Gujarat education system controversy: ગુજરાતના શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટનાઓનો સિલસિલો યથાવત છે. એક તરફ સમાજ શિક્ષકોને આદર્શ માને છે, ત્યારે બીજી તરફ શિક્ષકો દ્વારા જ વિદ્યાર્થીઓ પર અત્યાચારના કિસ્સાઓ સામે આવતા શિક્ષણ વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા થયા છે. ફેબ્રુઆરી મહિનામાં અમરેલીથી શરૂ થયેલો શિક્ષકોના કાળા કરતુતોનો સિલસિલો બોટાદ સુધી પહોંચ્યો છે, જેમાં વિદ્યાર્થીઓ સુરક્ષિત નથી તેવો ભયજનક સંદેશો સમાજમાં ફેલાયો છે.

સાવરકુંડલા: શિક્ષક વિશાલ સાવલિયા પર સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો આરોપ

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં 11 ફેબ્રુઆરીના રોજ શિક્ષણ જગતને શરમાવે તેવી ઘટના બની હતી. અહીં વિશાલ સાવલિયા નામના શિક્ષક પર વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ ઘટના પ્રકાશમાં આવતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી શિક્ષક વિશાલ સાવલિયાની ધરપકડ કરી છે. આ ઘટનાએ સાવરકુંડલા વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

દાહોદ: શાળાના આચાર્ય ગોવિંદ નટ બાળકીનો હત્યારો

સપ્ટેમ્બર 2024 માં દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળામાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. અહીં અભ્યાસ કરતી 6 વર્ષીય બાળકી શાળા છૂટ્યા બાદ ઘરે પરત ફરી ન હતી. પરિવારે શોધખોળ કરતા બાળકીનો મૃતદેહ શાળાના કમ્પાઉન્ડમાંથી મળી આવ્યો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરતા ખુલાસો થયો કે, બાળકીની હત્યા ખુદ શાળાના આચાર્ય ગોવિંદ નટે જ કરી હતી. નરાધમ આચાર્યએ દુષ્કર્મનો પ્રયાસ કર્યા બાદ બાળકીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. આ ઘટનાથી સમગ્ર દાહોદ જિલ્લામાં શોક અને આક્રોશની લાગણી ફેલાઈ ગઈ હતી. પોલીસ દ્વારા આચાર્ય ગોવિંદ નટ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

બોટાદ: ઢસામાં શિક્ષક આનંદકુમાર જાનીના અડપલાં

વર્ષ 2024માં 21 સપ્ટેમ્બરના રોજ બોટાદ જિલ્લાના ઢસામાં એક શિક્ષક દ્વારા વિદ્યાર્થિની સાથે અડપલાં કરવાનો કિસ્સો સામે આવ્યો હતો. ઢસા પ્રાથમિક શાળાના શિક્ષક આનંદકુમાર જાનીનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે વિદ્યાર્થીની સાથે દુષ્કૃત્ય કરતા કેદ થયો હતો. આ વીડિયો વાયરલ થતા જ લોકોએ શિક્ષક પર ફિટકાર વરસાવ્યો હતો. વિદ્યાર્થિનીના વાલીએ આ શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે અને પોલીસ દ્વારા આરોપી શિક્ષક આનંદકુમાર જાની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વારંવાર બનતી ઘટનાઓ ચિંતાજનક

એક પછી એક સામે આવી રહેલા શિક્ષકોના આવા કાળા કરતુતો શિક્ષણ જગત માટે ખતરાની ઘંટી સમાન છે. વારંવાર બનતી આવી ઘટનાઓથી વાલીઓમાં ચિંતાનો માહોલ ફેલાયો છે અને શાળાઓમાં બાળકોની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. સરકાર અને શિક્ષણ વિભાગે આ મામલે ગંભીરતાથી ધ્યાન આપવાની અને શિક્ષકો પર કડક કાર્યવાહી કરવાની જરૂર છે, જેથી શિક્ષણ જગતની પવિત્રતા જળવાઈ રહે અને વિદ્યાર્થીઓ શાળામાં સુરક્ષિત અનુભવી શકે.

આ પણ વાંચો....

ગુજરાતમાં પોક્સોના ગુનેગારોની હવે ખેર નથી: એક જ દિવસમાં ૭ બળાત્કારીઓને આજીવન કેદની સજા, કાયદાનો સપાટો

Comments
Post a Comment