દહેગામના પૂર્વ ધારાસભ્યના પતિને બે વર્ષની સજા:કોરોના કાળમાં પોલીસ કર્મચારી સાથે માથાકૂટ અને ધમકી આપવાના કેસમાં કોર્ટનો ચુકાદો

https://ift.tt/dh9EuVk દહેગામ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. પૂર્વ ધારાસભ્ય કામિનીબેનના પતિ ભૂપેન્દ્રસિંહ ઉર્ફે લાલભાઈ રાઠોડને બે વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે તેમની સાથે રૂ. 1 હજારનો દંડ પણ ફટકાર્યો છે. ઘટના 17 મે 2020ની છે. કોરોના કાળ દરમિયાન પ્રોહિબિશનના કેસમાં બે આરોપીઓ આગોતરા જામીન લઈને દહેગામ પોલીસ સ્ટેશને આવ્યા હતા. પોલીસ તેમની પૂછપરછ કરી રહી હતી. આ દરમિયાન દહેગામ કોંગ્રેસ શહેર પ્રમુખ ભૂપેન્દ્રસિંહ રાઠોડ અને વિશ્વજીતસિંહ સિસોદિયા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. લાલભાઈએ આરોપીઓને તાત્કાલિક છોડી મૂકવાની માગણી કરી. પીએસઆઇ સોલંકીએ કાર્યવાહી પૂરી થયા બાદ છોડવાનું જણાવ્યું. આ વાત સાંભળી લાલભાઈ ઉશ્કેરાયા અને પોલીસને ધમકી આપી. જમાદાર વિક્રમભાઈએ શાંત રહેવા કહ્યું ત્યારે લાલભાઈએ તેમની સાથે ઝપાઝપી કરી મુક્કો માર્યો. પોલીસ સ્ટેશનમાંથી નીકળતી વખતે બંને આરોપીઓએ પોલીસને જાનથી મારી નાખવાની ધમકી આપી. તેઓ EX MLA GUJARAT લખેલી લાલ ગાડીમાં આવ્યા હતા. પોલીસે બંને વિરુદ્ધ ઈપીકો કલમ 353, 332 સહિતની વિવિધ કલમો અને કોવિડ-19 એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. દહેગામના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ વી.પી. મહેતાની કોર્ટમાં કેસ ચાલ્યો. કોર્ટે પુરાવાઓને આધારે ભૂપેન્દ્રસિંહ રાઠોડને દોષિત ઠેરવ્યા છે.
Comments
Post a Comment