રિયલ એસ્ટેટ અપીલ માટે ડિજિટલ ક્રાંતિ:ગુજરાત રેરા ટ્રિબ્યુનલની તમામ કાર્યવાહી હવે ઓનલાઈન, મુખ્યમંત્રીએ વેબ પોર્ટલ લોન્ચ કર્યું

https://ift.tt/X7RoEMt ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રેરા ટ્રિબ્યુનલના નવા યુઝર ફ્રેન્ડલી વેબ પોર્ટલનું લોન્ચિંગ કર્યું હતું. ટ્રિબ્યુનલના ચેરમેન અને નિવૃત્ત ચીફ જસ્ટિસ આર.એમ. છાયાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં great.gujarat.gov.in વેબસાઈટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ નવા પોર્ટલ દ્વારા હવે નાગરિકો ઘરે બેઠા રેરા ટ્રિબ્યુનલની 17 જેટલી વિવિધ સેવાઓનો લાભ લઈ શકશે. આ સેવાઓમાં અપીલ ફાઈલિંગ, ઓનલાઈન ફી ચુકવણી, સુનાવણીની તારીખની જાણકારી, ચુકાદાની માહિતી અને અન્ય મહત્વપૂર્ણ સેવાઓનો સમાવેશ થાય છે. દરેક પ્રક્રિયાની માહિતી ઈ-મેઈલ અને SMS દ્વારા પક્ષકારોને મળશે. કેન્દ્ર સરકારે 2016માં રિયલ એસ્ટેટ સેક્ટરના નિયમન માટે રેરા કાયદો ઘડ્યો હતો, જે ગુજરાતમાં 1 મે 2017થી અમલમાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને પારદર્શિતાના વિઝનને અનુરૂપ આ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં રેરાના મેમ્બર એડમિનિસ્ટ્રેશન એન્ડ ટેક્નીકલ રામકુમાર, જ્યુડિશિયલ મેમ્બર દવે, રજિસ્ટ્રાર વાળા અને મુખ્યમંત્રીનાં સચિવ અવંતિકા સિંઘ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ આશા વ્યક્ત કરી કે આ પોર્ટલથી રાજ્યના નાગરિકોને રેરા સંબંધિત સેવાઓ મેળવવામાં વધુ સરળતા રહેશે.
Comments
Post a Comment