદારોએ પોતાના પદ પરથી રાજીનામાં આપ્યાં છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

આ ઘટનાક્રમની શરૂઆત 18 ઓગસ્ટના રોજ થઈ હતી, જ્યારે આંકલાવ શહેર ભાજપના મહામંત્રી વિશાલ પટેલે અચાનક રાજીનામું આપ્યું હતું. તેમના સમર્થનમાં આજે વધુ 22 હોદ્દેદારોએ પણ પોતાના પદ છોડી દીધા છે.

રાજીનામાં આપનારાઓમાં યુવા મોરચા પ્રમુખ મિહિર શાહ, શહેર સંગઠન ઉપપ્રમુખ વિપુલ ગુહા, બક્ષીપંચ મોરચા પ્રમુખ હિતેશ દરજી, મહિલા મોરચા પ્રમુખ ગીતાબેન પીઠડીયા અને અન્ય મહત્વના પદાધિકારીઓનો સમાવેશ થાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રાજીનામાઓનું મુખ્ય કારણ પક્ષમાં કોંગ્રેસમાંથી આવેલા કેટલાક લોકોની વધતી જતી દખલગીરી છે. ઉપરાંત, ગત નગરપાલિકા ચૂંટણીમાં મેન્ડેટના કારણે સસ્પેન્ડ થયેલા સભ્યોની તરફેણમાં થઈ રહેલી હિમાયતથી પણ સ્થાનિક કાર્યકરો નારાજ છે. આ ઘટનાએ આંકલાવ ભાજપમાં મોટું ગાબડું પાડ્યું છે અને ભર ચોમાસે રાજકીય વાતાવરણ ગરમાવ્યું છે. કેટલાક લોકો ભાજપ જિલ્લા સંગઠનની નબળી નેતાગીરીને પણ આ પરિસ્થિતિ માટે જવાબદાર હોવાનું કહી રહ્યાં છે. કૉંગ્રેસના ગઢમાં ભાજપી હોદેદારો સ્થાનિક સંગઠનથી નારાજ થતાં ભાજપ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.

રાજીનામુ આપનાર હોદ્દેદારોનાં નામ

વિશાલ પટેલ (શહેર સંગઠન મહામંત્રી)

મિહિર શાહ (યુવા મોરચા પ્રમુખ)

વિપુલ ગુહા (શહેર સંગઠન ઉપપ્રમુખ)

હિતેશ દરજી (બક્ષીપંચ મોરચા પ્રમુખ)

સંજય મોચી (બક્ષીપંચ મોરચા મહામંત્રી)

ઉર્મિલાબેન પંચાલ (શહેર સંગઠન ઉપપ્રમુખ)

કૈલાશબેન રાજ (શહેર સંગઠન મંત્રી)

સંજયભાઈ એ.પટેલ (શહેર સંગઠન મંત્રી)

હિતેશભાઈ પટેલ (શહેર સંગઠન ઉપપ્રમુખ)

અમિતાબેન શાહ (શહેર સંગઠન મંત્રી)

સંજયભાઈ સી. પટેલ (કિશાન મોરચા પ્રમુખ)

ગીતાબેન પીઠડીયા (મહિલા મોરચા પ્રમુખ)

નીરૂબેન દરજી (મહિલા મોરચા મહામંત્રી)

રશિકાબેન પટેલ (મહિલા મોરચા ઉપપ્રમુખ)

આકાશ ઠાકોર (યુવા મોરચા મહામંત્રી)

પ્રવીણભાઈ પઢિયાર (યુવા મોરચા કોષાધ્યક્ષ)

સતિષભાઈ ઠાકોર (યુવા મોરચા ઉપપ્રમુખ)

દિનેશભાઈ પઢિયાર (યુવા મોરચા મંત્રી)

રીતેશ ગોહિલ (યુવા મોરચા મંત્રી)

ભાવિન સોલંકી (અનુસૂચિત મોરચા કોષાધ્યક્ષ)

નીરવ શાહ (શક્તિકૅન્દ્ર ઇન્ચાર્જ)

મહેશ રાઠોડ (શક્તિકેન્દ્ર ઇન્ચાર્જ)

નયન રાણા (સોશિયલ મીડિયા ઇન્ચાર્જ)

આ પણ વાંચોઃ

ગુજરાતમાં વધુ એક વખત પક્ષ પલટાના એંધાણ, જાણો આ વખતે કોંગ્રેસના ક્યા ધારાસભ્યનું નામ ચર્ચામાં આવ્યું...

Comments
Post a Comment