સાહેબ મિટિંગમાં છે:જનસંપર્કના દિવસે મંત્રી અરજદારના બદલે ફોટો પડાવવામા વ્યસ્ત, રાજકોટ શહેર ભાજપ સંગઠનમાં 'અંગત'ને ગોઠવા ધારાસભ્યોમાં ખેંચતાણ
https://ift.tt/FH7tuB0 દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી… મુખ્ય સચિવના ડરથી પાલિકા- કોર્પોરેશનોએ નાના મોટા કામોમાં ઝડપ લાવી દીધી મુખ્ય સચિવ એમ.કે. દાસે ચાર્જ સંભાળ્યા બાદ જીલ્લા કલેકટરો,ડીડીઓ,સચિવોને સાફ કહી દીધુ છે કે, કોઈપણ સંજોગોમાં ભ્રષ્ટાચારને ચલાવી લેવામાં નહી આવે. એટલુ જ નહી, કામમા પણ ઝડપ લાવવાની રહેશે. જેના માટે અધિકારીઓની જવાબદારી નક્કી થશે. આવા આદેશ બાદ વિવિધ મ્યુનિ.કોર્પોરેશનો અને નગરપાલિકાઓ-તાલુકા પંચાયતોના વિવિધ કામમા ખુબ જ ઝડપ આવી ગઈ છે. અમદાવાદ કોર્પોરેશનમાં કેટલાક અધિકારીઓ ચર્ચા કરતા હતા કે, દાસ સાહેબની કડકાઈથી હવે બધા સીધા થઈ ગયા છે. પહેલા ગટર સહિતના કામ માટે જગ્યા જોઈતી હોય તો એક એક વર્ષ સુધી જવાબ આપતા નહોતા. હવે તેઓ સીધા થઈ ગયા છે. એક વાર કહેવાથી જ તેઓ જગ્યાની ફટોફટ ફાળવણી કરી દે છે. ચમત્કાર વગર નમસ્કાર નહી એ કહેવતને મુખ્ય સચિવે યથાર્થ ઠેરવી છે. 'ભાજપના નેતાને સરકારી સ્લોટર હાઉસ દેખાયું પણ ગેરકાયદે કતલખાના નથી દેખાતા!' અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા ઐતિહાસિક બજેટમાં નવું સ્લોટર હાઉસ બનાવવાની દરખાસ્તને લઈને ભાજપના ધારાસભ્ય ભડક્યા અને કમિશનરે દરખાસ્ત પરત ખેંચી લીધી હોવાની જાહેરાત કરવી પડી છે. જોકે આ સમગ્ર મામલો રાજકીય થયાં બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓમાં ચર્ચા છે કે, સરકારી નિયમ પ્રમાણે સ્લોટર હાઉસ ચલાવવામાં આવી રહ્યું છે અને હાલની સ્થિતિને જોતા નવું બનાવવું પડે છે. જોકે પશુઓની કતલને રોકવાના નામે ભાજપના ધારાસભ્યએ વિરોધ કર્યો પરંતુ શહેરમાં બાપુનગર, ગોમતીપુર, બહેરામપુરા, વટવા સહિત અનેક જગ્યાએ ગેરકાયદેસર કતલખાના ચાલે છે જેને ભાજપના નેતાઓ બંધ કરાવી શકતા નથી. પોલીસ કમિશનર સાથેની સંકલન બેઠકમાં ગેરકાયદેસર કતલખાનાઓ બંધ કરાવવા માટે રજૂઆત કરી શકતા હોય છે, પરંતુ ત્યાં આવી કોઈ રજૂઆત થતી નથી. જો ગેરકાયદેસર બંધ કરાવી દે તો પણ ઘણા બધા પશુ કતલ થતી રોકાઈ જાય. જોકે નેતાજીને સરકારી સ્લોટર હાઉસ દેખાય છે પરંતુ શહેરમાં અનેક ગેરકાયદેસર સ્લોટર હાઉસ ચાલે છે એના વિશે ક્યાંય રજૂઆત થઈ હોય તેવું જણાતું નથી. શિક્ષણ વિભાગમાં ફાઈલોના ઢગલા,મુખ્યમંત્રીએ પણ તેની ગંભીર નોંધ લીધી થોડો સમય પહેલા જ મુખ્ય સચિવ એમ.