Gujarat smart meters: ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં પ્રીપેઇડ સ્માર્ટ વીજ મીટર ફરજિયાત કરવાની જાહેરાત બાદ વિવાદ વકર્યો છે. વિધાનસભા ગૃહમાં ઊર્જા મંત્રીએ સ્માર્ટ મીટરના ફાયદા વર્ણવ્યા હતા, પરંતુ વડોદરા અને ગોધરા સહિત રાજ્યભરના શહેરીજનોમાં સરકારના આ નિર્ણય સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો ભૂતકાળમાં સ્માર્ટ મીટર લગાવવાથી આવેલાં વધુ બિલો અને ટેક્નોલોજીથી અજાણ લોકોની મુશ્કેલીઓનો હવાલો આપી રહ્યા છે.

વિધાનસભા ગૃહમાં પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે પૂછેલા પ્રશ્નના જવાબમાં ઊર્જા મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં વીજ ગ્રાહકો માટે પ્રીપેઇડ સ્માર્ટ વીજ મીટર ફરજિયાત લગાવવાના નિયમો છે. મંત્રીએ દાવો કર્યો કે સ્માર્ટ મીટર અને હાલના મીટરની કામગીરી સમાન છે, અને સ્માર્ટ મીટરના અનેક ફાયદા છે. તેમણે ઉમેર્યું કે ગ્રાહકો સ્માર્ટ મીટર દ્વારા મોબાઈલ પર જ વીજ વપરાશની તમામ માહિતી મેળવી શકશે, જે વીજ વ્યવસ્થાને વધુ આધુનિક અને પારદર્શક બનાવશે.

સરકાર દ્વારા સ્માર્ટ મીટરના ફાયદાઓ વર્ણવવામાં આવ્યા હોવા છતાં, વડોદરા અને ગોધરાના શહેરીજનોમાં આ નિર્ણયને લઈને ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે. વડોદરાના લોકોએ ભૂતકાળમાં સ્માર્ટ મીટર લગાવ્યા બાદ અનુભવેલી સમસ્યાઓને યાદ કરી હતી. તેઓનું કહેવું છે કે અગાઉ જ્યારે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા હતા, ત્યારે સામાન્ય બિલ કરતાં અનેક ગણા વધારે રકમના બિલો આવ્યા હતા, જેને કારણે મોટો વિવાદ થયો હતો. આ મુદ્દે એમ.જી.વી.સી.એલ (MGVCL) કચેરી ખાતે વિરોધ પ્રદર્શન પણ થયા હતા અને લોકોએ આ સ્માર્ટ મીટર યોજનાને પડતી મૂકવાની માંગણી કરી હતી.

હવે ફરીથી પ્રીપેઇડ સ્માર્ટ વીજ મીટર ફરજિયાત કરવાની જાહેરાત થતા લોકોમાં આક્રોશ ફેલાયો છે. લોકોનું માનવું છે કે પ્રીપેઇડ સિસ્ટમથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની મુશ્કેલીઓમાં વધારો થશે, કારણ કે જેટલું રિચાર્જ કરાવ્યું હશે તેટલી જ વીજળી વાપરવા મળશે. કેટલાક નાગરિકોએ તો ત્યાં સુધી માંગ કરી છે કે સરકારે આ નિર્ણય તાત્કાલિક પાછો ખેંચી લેવો જોઈએ. લોકોએ એવી પણ ટિપ્પણી કરી છે કે, સ્માર્ટ મીટર લગાવવા જરૂરી હોય તો જ્યાં વીજ ચોરી થતી હોય તેવા વિસ્તારોમાં જ લગાવવા જોઈએ, બધા માટે ફરજિયાત ન હોવા જોઈએ.

ગોધરા શહેરના ભૂરાવાવ વિસ્તારમાં પણ સ્માર્ટ મીટરના વિરોધમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ઘણા લોકો પાસે સ્માર્ટ મોબાઈલ ફોન નથી, તો તેઓ સ્માર્ટ મીટરનો ઉપયોગ કેવી રીતે કરશે? ભૂરાવાવ વિસ્તારમાં અગાઉ 7,000 જેટલા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા હતા, જેનો સ્થાનિક રહીશોએ ભારે વિરોધ કર્યો હતો અને જુના મીટર ફરીથી લગાવવાની માંગણી કરી હતી. આ મુદ્દે જિલ્લા કલેકટર અને ધારાસભ્ય સુધી રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોઈ પરિણામ ન આવતા આખરે લોકોએ એમ.જી.વી.સી.એલ થી જિલ્લા કલેકટર કચેરી સુધી રેલી યોજી ધરણાં કર્યા હતા. આ વિરોધમાં સ્થાનિક કિન્નરો પણ જોડાયા હતા.

ગોધરાના અગ્રણીઓએ ચીમકી આપી છે કે જો સરકાર સ્માર્ટ મીટર ફરજિયાત કરવાનો નિર્ણય પાછો નહીં ખેંચે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે. કેટલાક લોકોએ પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી પછી સરકાર પોતાની અસલી નીતિઓ જાહેર કરી રહી હોવાનો આક્ષેપ પણ કર્યો છે.

એક તરફ સરકાર સ્માર્ટ મીટરના ફાયદાઓ જણાવી રહી છે, તો બીજી તરફ વડોદરા અને ગોધરાના લોકોનો ઉગ્ર વિરોધ દર્શાવે છે કે પ્રજાજનો હજુ પણ આ ટેક્નોલોજીને સ્વીકારવા માટે તૈયાર નથી. સરકાર માટે હવે પ્રજાજનોને વિશ્વાસમાં લેવા અને તેમની ચિંતાઓને દૂર કરવાના પ્રયાસો કરવા જરૂરી બન્યા છે.

આ પણ વાંચો....

ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: આગામી વર્ષથી ફીમાં તોતિંગ વધારો!

Comments
Post a Comment