Gujarat Accident : ગુજરાતમાં અકસ્માતની વણઝાર , અલગ અલગ અકસ્માતમાં 17ના મોત

Gujarat Accident: વાપીમાં બેફામ ડમ્પર ચાલકે ફરી માનવ જિંદગીને કચડી નાખી છે. દમણગંગા મુક્તિધામ પાસે ડમ્પર અને બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. મૃતકો સાડી ગામે આવેલી એક કંપનીમાં કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે.

અમરેલી: અમરેલીના બાબરા નજીક ખાખરીયા ગામ પાસે ટેમ્પો અને બાઇક વચ્ચેના અકસ્માતમાં પિતા પુત્રીના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા છે. આ અકસ્માતમાં અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેને રાજકોટ સારવાર માટે ખસેડાયો છે.

લસકાણા: સુરતના લસકાણામાં ફરી એકવાર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે, જેમાં બે લોકોના કરૂણ મોત થયા છે. લસકાણામાં ફોર વ્હીલ કારે અકસ્માત સર્જતા રાજેશ ગજેરા અને મહેશ લાઠીયા નામના બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ ઘટનામાં મહિમા નામની એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. કાર ચાલક અર્જુન વીરાની પણ ઇજાગ્રસ્ત થયો છે અને તેને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે કાર ચાલક અર્જુન વીરાની દ્વારા બ્રેકના બદલે ભૂલથી એક્સીલેટર દબાવી દેવાતા આ દુર્ઘટના સર્જાઈ હતી. અર્જુન વીરાની ડાયમંડ નગર ખાતે આવેલ લુમ્સ ખાતામાં એકાઉન્ટ મેનેજર તરીકે કામ કરે છે. ઉલ્લેખનીય છે કે, લસકાણામાં થોડા દિવસ પહેલા જ હિટ એન્ડ રનની ઘટનામાં બે સગા ભાઈઓના મોત થયા હતા, જે ઘટના હજી તાજી જ છે ત્યાં વધુ એક અકસ્માતની ઘટના બનતા વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

રાજ્યમાં એક જ દિવસમાં ત્રિપલ અકસ્માતની આ ઘટનાઓએ ફરી એકવાર માર્ગ સલામતીના મુદ્દાને ચિંતાજનક રીતે પ્રકાશમાં લાવ્યો છે. બેફામ વાહન ચાલકો અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને કારણે નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા આવા બેજવાબદાર તત્વો સામે કડક પગલાં લેવા અને માર્ગ સલામતીને સુનિશ્ચિત કરવી અત્યંત જરૂરી બની ગયું છે.

Comments
Post a Comment