કે. દાસે કેબિનેટને સમાંતર મળતી સેક્રેટરીઓની મીટીંગમાં સૂચના આપી હતી કે, કોઈપણ પ્રકારની ફાઈલ હોય તેનો સાત દિવસમાં નિકાલ કરવો પડશે.શેઠની શિખામણ ઝાંપા સુધી એ કહેવતની માફક હજુ પણ તેનો પૂરો અમલ થયો નથી.સચિવાલયમાં ચર્ચા છે કે, અગાઉની જેમ હજુ સૌથી વધુ ફાઈલોનો નિકાલ થતો ન હોય તેવા ડીપાર્ટમેન્ટમાં શિક્ષણ વિભાગ નંબર 1 ઉપર આવે છે. મંત્રીમંડળનુ વિસ્તરણ થયા બાદ નવા શિક્ષણ મંત્રી તરીકે પ્રધ્યુમન વાઝાએ કારભાર સંભાળ્યા બાદ સ્થિતિ સુધરવાને બદલે બગડી રહી છે. વિભાગના અધિકારીઓ દ્રારા જૂદી જૂદી ફાઈલોને સમયસર મંત્રીના કાર્યાલયમાં મોકલવામાં આવે છે. પરંતુ ત્યાંથી ફાઈલોનો નિકાલ થતો નથી. ઉચ્ચ અધિકારીઓ મંત્રીને સમજાવીને થાકી જાય છે પણ મંત્રી સમજી શકતા નથી. આ સંદર્ભમાં મુખ્યમંત્રી તેમજ મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર હસમુખ અઢીયાને પણ ખબર પડી ગઈ છે. તેઓએ પણ તેની ગંભીર નોંધ લીધી છે.જોવાનુ એ રહે છે કે, બજેટ સત્ર પહેલા ફાઈલોનો નિકાલ થાય છે કે પછી ફાઈલોનો સંખ્યા વધે છે. બાંધકામોની સાઈટો પરથી સેમ્પલ લો, નીચેના અધિકારીઓ પર સોપો પાડી દો ગત અઠવાડીયે ગાંધીનગરમાં મુખ્યમંત્રી-મુખ્ય સચિવની હાજરીમાં પ્રભારી સચિવોની મીટીંગ મળી હતી. જેમાં એડિશનલ ચીફ સેક્રેટરીઓ,પ્રિન્સિપલ સેક્રેટરીઓ અને સેક્રેટરીઓ જોડાયા હતા. આ મીટીંગ લાંબો સમય ચાલી હતી. જેમાં પ્રભારી સચિવોને કહેવાયુ કે, તમે જે જીલ્લા માટે પ્રભારી સચિવ તરીકેની જવાબદારી સોંપાઈ છે તે જીલ્લાની એકાએક મુલાકાત લેવાનુ ચાલુ કરી દો.ત્યાં જઈને વિવિધ પ્રકારના બાંધકામોની સાઈટ પર જાવ અને તેના સેમ્પલ લો અને ચકાસણી કરો કે કામ બરોબર થાય છે કે નથી થતુ. તેમાં ખાસ કરીને ક્વોલિટીની ચકાસણી કરવાની છે. તમે લોકો જઈને ત્યાં સોપો પાડી દો.આવી ચર્ચા દરમિયાન એક બે મહીલા સચિવે હિંમત કરીને દલીલ કરી હતી કે, અમારી પાસે મટીરીયલ્સનુ ચેકીંગ કરવાની કોઈ સુવિધા કે મશીનરી નથી અને કઈ રીતે આ કામ કરી શકીએ. અમને આમાં ટેકનિકલી કશી ખબર પણ ન પડે.અમારુ કામ તો જીલ્લાના પ્રશ્નો ઉકેલવાનુ છે તેમજ સરકાર સાથેના કોઈ ઈસ્યુ હોય તો જીલ્લાના સ્થાનિક તંત્ર વચ્ચે કો ઓર્ડીનેશન કરવાનુ છે. જો કે, સચિવોને એવુ કહેવાયુ છે કે, તમે કામ શરુ કરો સરકાર તમને તમામ વ્યવસ્થા કરી આપશે. આ બેઠક બાદ બ્યુરોક્રેટ્સમાં ચર્ચા છે કે, છેલ્લા કેટલાક સમયથી પાણીની ટાંકી તૂટી પડવાની, જૂદા જૂદા બ્રિજો તૂટવાની કે નબળા પડવાની ઘટના બન્યા બાદ સરકાર હવે એ જવાબદારી પણ આપણા પર નાખવા માગે છે. સ્માર્ટ સિટી અમદાવાદમાં AI પર બ્રેક,વરસાદી પાણી નિકાલની ફાઈલ દોઢ મહિનાથી પેન્ડિંગ અમદાવાદ મહાનગરપાલિકાનો વર્ષોથી સૌથી મોટો અને પ્રાણ પ્રશ્ન રહ્યો છે વરસાદી પાણી ભરાવાનો. દર વર્ષે થોડો પણ ભારે વરસાદ પડે એટલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. આ સમસ્યાને વૈજ્ઞાનિક અને આધુનિક ટેકનોલોજીથી કંટ્રોલ કરવા માટે હવે AI (Artificial Intelligence)નો ઉપયોગ કરવો જોઈએ એવી ચર્ચા જોર પકડી રહી છે. કેટલો વરસાદ આવશે તેનું એડવાન્સ ફોરકાસ્ટ, કયા વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા છે અને કયા પ્રિવેન્ટિવ એક્શન લેવા, આ બધું AIના માધ્યમથી શક્ય છે. આ મુદ્દે બ્રેઈન સ્ટોર્મિંગ પણ થયું છે, કોર્પોરેશનમાં લોકો મળ્યા છે, ચર્ચાઓ થઈ છે.પરંતુ ચર્ચા અહીં જ અટકી ગઈ છે. ચર્ચાઈ રહ્યું છે કે AI આધારિત પ્રોજેક્ટની ફાઈલ છેલ્લા દોઢ મહિનાથી મ્યુનિસિપલ કમિશનરના ટેબલ પર ધૂળ ખાતી પડી છે, પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી. શહેર માટે એટલો ગંભીર મુદ્દો હોવા છતાં કમિશનરનો રસ ન દેખાતો હોવાની ચર્ચા કોર્પોરેશનના ગલિયારાઓમાં ચાલી રહી છે. GFGNLના કથિતકૌભાંડ બાદ DSTમાં ‘સાઈલન્સ મોડ’? ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (DST)ને લઈને ચર્ચાઓ ગરમ છે. મોના ખંધાર જ્યારે DSTમાં ફરજ બજાવતા હતા, ત્યારે તેમની બદલી પાછળ GFGNL (Gujarat Fibre Grid Network Limited)ના કથિત કૌભાંડની છાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે, 1 સપ્ટેમ્બરે GFGNLની રીવ્યુ મીટિંગ યોજાઈ હતી અને એ પછી જ મોના ખંધારની બદલી થઈ. ત્યારબાદ આજદિન સુધી GFGNLને લઈને એકપણ સિંગલ મૂવમેન્ટ નથી થઈ. ચર્ચા એવી છે કે હવે તો GFGNLની ફાઈલને સ્પર્શ કરવા માટે ન મંત્રી તૈયાર છે, ન સેક્રેટરી, ન કોઈ અધિકારી. કેટલાક તો એવું પણ કહી રહ્યા છે કે 1 સપ્ટેમ્બર પછી DSTને જાણે તાળું વાગી ગયું હોય, એવી સ્થિતિ સર્જાઈ છે. સોમવારના જનસંપર્કમાં ફક્ત ફોટોગ્રાફી, નિકાલ શૂન્ય? મંત્રીઓ માટે જનતાને મળવાનો નક્કી કરાયેલ દિવસ એટલે સોમવાર. આ દિવસે અરજદારો રજુઆત કરવા આવે છે, પરંતુ રજુઆતનો નિકાલ થાય છે કે નહીં, એ મોટો પ્રશ્ન બની ગયો છે.એક જિલ્લામાંથી રજુઆત કરવા આવેલા એક સંગઠનનું કહેવું છે કે, “અમે એક મહિના પહેલા અરજી આપી હતી. ફોલોઅપ માટે એક મહિના પછી ફરી આવ્યા તો કહેવામાં આવ્યું કે અરજી મળતી નથી, ફરી આપી દો. ફરી આપી, છતાં ફોલોઅપ લીધો તો કોઈ કાર્યવાહી નથી.” આવા અનુભવો બાદ લોકોમાં રોષ વધી રહ્યો છે. લોકો કહે છે કે જનસંપર્કના દિવસે મંત્રીઓ અરજદારોને મળવાને બદલે ફક્ત ફોટા પડાવવામાં વ્યસ્ત રહે