ગુજરાતમાં માર્ગ અકસ્માતોની હારમાળા: અમદાવાદથી સુરત સુધી સર્જાયા ગમખ્વાર અકસ્માતો, અનેક લોકોના જીવ ગયા

Gujarat Accident: ગુજરાતમાં આજે માર્ગ અકસ્માતોની એક દુ:ખદ શ્રેણી સર્જાઈ છે, જેમાં રાજ્યના વિવિધ ભાગોમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘણા ઘાયલ થયા છે. અમદાવાદથી લઈને સુરત અને જામનગર સુધીના વિસ્તારોમાં ગમખ્વાર અકસ્માતો નોંધાયા છે.

અમદાવાદ: અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મીઠાખળી પાસે એક સ્કોડા કારે ચારથી પાંચ વાહનોને અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં ચાર લોકો ઘાયલ થયા છે, જેમાંથી એક મહિલાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત સર્જનાર નિલેશ પટેલ નામના યુવકની મીઠાખળી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અટકાયત કરવામાં આવી છે અને યુવક નશાની હાલતમાં હોવાની આશંકા સેવાઈ રહી છે.

જામનગર: જામજોધપુરમાં ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયેલા એક અકસ્માતમાં બાઈક ચાલકનો આબાદ બચાવ થયો છે. જો કે, અકસ્માતમાં બાઈક ચાલકને પગમાં ઈજા પહોંચી છે અને બાઈકને ભારે નુકસાન થયું છે. સમગ્ર અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે ટ્રક સાથે અથડાયા પહેલા બાઈક સ્લીપ થઈ ગયું હતું, જેના કારણે બાઈક ચાલકનો બચાવ થયો હતો.

ડાંગ: સાપુતારા-માલેગામ ઘાટમાં ફોરેસ્ટ રેસ્ટ હાઉસ નજીક એક આઇસર ટેમ્પો પલ્ટી ખાઈ જતા અકસ્માત થયો હતો. GJ06 AZ 5759 નંબરનો ટેમ્પો હૈદરાબાદથી કેબલ વાયરો ભરીને અમદાવાદ તરફ જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. અકસ્માતમાં ડ્રાઇવર અને ક્લીનરને નજીવી ઈજાઓ પહોંચી હતી, જેથી તેમને સામગાહાન સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા છે.

સુરત ગ્રામ્ય: સુરતના ઉમરપાડા નજીક ગત મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવકોના મોત થયા છે. ઉમરજર ગામ પાસે ઇકો કાર અને બાઈક વચ્ચે સામસામી ટક્કર થતાં આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક સવાર ત્રણેય યુવકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. મૃતક યુવકો સાગબારા તાલુકાના વતની હોવાનું જાણવા મળ્યું છે. ઉમરપાડા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

દાહોદ: લીમખેડા તાલુકાના પાલ્લી ગામે એક દુ:ખદ અકસ્માતમાં પતિ-પત્ની સહિત ચાર લોકોના મોત થયા છે. પાલ્લી નજીક રસ્તા પર ખરાબ થયેલી ટ્રક પાસે ઉભા રહેલા લોકોને એક અન્ય વાહને અડફેટે લેતા આ દુર્ઘટના સર્જાઈ હતી. મૃતકોમાં દેવરાજસિંહ લાખાભાઈ નકુમ (ઉ.વ. ૪૭, રહે. અંકલેશ્વર) અને જશુબા દેવરાજભાઈ નકુમ (ઉ.વ. ૪૯, રહે. અંકલેશ્વર)નો સમાવેશ થાય છે. મૃતક પરિવાર અંકલેશ્વર અને ધોળકા તાલુકાનો વતની હોવાનું જાણવા મળ્યું છે.

સુરત શહેર: સુરતમાં હેલ્મેટની અમલવારી પહેલાં એક હૃદયદ્રાવક અકસ્માતમાં બે યુવાનોએ જીવ ગુમાવ્યા છે. શહેરના પારલે પોઇન્ટ બ્રિજ પર મોટરસાયકલ ડિવાઈડર સાથે અથડાતા ત્રણ મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાંથી બે યુવાનોનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એકની હાલત ગંભીર છે. અકસ્માત સમયે ત્રણેય મિત્રો એક જ મોટરસાયકલ પર સવાર હતા અને ઉમરાથી અઠવાગેટ તરફ જઈ રહ્યા હતા. ઘટના સ્થળે પહોંચેલી ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, જો ચાલકોએ હેલ્મેટ પહેર્યા હોત તો કદાચ તેમનો જીવ બચાવી શકાયો હોત. આ અકસ્માત હેલ્મેટના મહત્વ અને માર્ગ સલામતીના નિયમોના પાલન પર ભાર મૂકે છે.

આ પણ વાંચો....

ભાજપ પર આતિશીનો સનસનીખેજ આરોપ: મંત્રી પદ માટે ભાજપમાં....., પ્રજાના કામ બાજુ પર!

Comments
Post a Comment