ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીમાં ભાજપને મળ્યું મુસ્લિમ સમાજનું સમર્થન! 21 બેઠકો પર ભાજપના મુસ્લિમ ઉમેદવારો બિનહરીફ વિજયી

BJP Muslim support in Gujarat: ગુજરાતમાં 68 નગરપાલિકાઓ, જૂનાગઢ મહાનગરપાલિકા અને 3 તાલુકા પંચાયતોની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા છે. કુલ 4390 બેઠકો માટે યોજાનારી આ ચૂંટણીમાં ભાજપે 162 બેઠકો બિનહરીફ જીતી લીધી છે, જેમાં સૌથી નોંધપાત્ર બાબત એ છે કે આ બેઠકો પૈકી 21 બેઠકો પર ભાજપના મુસ્લિમ ઉમેદવારોનો વિજય થયો છે.

પરંપરાગત રીતે કોંગ્રેસની વોટબેંક ગણાતા મુસ્લિમ સમાજમાં આ વખતે ભાજપ તરફી મોટું પરિવર્તન જોવા મળ્યું છે. બિનહરીફ જાહેર થયેલા ભાજપના મુસ્લિમ ઉમેદવારોને તેમના વિસ્તારના મુસ્લિમ સહિત તમામ સમાજના લોકોનું સમર્થન મળ્યું છે. બીજી તરફ, બાલાસિનોરમાં કોંગ્રેસના બે મુસ્લિમ ઉમેદવારો પણ બિનહરીફ જાહેર થયા છે.

દરમિયાન, કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખે ભાજપમાંથી ચૂંટણી લડતા મુસ્લિમ ઉમેદવારો અંગે વિવાદાસ્પદ નિવેદન કરતાં કહ્યું હતું કે, "જે મુસ્લિમ ભાજપમાંથી ઉમેદવારી કરે તેમનું જમીર મરી ગયું હોય." આ નિવેદન બદલ ભાજપે કોંગ્રેસની માનસિકતા સામે સવાલો ઉઠાવ્યા છે.

આગામી 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી યોજાનાર છે, જેમાં મુસ્લિમ મતદારોની બહુમતી ધરાવતા વિસ્તારોમાં ભાજપના ઉમેદવારોને કેટલું સમર્થન મળે છે તે જોવું રસપ્રદ રહેશે.

રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર ડૉ. એસ. મુરલી ક્રિષ્નાએ જણાવ્યા મુજબ, 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને જૂનાગઢ મહાનગરપાલિકા માટે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે.

આ ચૂંટણીમાં કુલ 19 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદારો ચૂંટણી કાર્ડ ઉપરાંત અન્ય 12 વૈકલ્પિક દસ્તાવેજો દ્વારા પણ મતદાન કરી શકશે. ચૂંટણી પ્રક્રિયામાં કુલ 7036 ઉમેદવારી પત્રો રજૂ થયા હતા, જેમાંથી 5775 માન્ય રહ્યા અને 478 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. 213 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે અને 5084 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.

જૂનાગઢ મહાનગરપાલિકાની 60 બેઠકોમાંથી 8 બેઠકો બિનહરીફ થઈ છે, જ્યારે બાકીની બેઠકો માટે 157 ઉમેદવારો વચ્ચે હરીફાઈ થશે. 66 નગરપાલિકાઓના 461 વોર્ડમાંથી 24 વોર્ડ સંપૂર્ણ બિનહરીફ જાહેર થયા છે. કુલ 1844 બેઠકોમાંથી 167 બેઠકો બિનહરીફ છે અને 1677 બેઠકો માટે 4374 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે.

આ ઉપરાંત સુરત, અમદાવાદ અને ભાવનગર મહાનગરપાલિકાની એક-એક ખાલી બેઠક માટે પણ ચૂંટણી યોજાશે, જેમાં 17 ઉમેદવારો વચ્ચે હરીફાઈ થશે. ચૂંટણીના પરિણામો 18 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. હવે જાહેર પ્રચાર બંધ થઈ ગયો છે, પરંતુ ઉમેદવારો ડોર-ટુ-ડોર પ્રચાર કરી શકશે.

આ પણ વાંચો....

દિલ્હીની રાજનીતિનું સસ્પેન્સ ખતમ: દિલ્હીમાં ભાજપ ડેપ્યુટી સીએમ બનાવશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ

Comments
Post a Comment