છે. રજુઆતો સાંભળવામાં આવે છે, આશ્વાસન આપવામાં આવે છે, પરંતુ નિકાલ ક્યાંય દેખાતો નથી. જનસંપર્કનું ‘આઉટકમ’ ક્યાં? ફરિયાદો એવી ઉઠી રહી છે કે જનસંપર્કનું કોઈ સ્પષ્ટ આઉટકમ જ નથી આવતું. લોકો મળ્યા, ફોટા પડ્યા, વાતો થઈ… પણ ફાઈલ ત્યાં જ અટકી જાય છે. શિક્ષણનુ સ્તર સુધારવા માટે શિક્ષકોને સોંપાતી અન્ય કામગીરીને બંધ કરાવો ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષણનુ સ્તર કથળ્યું છે. તેને સુધારવા માટે સરકારે અનેક પ્રયાસો કર્યા છે પણ હજુ સુધી કોઈ જ સફળતા મળતી નથી. ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠકમાં પણ શિક્ષણનુ સ્તર સુધારવા માટેની ચર્ચા થઈ હતી. અધિકારીઓ દ્રારા સેક્રેટરીઓની મીટીંગમાં પ્રેઝન્ટેશન પણ અપાયુ હતુ.જેમાં એવો મત વ્યક્ત કરાયો હતો કે, શિક્ષણનુ સ્તર સુધારવા માટે ઉચ્ચ અધિકારીઓએ પોતાની પૂરી તાકાત લગાવવી પડશે. જ્યારે કોઈ અધિકારીએ એવી દલીલ પણ કરી હતી કે, વર્ષ દરમિયાન વેકેશનો અને રજાના દિવસો બાદ કરતા વિધાર્થીઓને ભણવા માટે ઘણા ઓછા દિવસો મળે છે.ઉપરાંત શિક્ષકોને વર્ષ દરમિયાન BLO સહિતની અનેક કામગીરી સોંપાતી હોય છે. જેથી તેઓ શાળામાં ભણાવવામાં પૂરતુ ધ્યાન આપી શકતા નથી. કોઈએ એવુ સૂચન કર્યુ હતુ કે, જો એજ્યુકેશનનુ સ્તર સુધારવુ હોય તો, ત્રણ વર્ષ સુધી તમામ શિક્ષકોને ભણાવવા સિવાયની કોઈ જ અન્ય કામગીરી સોંપવી જોઈએ નહી. સરકાર હવે આ સંદર્ભમા કેવો નિર્ણય કરે છે તે જોવાનુ રસપ્રદ બનશે. બે પ્રિન્સિપલ સેક્રેટરીઓ ઈટલીના પ્રવાસે ઉપડ્યા, અધિકારીઓમાં ગણગણાટ ગત અઠવાડીયે સચિવાલયમાં ફરજ બજાવતા બે IPS અધિકારીઓ અશ્વિનીકુમાર અને રાહુલ ગુપ્તા ઈટલીના પ્રવાસે ઉપડી ગયા છે. જો કે આ તેમનો સરકારી અને સત્તાવાર પ્રવાસ છે. ઈટલીમાં ઓલિમ્પિક ગેમ્સના સંદર્ભમાં બેઠક મળી રહી છે જેમાં હાજર રહેવા માટે સરકારે બન્ને અધિકારીઓને ત્યાં મોકલ્યા છે. જેને લઈને સચિવાલયમાં કેટલાક અધિકારીઓમાં ગણગણાટ શરુ થયો છે. તેઓ એકબીજા સાથે ચર્ચા કરી રહ્યા છે કે, વિદેશ પ્રવાસ માટે આપણો નંબર ક્યારે આવશે.આ બન્ને અધિકારીઓની સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જવાના હતા પણ તેઓ શ્રીલંકા ગયા હતા. રાજકોટ ભાજપ સંગઠનમાં પોતાના વિશ્વાસુઓને ગોઠવવા ધારાસભ્યોમાં ખેંચતાણ રાજકોટ ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રાજકોટ શહેર ભાજપના જૂથવાદની વાતો પ્રદેશ જ નહિ પરંતુ રાષ્ટ્રીય મવડી મંડળ સુધી પણ પહોંચી ગઈ જેના કારણે પ્રથમ પ્રમુખ સહિત આખું માળખું નવું જાહેર કરવા અટકળો શરૂ થઇ. જો કે પ્રમુખે પોતાને નવી ટિમ મળી ન હોવાથી યોગ્ય કામ થઇ ન શકતું હોવાની રજુઆત કરી નવી ટિમ સાથે તાકાતથી કામ કરવાની ખાતરી આપતા મોવડી મંડળ આ વાતથી માંડ માંડ સહમત થયું ત્યાં બાકીના હોદેદારો માટે ખેંચતાણ શરૂ થઇ. રાજકોટના એક ધારાસભ્યના અંગતને સંગઠનમાં નિમણુંક પાક્કી છે તેવું ચર્ચાવા લાગતા બીજા ધારાસભ્યએ પણ પોતાના માનીતાનો સમાવેશ કરવા માંગણી કરી છે પરંતુ હવે એ નામ માટે તો સ્પષ્ટ મનાઈ જ આવી છે માટે હવે ગુંચવાયેલા કોકડા વચ્ચે મહદ અંશે નો રિપીટ સાથેના માળખામાં કોનો સમાવેશ થાય અને કોની બાદબાકી તેના પર આખાએ રાજકોટના ભાજપના નેતાઓ આગેવાનો અને કાર્યકર્તાઓની મિટ મંડાયેલી છે. સમસ્યાના નિરાકરણના બદલે ભાજપ નેતાએ નાગરિકને ઉડાઉ જવાબ આપ્યો! ભાજપના એક નેતાની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. નેતાજીની રજૂઆતના આધારે જે નિર્ણય કરવામાં આવ્યો છે તેનાથી લોકોમાં રોષ ફેલાયો છે સ્થાનિક લોકોએ ભાજપના નેતાને ફોન કરીને તેમની સમસ્યા સાંભળવા માટે કીધું તો ભાજપના નેતાએ કહી દીધું કે તમે મંત્રીઓ જોડે જાઓ સરકારમાં જાઓ જે કરવું હોય એ કરો. આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે. ત્યારે ભાજપના નેતાજીએ સ્થાનિક લોકોને સાંત્વના આપી તેમની સમસ્યાનું નિરાકરણ કરવાનું હોય પરંતુ ભાજપના આ નેતાજી તો તમારે જ્યાં સરકારને કહેવું હોય અને જે મંત્રીને કહેવું હોય એ કહી દો હું કોઈ સરકારનો માલિક નથી એવું કહ્યું હતું. ભાજપના નેતાજીના હઠના કારણે આગામી ચૂંટણીમાં નેતાજીના આવા જવાબ અને તેમની કરેલી રજૂઆતના કારણે હેરાનગતિ લોકો ચોક્કસ યાદ રાખીને મતદાન કરશે એવી ચર્ચા છે. મનપાની ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક લડાઈ તેજ બન્યાની ચર્ચા ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર થઈ ચૂક્યું છે જિલ્લા અને શહેરમાં પણ નવા સંગઠનની ટીમ જાહેર થઈ રહી છે. જોકે ભાજપમાં સંગઠનમાં આંતરિક વિખવાદ હવે ચરમસીમા પર આવી ગયો છે. ખાસ કરીને મહાનગરપાલિકાઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપના નેતાઓમાં અંદરો અંદર લડાઈ ચાલુ થયાની ચર્ચા છે. ભાજપ ભલે શિસ્ત પાર્ટી કહેવામાં આવે પરંતુ પાર્ટીમાં હવે શિસ્ત જેવું ક્યાંય રહ્યું નથી. પાર્ટીમાં ઉચ્ચ નેતા સર્વોપરી હોય છે પરંતુ હવે પાર્ટીના કેટલાક નેતાઓ જ ગમે ત્યારે ગમે તે રીતે વર્તન અને પૂછ્યા વિના નિર્ણયો કરવા લાગ્યા છે. સૌરાષ્ટ્રના સંગઠનમાં પણ આંતરિક વિખવાદ સામે આવ્યો છે. અમદાવાદમાં પણ ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો વચ્ચે ક્યાંક ને ક્યાંક આંતરિક વિખવાદ હોવાને લઈને નવી ટીમ જાહેર થતાની સાથે જ મોટો વિરોધ સામે આવે એવી ચર્ચા જાગી છે CMOમાં ફરજ બજાવતા અજયકુમાર અને વિક્રાંત પાંડેની શાલીનતા જોઈ CM-નાણામંત્રી પ્રભાવિત ગત અઠવાડીયે કેન્દ્ર સરકારનુ બજેટ જાહેર થયા બાદ તેના પર પ્રતિક્રિયા આપવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મીડિયા સાથે વાત કરવાનુ નક્કી કર્યુ હતુ. તેમની સાથે નાણા મંત્રી કનુભાઈ દેસાઈ, નાણા ખાતાના એડિશનલ ચીફ સેક્રેટરી ટી.નટરાજન, સીએમઓમાં ફરજ બજાવતા સંજીવકુમાર, પ્રિન્સિપલ સેક્રેટરી વિક્રાંત પાંડે અને સચિવ અજયકુમાર જોડાયા હતા. સ્ટેજ પર મુખ્યમંત્રી નાણામંત્રી ઉપરાંત આ પાંચેય આઈએએસ અધિકારીઓ માટે પણ ખુરશી ગોઠવાઈ હતી. મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોનો કાફલો સ્વર્ણિમ-1ના તાપી હોલમાં પહોચ્યો હતો. એ સમયે પાંડે અને અજયકુમાર સિવાયના બાકીના તમામ લોકો સ્ટેજ પર જતા રહ્યા હતા. એક તબક્કે આ બન્ને અધિકારીઓ પણ સ્ટેજ પર જવાના હતા પણ છેલ્લી ઘડીએ તેઓ સ્ટેજ પર બેઠા નહોતા. એટલુ જ નહી મીડીયાના લોકો જ્યાં બેઠા હતા ત્યાં જઈને બન્ને અધિકારીઓ શાંતિથી બેસી ગયા હતા. પ્રેસ કોન્ફરન્સ પૂરી થયા બાદ આ બન્ને અધિકારીઓ હાથમાં ફાઈલો લઈને ઉભા થઈ ગયા હતા. બન્ને અધિકારીઓની આવી શાલીનતા જોઈને મુખ્યમંત્રી-નાણામંત્રી પ્રભાવિત થયા હતા. શહેરી વિકાસ મંત્રીએ ટીપીના સંદર્ભમાં સીટીપી-મ્યુનિ.કમિશનરો,ઔડા-ગુડાને નોટિસ ફટકારી તાજેતરમાં જ નાણા અને શહેરી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ ટાઉન પ્લાનીંગ સ્કીમના સંદર્ભમાં સીટીપી તેમજ તમામ મ્યુનિસિપલ કમિશનરોને તથા ઔડા,ગુડા જેવી ઓથોરીટીઓને નોટિસો ફટકારી છે. જેમાં જણાવાયુ છે કે, જે કામ 100 દિવસમાં થતા હોય તેનો સમય ઘટાડીને 20 દિવસનો કરવાની વાતનુ શું થયુ. કામ કેમ ઝડપથી થતુ નથી, સમય કેમ ઘટતો નથી તેનો ખુલાશો કરો. અગાઉના પરિપત્ર મુજબ ટીપીની કામગીરીમાં ઝડપથી નિર્ણયો લેવાના થતા હોય છે એ મુજબનુ કામ અધિકારીઓ અને તંત્ર કરતુ નથી. અત્રે નોંધનીય છે કે, સીએમ બન્યા બાદ ભુપેન્દ્ર પટેલે એક પરિપત્ર કરાવ્યો હતો. જેમાં જણાવાયુ હતુ કે, ટીપીમાં સુધારાઓ કરીને તેની પ્રોસેસને નાની-ટૂંકી કરી દો જેથી નાગરિકોને કોઈ તકલીફો ન પડે. જો કે, હજુ સુધી તેનો અમલ થઈ શક્યો નથી. માટે આવી નોટિસ કાઢવી પડી છે. કોઈ સીટીપીને નોટીસ મળી હોય એવી ગુજરાતની આ પ્રથમ ઘટના છે.હવે તંત્ર આવી નોટીસને ઘોળીને પી જાય છે કે પછી તેનો અમલ કરાવે છે તે જોવાનુ રહ્યુ.
Comments
Post a Comment